કાઠિયાવાડી અંદાજ:રાજકોટમાં વજુભાઈના ઘરે વાઘાણી, સિનિયર નેતાએ કહ્યું- ‘ચોપડી તો હઉ વાંચે પણ માણહને વાંચતા આવડવું જોઈએ’, ને સૌ ખડખડાટ હસી પડ્યા

રાજકોટ3 મહિનો પહેલા
વજુભાઈના કાઠિયાવાડી ટોનથી નેતાઓ હસી પડ્યા હતા.
  • વજુભાઈ અને જીતુ વાઘાણી વચ્ચે રાજકીય બાબતે ચર્ચા થઈ હોવાની ચર્ચા

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી આજે રાજકોટની મુલાકાતે છે. જન આશીર્વાદ યાત્રા પૂર્વે જીતુ વાઘાણી ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાના ઘરે તેને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારે બિહારના રત્નાકર સાથે વાતચીત કરતા વજુભાઇએ કટાક્ષમાં કહ્યું હતું કે, ગુજરાતી ફાવે છે. ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વજુભાઈને કહ્યું કે, સાહેબ હવે ગુજરાતી વાંચવા લાગ્યા છે. ત્યારે વજુભાઈએ ટકોર કરી કે ‘ચોપડી તો હઉ વાંચે પણ માણહને વાંચતા આવડવું જોઈએ’. આ શબ્દો સાંભળતા જ બધા ખડખડાટ હસી પડ્યા હતા.

જીતુ વાઘાણી અને વજુભાઈ હળવા મૂડમાં જોવા મળ્યા
જન આશીર્વાદ યાત્રા પહેલા જીતુ વાઘાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળાના ઘરે પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. વજુભાઈ વાળા અને જીતુ વાઘાણી વચ્ચે ગુફતેગો થયાના દૃશ્યો જોવા મળ્યા હતા. બંને હળવા મૂડમાં જોવા મળ્યા હતા. વજુભાઈ વાળાને શું જવાબદારી સોંપવામાં આવે તેને લઇને રાજકારણ ગરમાયું છે. અત્યાર સુધીમાં રાજ્યના જેટલા મંત્રીઓ કે નેતાઓ રાજકોટ આવ્યા તેમને વજુભાઈ સાથે મુલાકાત કરી છે. અગાઉ પૂર્વ સીએમ વિજય રૂપાણી સાથે પણ વજુભાઈ વાળા ગુફતેગો કરતા નજરે પડ્યા હતા.

બિહારના રત્નાકરને ગુજરાતી ફાવે છે તેવું પૂછતા વજુભાઈ.
બિહારના રત્નાકરને ગુજરાતી ફાવે છે તેવું પૂછતા વજુભાઈ.

જીતુ વાઘાણીની રાજકોટમાં જન આશીર્વાદ યાત્રા યોજાઇ
જીતુ વાઘાણીની આજે રાજકોટની માધાપર ચોકડીએથી જન આશીર્વાદ યાત્રા યોજાઇ હતી. જેમાં જીતુ વાઘાણીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ઢોલ-નગારા તાલે વાઘાણીનું સ્વાગત કરાયા બાદ ખુલ્લી જીપમાં જન આશીર્વાદ યાત્રા યોજાઇ હતી. જોકે આ યાત્રાથી સામાન્ય લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. ટ્રાફિકજામ થતા વાહનચાલકોને બીઆરટીએસ રૂટમાં પોતાના વાહનો ચલાવવા પોલીસે કહ્યું હતું.

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વજુભાઇને કહ્યું સાહેબ હવે ગુજરાતી વાંચવા લાગ્યા છે.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વજુભાઇને કહ્યું સાહેબ હવે ગુજરાતી વાંચવા લાગ્યા છે.
જીતુ વાઘાણી અને વજુભાઇ હળવા મૂડમાં જોવા મળ્યા.
જીતુ વાઘાણી અને વજુભાઇ હળવા મૂડમાં જોવા મળ્યા.
અન્ય સમાચારો પણ છે...