ઉમેદવારો વચ્ચે જંગ:જિલ્લાની આઠ બેઠક પર કેટલા ઉમેદવાર, આજે ચિત્ર સ્પષ્ટ થશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 બેઠક પર 81 ફોર્મ માન્ય, પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ
  • સૌથી વધુ રાજકોટ પશ્ચિમમાં 15 અને સૌથી ઓછા ગોંડલમાં 5 ફોર્મ માન્ય રહ્યાં છે, નડતરરૂપને ફોર્મ પાછા ખેંચાવવા કવાયત

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે, પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થવાનું છે. રાજકોટ જિલ્લાની 8 બેઠક માટે 170 ફોર્મ ભરાયા હતા જેમાં ફોર્મ ચકાસણી બાદ 81 ફોર્મ માન્ય રહ્યાં હતાં, ગુરુવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ગુરુવારે સાંજે ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે આઠ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.

રાજકોટ શહેરની ત્રણ, ગ્રામ્યની એક અને જિલ્લામાં ગોંડલ, જસદણ, જેતપુર અને ધોરાજી બેઠક પર કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત 170 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, તા.15ના ફોર્મ ચકાસણીના અંતે રાજકોટ વિધાનસભા-68માં 12, વિધાનસભા-69માં15, વિધાનસભા-70માં 9 અને વિધાનસભા-71માં 14 ફોર્મ માન્ય રહ્યાં હતા.

જ્યારે જિલ્લાની ચાર પૈકી જસદણ બેઠક માટે 8, ગોંડલ બેઠક માટે 5, ધોરાજી બેઠક માટે 9 અને જેતપુર બેઠક માટે 9 ફોર્મ માન્ય રહ્યાં હતાં, આમ રાજકોટ શહેર અને જિલ્લાની આઠ બેઠક પર કુલ 170 ફોર્મ ભરાયા હતા જેમાંથી 81 ફોર્મ માન્ય રહ્યાં હતાં, જોકે સૌથી વધુ રાજકોટ પશ્ચિમ એટલે કે વિધાનસભા-69માં 15 અને સૌથી ઓછા ગોંડલમાં પાંચ ફોર્મ માન્ય રહ્યાં છે.

વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ગણિત ફિટ બેસાડવા અને વિરોધીના મત કાપવા માટે વિરોધીની જ્ઞાતિ કે પક્ષની વિચારધારા ધરાવતા લોકોને ફોર્મ ભરાવીને ચૂંટણી લડાવવામાં આવતી હોય છે, જ્યારે આવા નડતરરૂપ બનનાર અને ફોર્મ ભરનારે જેતે પાર્ટી કે ઉમેદવાર સમજાવીને ફોર્મ પરત ખેંચાવી લઇ પોતાને થનાર નુકસાન અટકાવવાના પ્રયાસ પણ કરતા હોય છે.

ફોર્મ પરત ખેંચવાની તારીખ 17 છે, ગુરુવાર સાંજ સુધીમાં કેટલા ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચે છે તેના પર સહુની મીટ મંડાઇ છે. જોકે ગુરુવાર સાંજે એ સમય મર્યાદા પૂરી થતાં જ ચૂંટણીમાં કેટલા લોકો વચ્ચે કાંટે કી ટક્કર થશે તે વિશેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ગુરુવારે ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે.

અન્ય સમાચારો પણ છે...