પતિની દાદાગીરી:રાજકોટમાં પત્નીએ આધારકાર્ડ માગતાં પતિએ કીધું ‘તું મરી નહીં જા તારે વેક્સિન નથી લેવાની’

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિના ત્રાસથી છ વખત રિસામણે ગયા બાદ અંતે ફરિયાદ નોંધાવી

પરિણીતાઓ પર સાસરિયાઓ દ્વારા અપાતા અત્યાચારના બનાવો વચ્ચે સાવ સામાન્ય બાબતે દાંપત્ય જીવનમાં તિરાડ પડ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. સંતકબીર રોડ, ન્યૂ શક્તિ સોસાયટી-1માં છેલ્લા ત્રણ મહિનાથી આઠ વર્ષની પુત્રી સાથે માવતરે રહેતી ગીતા નામની પરિણીતાએ કોઠારિયા રોડ, આશાપુરા સોસાયટી-2માં રહેતા પતિ જનક લાભુભાઇ લાંબા અને જેઠના દીકરા દિલીપ દિનેશભાઇ લાંબા સામે ફરિયાદ નોંધાવી છે. તા.5-2-2012માં જનક સાથે લગ્ન થયા બાદ સાસરે સંયુક્ત પરિવારમાં રહેતા હતા.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

લગ્નના પાંચ વર્ષ બાદ સાસરિયાઓ સાથે માથાકૂટ થતી રહેતી હોય રણુજા મંદિર નજીક પતિ સાથે અલગ રહેવા જતા રહ્યા હતા. તે સમયે પતિ મારે નોખું નહોતું થવું, તે અલગ કર્યા તેમ કહી ત્રાસ આપતા હતા. જેથી છ મહિના બાદ અમે સાસુના ઘર પાસે રહેવા જતા રહ્યા હતા. બાદમાં પતિ નાની નાની બાબતે ઝઘડા કરી ગાળો ભાંડી માર મારતા હતા. એટલું જ નહિ પુત્રીને પણ ન સંભળાય તેવી ગાળો દેતા હતા. ત્યારે લગ્નજીવન ટકાવી રાખવા મૂંગે મોઢે બધું સહન કર્યું હતું. પોતે બધું સહન કરતી હોય પતિ જનક તારા લીધે લાઇટ બિલ વધુ આવે છે, તું નહાવાનો સાબુ જલ્દી પૂરો કરી નાંખે છે તેમ કહી ઝઘડા કરી માર મારતા હતા.

પતિની આવી હરકતથી પોતે છ વખત રિસામણે જતી રહી હતી. પરંતુ સમાજના વડીલોના માધ્યમથી સમાધાન થઇ જતા પોતે સાસરે જતી રહેતી હતી. દરમિયાન ત્રણ મહિના પહેલા મારે વેક્સિન લેવી હોય પતિ પાસે પોતાનું આધારકાર્ડ માગ્યું હતું. જેથી પતિ જનકે તું મરી નહીં જા તારે વેક્સિન નથી લેવાનીની વાત કરી હતી. પતિએ આધારકાર્ડ નહિ આપતા ત્રણ દિવસ બાદ ફરી આધારકાર્ડ માગતા પોતાને માર માર્યો હતો. અને જેઠના દીકરા દિલીપભાઇને ફોન કરી મારી પત્નીને કાઢી મૂકવી છે તું ઘરે આવ. જેથી નજીક જ રહેતા જેઠના દીકરા ઘરે આવી નીકળી જવાનું કહી ગાળો ભાંડી હતી અને પતિએ માર માર્યો હતો.

બાદમાં જેઠના દીકરા દિલીપભાઇએ પોતાને ઢસડીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. બાદમાં પતિએ પિયરમાં પિતાને ફોન કરી તમારી દીકરીને મેં મારીને કાઢી મૂકી છે, હવે એ જ્યાં જાઇ તે મને ખબર નથી અને મરી જાય તો પણ મને કાંઇ નહિ એમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. પિયરમાં ફોન જતાની સાથે જ મારા ભાઇ અને કાકા સાસરે આવી પોતાને પિયર લઇ ગયા હતા. પતિના સામાન્ય બાબતના ત્રાસથી કંટાળી પોલીસમાં અરજી કરી હતી. જે અરજીને પગલે પતિએ સમાધાનની વાત કરી હતી, પરંતુ વારંવાર માર મારી પતિ કાઢી મૂકતા હોય તેમના પર ભરોસો ન હોવાથી અરજી બાદ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...