રાજ્યમાં બેફામ બનેલા બૂટલેગરો દ્વારા બેરોકટોક દેશી-વિદેશી દારૂનો જંગી જથ્થો વિવિધ જિલ્લાઓમાં ઉતારી રહ્યાં છે. ત્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી બુટલેગરો પર ઘોસ બોલાવવામાં આવી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ SMC દ્વારા વિદેશી દારૂ અંગે દરોડા પાડ્યા બાદ શહેર અને જિલ્લા પોલીસ સાબદી બની વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી રહી છે. આજે રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. જેમાં શાપર વેરાવળ નજીક પડવલા રોડ પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો જે ટ્રકમાં ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો જો કે ગઇકાલે રૂરલ LCBએ કરેલ દરોડા અને આજે શાપર પોલીસે કરેલ દરોડામાં કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો!
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ દ્વારા પડવલા રોડ પરથી એક ટ્રકના ચોર ખાનામાંથી કુલ 4,668 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ મળી ટ્રક સાથે કુલ 29,05,150 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને મંગાવ્યો હતો અને કોને આપવાનો હતો સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.
બંધ ગોડાઉનમાં 6000થી વધુ બોટલ ઝડપાઇ
ગઈકાલે રાજકોટ રૂલર પોલીસ હેડક્વાર્ટર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને ખાનગી ટ્રાવેલ્સની બસમાં આટકોટ પોલીસે દારૂની ખેપ મારતા ઝડપી પાડ્યો હતો. જયારે રૂલર LCBએ પણ GIDC વિસ્તરામાં બંધ ગોડાઉનમાં પડેલ ટ્રકમાંથી 6000થી વધુ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તો આ તરફ રાજકોટ શહેર પોલીસે પણ પુનિતનગર વિસ્તારમાં દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ.34.53 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નકલી દારૂની ફેક્ટરી કેસમાં PI ચૌધરીને સસ્પેન્ડ કરાયા
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022માં SMC એ કરેલ દરોડામાં કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં નવાગામ ખાતે નકલી દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું જેને લઇ સ્થાનિક પોલીસની બેદરકારી સબબ કુવાડવા પોલીસ સ્ટેશનના PI ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.