મૂંઝવણનો ઉકેલ:બોર્ડની પરીક્ષામાં પેપર કઇ રીતે લખવું? શિક્ષણ બોર્ડની આદર્શ ઉત્તરવહી જાહેર

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેઝન્ટેશન સહિતની બાબતો વિદ્યાર્થીઓને ઉત્તરવહીમાંથી શીખવા મળશે
  • નિષ્ણાતે​​​​​​​ કહ્યું, વિદ્યાર્થીઓ આદર્શ ઉત્તરવહી પ્રમાણે લખશે તો ફાયદો થશે

રાજકોટના 85 હજાર સહિત રાજ્યના 16.49 લાખ લાખથી વધુ વિદ્યાર્થીઓ પહેલી વખત જ બોર્ડની પરીક્ષા આપવાના છે ત્યારે સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીના મનમાં એ પ્રશ્ન રહેતો હોય છે કે પેપર લખવું કેમ, પ્રેઝન્ટેશન કેમ કરવું, અક્ષર કેવા કરવા, પેપરમાં લાઈનિંગ કેટલી છોડવી. આ તમામ મૂંઝવણનો ઉકેલ ખૂબ શિક્ષણ બોર્ડે જ આપી દીધો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયની ત્રણ-ત્રણ આદર્શ ઉત્તરવહી જાહેર કરી છે.

આ આદર્શ ઉત્તરવહીમાં વિદ્યાર્થીઓને પેપર કેમ શરૂ કરવું, કઈ પેન વાપરવી, કેટલી જગ્યા છોડવી, પ્રેઝન્ટેશન કેમ કરવું તેવી અનેક બાબતોનો ખ્યાલ આવશે. શિક્ષણ બોર્ડના જ કેટલાક એવા વિદ્યાર્થીઓ જેમણે શ્રેષ્ઠ પેપર પ્રેઝન્ટેશન કર્યું છે તેવા કેટલાક વિદ્યાર્થીઓની ઉત્તરવહી ઉદાહરણ સ્વરૂપે આ વર્ષના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી છે.

ધોરણ 10ના ગણિત-વિજ્ઞાન સહિત 6 વિષયની ઉત્તરવહી મૂકી
શિક્ષણ બોર્ડે ધોરણ 10ના વિદ્યાર્થીઓને આદર્શ પેપર કેમ લખી શકાય તે સમજાવવા માટે કુલ 6 વિષયની ત્રણ-ત્રણ આદર્શ ઉત્તરવહી જાહેર કરી છે. વિદ્યાર્થીઓ આ આદર્શ ઉત્તરવહી જોઈને બોર્ડની પરીક્ષામાં પેપર કેમ લખવું જે જોઈ શકશે. બોર્ડે જાહેર કરેલી આદર્શ ઉત્તરવહીમાં ગુજરાતી વિષય, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ગણિત, અંગ્રેજી અને સંસ્કૃત વિષયની ત્રણ-ત્રણ ઉત્તરવહી જાહેર કરી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ, ગણિત વિષયમાં દાખલાની પદ્ધતી અને વિજ્ઞાન વિષયમાં પ્રયોગોનું વર્ગીકરણ કેવી રીતે કરવું તે બાબતો આદર્શ ઉત્તરવહીમાંથી શિખવા મળશે.

ધોરણ 12ના અર્થશાસ્ત્ર, નામું સહિત 14 વિષયની ઉત્તરવહી જાહેર
ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં કુલ 14 વિષયની ઉત્તરવહી શિક્ષણ બોર્ડે જાહેર કરી છે. જેમાં અર્થશાસ્ત્ર વિષયની 2 ઉત્તરવહી, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની 2, સંસ્કૃતની 2, આંકડાશાસ્ત્રની 2, તત્ત્વજ્ઞાનની 2, સમાજશાસ્ત્રની 1, મનોવિજ્ઞાનની, ભૂગોળ, નામાના મૂળતત્ત્વો, સેક્રેટરિયલ પ્રેક્ટિસ, ગુજરાતી, અંગ્રેજી (ફર્સ્ટ લેંગ્વેજ), હિન્દી વિષયની એક-એક આદર્શ ઉત્તરવહી જાહેર કરી છે જ્યારે અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજની 2 ઉત્તરવહી જાહેર કરી છે. શિક્ષણ બોર્ડે માત્ર ધોરણ-12 કોમર્સ અને આર્ટસના જુદા-જુદા 14 વિષયની આદર્શ ઉત્તરવહી બહાર પાડી છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નથી.

ધોરણ 10 અને 12 સાયન્સમાં દરેક પેપર વચ્ચે રજા
ધોરણ 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન દરેક વિષયના પેપર બાદ બીજા દિવસે રજાનો લાભ મળશે. 14 માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા 29મી સુધી ચાલશે. ધોરણ 10માં પ્રથમ પેપર ગુજરાતી વિષયનું લેવાશે જ્યારે ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવાશે. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ એવી રીતે ગોઠવ્યું છે જેમાં ધો.10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને એક વિષયનું પેપર પૂર્ણ થયા બાદ બીજે દિવસે રજા રહેશે. વિદ્યાર્થીઓના એકાંતરા પેપર હોવાના કારણે બીજા વિષયની તૈયારી સારી રીતે કરી શકશે. જોકે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને સળંગ પેપર લેવાશે. રજાના કારણે વિદ્યાર્થીઓ વધુ સારી તૈયારી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...