શહેરમાં આવેલી મલ્ટિપ્લેક્સ હોટેલો, બહુમાળી ઇમારતો અને જ્વેલરીની દુકાનો સહિતના સ્થળો પર મેટલ ડિટેક્ટર સાથે તાલીમબદ્ધ સિક્યુરિટી ગાર્ડને ફરજ પર રાખવા પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું તેમજ આવા તમામ સ્થળોએ અંદરના સ્થળથી લઇ પાર્કિંગ સુધીનું રેકોર્ડિંગ થાય તેવી રીતે સીસીટીવી કેમેરા ગોઠવવાનું પણ ફરમાન કરવામાં આવ્યું હતું.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું હતું કે, શહેરમાં આવેલી તમામ બેન્કિંગ સંસ્થા, એટીએમ સેન્ટર્સ, સોના-ચાંદી, ડાયમંડની કિંમતી ઝવેરાત વેચનાર દુકાનો અને શો-રૂમ, શોપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ, શોપિંગ સેન્ટર, કોમર્શિયલ સેન્ટર, હોટેલ, ગેસ્ટહાઉસ, લોજિંગ-બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડિંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોએ પ્રવેશદ્વારો પર પૂરતા પ્રમાણમાં તાલીમબદ્ધ સિક્યુરિટી ગાર્ડને મેટલ ડિટેક્ટર સાથે ફરજ પર રાખવાના રહેશે.
આ ઉપરાંત ઉપરોક્ત તમામ સ્થળોના પ્રવેશદ્વાર તથા બહાર નીકળવાના દ્વાર પર રિસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કિંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્યાઓને આવરી લે તેટલી સંખ્યામાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. બિલ્ડિંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે અને આ સીસીટીવી કેમેરના રેકોર્ડિંગનો ડેટા ઓછામાં ઓછા 30 દિવસ સુધી ચલાવવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટમાં આતંકવાદી બનાવ બનતા અટકાવવા તેમજ જાહેર સલામતિ માટે 31 ઓગસ્ટ સુધી અમલમાં રહે તે માટે આ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે અને કોઈ વ્યક્તિ નવો બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો ઉપરોક્ત તમામ વ્યવસ્થા કર્યા બાદ જ વેપાર શરૂ કરી શકશે. તેવો ઉલ્લેખ જાહેરનામામાં કરાયો છે. આદેશનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.
ધંધાર્થીઓએ વધારાનો ખર્ચ કરવો પડશે
કોરોનાના કારણે ઠપ્પ થઈ ગયેલા ધંધા-વેપાર છેલ્લા બે મહિનાથી માંડ રગડ-ધગડ શરૂ થયા છે. ત્યારે નવા જાહેરનામાથી વેપારીઓ ઉપરાંત અલગ-અલગ સંસ્થાઓ અને મોટા ધાર્મિક સ્થળનું સંચાલન કરતા ટ્રસ્ટીઓએ વધારાનો ખર્ચ કરવો પડશે. એક સિક્યુરિટી ગાર્ડને 24 કલાક ફરજ પર રાખવામાં આવે તો ઓછામાં ઓછા 8થી 12 હજાર સુધીનો ખર્ચ દરમહિને કરવો પડે. તેમજ મેટલ ડિટેક્ટર પણ નવા ખરીદવા પડશે. આમ, જાહેરનામાનું સંપૂર્ણપણે પાલન કરવા માટે સોની મહાજનો ઉપરાંત શો-રૂમ, શોપિંગ મોલ, કોર્મશિયલ સેન્ટર, હોટેલ, ગેસ્ટ હાઉસ, લોજિંગ બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ સહિતની સંસ્થાના માલિક અને સંચાલકોએ સાત દિવસમાં જ સિક્યુરિટી ગાર્ડ અને મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા કરી લેવી પડશે તેવું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.