વિવાદ:પત્નીએ સાથે સૂવાની ના પાડતા પતિએ માર માર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા-પિતાએ ફરિયાદ ન નોંધ્યાનો આક્ષેપ

શહેરના મવડી વિસ્તારમાં લાભદીપ સોસાયટી-6માં રહેતા પરિણીતાના પિતા હરેશભાઇ નાગજીભાઇ દૂધાગરાએ જણાવ્યું કે, દીકરી જેનીસાના પ્રથમ લગ્નના છૂટાછેડા બાદ છ મહિના પહેલા મૂળ ધ્રોલ હરિપરના તરુણ ભંડેરી સાથે બીજા લગ્ન કર્યા છે. તરુણના આ ત્રીજા લગ્ન છે. તેના આગલા ઘરનો દીકરો સાથે રહે છે. બે દિવસ પહેલા કામ અર્થે જામનગર ગયા હતા. ત્યાંથી પરત આવ્યા હતા. દીકરી જેનીસાનો બે દિવસથી ફોન આવ્યો ન હોય તેના ખબર અંતર પૂછવા તેના ઘરે ગયા હતા. ઘરે પહોંચતા દીકરી જેનીસાની હાલત જોઇ ચોંકી ગયા હતા. જેનીસાના ગાલ તેમજ શરીરના અન્ય ભાગોએ મારને કારણે ઇજાના નિશાનો જોવા મળ્યાં હતા.

જેથી પુત્રીની પૂછપરછ કરતા ગત તા.15મીના રાતે ઘર પાસે થતી ગરબી જોવા ગઇ હતી. ગરબી જોઇ રાતે ઘરે આવી હતી. આ સમયે પતિ તરુણ ઘરે જ હતા. ત્યારે પતિએ પોતાની સાથે સૂવાનું કહ્યું હતું, પરંતુ પોતે થાકી ગઇ હોવાની વાત કરતા રાતે માથાકૂટ થઇ હતી.

બાદમાં બીજા દિવસે સવારે પતિ તરુણે બંને હાથ બાંધી પોતાને ઢોરમાર મારતા ઇજા થઇ હોવાનું જણાવ્યું હતું. પુત્રીની આવી હાલત જોઇ તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં હોસ્પિટલ પોલીસ ચોકીએ દીકરી જેનીસાનું નિવેદન લઇ તાલુકા પોલીસને જાણ કરી હતી. બાદમાં જેનીસાને ડિસ્ચાર્જ કર્યા બાદ ફરિયાદ કરવા માટે તાલુકા પોલીસમથક પહોંચ્યા હતા, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી.

અન્ય સમાચારો પણ છે...