DB LIVE રિપોર્ટિંગ:રાજકોટમાં જળબંબાકાર, ઘરોમાં 5 ફૂટ સુધી પાણી ભરાયાં, 4 નાગરિકોના મોત થયાની આશંકા, માથાડૂબ પાણીમાં દોરડા વડે રેસ્ક્યૂ- ઓપરેશનનાં લાઇવ દૃશ્યો

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • ફાયર વિભાગ અને પોલીસે કેવડાવાડીમાં દોરડા બાંધી 25 લોકોને સ્થળાંતરિત કર્યા
  • ખોખળદડ નદીમાં પૂર આવતાં વેલનાથપરા વિસ્તારમાં લોકોનાં ઘરમાં પૂરનાં પાણી ઘૂસ્યાં
  • હાથીખાનાના વોકળામાં એક દીવાલ ધરાશાયી થઈ

ભાદરવા મહિનામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. રાજકોટ જિલ્લાને મેઘરાજાએ બાનમાં લીધું છે. સાડા 11 ઇંચ વરસાદમાં શહેર આખું જળબંબાકાર બની ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા પહોંચી હતી, જેમાં શહેરના લલુડી વોકળીનો આખો વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. મકાનોમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાતાં લોકો ઘરમાં જ ફસાયા છે. ત્યારે ફાયર અને પોલીસ વિભાગ દ્વારા રસ્તા પર માથાડૂબ પાણીમાં દોરડા વડે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરાયું છે. હાલ રાજકોટ જિલ્લામાં 4 નાગરિકોના મોત થયાની આશંકા વ્યક્ત કરાઈ છે.

પાણી ભરાયાની 70 ફરિયાદો મળી, 16 ફીડર બંધ
રાજકોટમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ફ્લડ કંટ્રોલરૂમમાં 70 ફરિયાદો મળી છે. રાજકોટમાં 16 વીજ ટ્રાન્સફોર્મર બંધ થયા છે. આથી સેંકડો ઘરમાં અંધારપટ્ટ છવાય ગયો છે. શહેરના જંગલેશ્વર, ગૌતમનગર, નિર્મલા રોડ, મેડિકલ, હોસ્પિટલ, સેન્ટ્રલ બેન્ક, એટલાસ, RMC, અયોધ્યા, વૃંદાવન પાર્ક સહિત 16 ફીડર બંધ થઇ ગયા છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં 197 ફીડર અને 36 ગામમાં લાઇટ ગૂલ છે. 168 પોલ પડી ગયા છે.

રાજકોટમાં ઝોનવાઇઝ વરસાદ
સેન્ટ્રલ ઝોન- 110 મિમિ
વેસ્ટ ઝોન- 169
ઇસ્ટ ઝોન- 123

આજી નદી ગાંડીતૂર બનતાં કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા
રાજકોટ શહેરમાં ગઇકાલ રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જે બંધ થવાનું નામ જ લેતો નથી. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોની હાલત બહુ જ કફોડી બની છે તેમજ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ફાયર અને પોલીસ વિભાગે રેસ્ક્યૂ-ઓપરેશ તેમજ સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરી છે. કેવડાવાડી નજીક લલુડી વોકળી વિસ્તારમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા દોરડા બાંધી 25 લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે. આજી નદીના આસપાસના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરાયા છે. આજી નદી ગાંડીતૂર બનતાં રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી ગયાં છે.

ભારે વરસાદથી મવડી ગામનો પુલ તૂટ્યો
રાજકોટમાં ભારે વરસાદને કારણે મવડી ગામનો પુલ તૂટી ગયો છે. મવડી ગામની નદીમાં પૂર આવતા પૂલ તૂટ્યો છે. આથી મવડી ગામ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

મવડી ગામનો પૂલ તૂટ્યો.
મવડી ગામનો પૂલ તૂટ્યો.

વરસાદથી જનજીવન ઠપ્પ થયું
રાજકોટમાં સાડા બાર ઇંચ વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહી હતી. બજારોમાં વરસાદી કર્ફ્યૂ લાગ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરના રૈયા રોડ, આઝાદ ચોક, મવડી ચોકડી, રામાપીર ચોકડી, 150 ફૂટ રિંગ રોડ, સંત કબીર રોડ, સાધુ વાસવાણી રોડ સહિતના રાજમાર્ગો પર નદીઓ વહી હતી. આથી વાહચાલકો અટવાયા હતા.

સ્થાનિકોએ લાઈવ રેસ્ક્યૂ કર્યું
અધિકારીઓ દ્વારા જવાબદારીની ફેંકાફેંકી થતાં બેદરકારીની અને પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી છે એવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના આગેવાને એકપણ પળનો વિચાર કર્યા વિના અને અધિકારીઓની રાહ જોયા વિના અનેક લોકોને બચાવ્યા છે. હજુ પોલીસ સિવાય કોર્પોરેશનનો એક પણ અધિકારી ફરક્યો નથી. રાજકોટ વોડ નં.14માં આવેલા હાથીખાના વોકળામાં અધિકારીઓની બેદરકારીને કારણે અનેક લોકો પાણીમાં ફસાયા છે. હાલ 50થી વધારે લોકોને વોકળાના પૂરમાથી કાઢી રેસ્ક્યૂ કરતા કોંગ્રેસ અગ્રણી રણજિત મુંધવા સાથે પોલીસ સ્ટાફ પણ છે.

રૈયા રોડ પર બીએમડબલ્યૂ કાર ફસાઇ
રાજકોટના રૈયારોડ પર દરિયો બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં એક બીએમડબલ્યુ કાર ફસાઇ હતી. જોકે, સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવી હતી. ભારે વરસાદથી મહિલા કોલેજ અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો હતો. વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી નીચાણવાળા વિસ્તારની મુલાકાતે પહોંચી પાણી નિકાલની વ્યવસ્થા કરાવી હતી. આ ઉપરાંત મેયર પણ સતત ફિલ્ડમાં છે.

હજુ 24 કલાક રાજકોટ માટે ભારે
હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ મોડ પર છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા સહિતના અધિકારીઓ સ્થળ પર તહેનાત છે. રાજકોટમાં ભારે વરસાદને કારણે શહેરના રસ્તા પર 4થી 5 ફૂટ પાણી ભરાયાં છે. રાજકોટના રસ્તા પર જાણે દરિયો ઘુઘવાટા કરતો હોય તેવા પાણીનાં મોજાં ઊછળી રહ્યાં છે.

જામનગરથી એરફોર્સની ટીમ મંગાવવામાં આવી
ગોંડલ તાલુકાના કોલીથડ અને વેજલપર ગામે પૂરની પરિસ્થિતિને કારણે ફસાયેલા લોકો માટે જામનગરથી એરફોર્સની ટીમ મંગાવવામાં આવી છે, જ્યારે અલંગથી 5 બોટ અને ગોંડલથી 15 તરવૈયાઓ ધોરાજી શહેર માટે અને રાજકોટ સિટી માટે રાહત બચાવની કામગીરી માટે મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરા અને બનાસકાંઠા ખાતેથી એન.ડી.આર.એફ.ની ટીમ રાજકોટ ખાતે ટૂંક સમયમાં પહોંચી રહી છે, તેમજ પંજાબના ભટિંડા ખાતેથી હવાઈ માર્ગે એન.ડી.આર.એફ.ની ટીમ રાજકોટ ટૂંક સમયમાં આવી પહોંચશે.

ભક્તિનગર પોલીસ લોકોની વહારે
રાજકોટમાં સૌથી વધુ નીચાણવાળો વિસ્તાર કોઠારિયા અને સોરઠિયાવાડી વિસ્તાર છે. અહીં માથાડૂબ પાણી ભરાયાં છે, આથી ભક્તિનગર પોલીસ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોય તેવા લોકોની વહારે આવ્યા છે. આજી નદી બની ગાંડીતૂર બનતાં શહેરનો થોરાળાનો જૂનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નવો પુલ ચાલુ અને જૂના થોરાળા વિસ્તારના પુલ પર પાણી ફરી વળ્યા છે. પુલની ગ્રિલ પણ તૂટી ગઇ છે.

અસંખ્ય બાઇક અને રિક્ષા ચાલુ વરસાદમાં બંધ
રસ્તા પર 4થી 5 ફૂટ પાણી ભરાતાં અસંખ્ય બાઇક અને રિક્ષાઓ બંધ પડતાં લોકો પરેશાન બન્યા છે. રાજકોટની ખોખડદળ નદીમાં પૂર આવતાં રસ્તાઓ બંધ થયા છે. ખોખડદળ નદીમાં પૂર આવતાં પૂરના પાણી ઘરમાં ઘૂસ્યાં છે. વેલનાથપરા વિસ્તારમાં લોકોના ઘરમાં પૂરનાં પાણી ઘૂસ્યાં છે. ખોખડદળ નદીમાં પૂર આવતાં લોકોનાં ઘરમાં 4 ફૂટ સુધી પાણી ભરાયાં છે. ગોંડલમાં પણ ભારે વરસાદને કારણે રસ્તા પર 3થી 4 ફૂટ પાણી ભરાયાં છે.

જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા મનપા કમિશનરની અપીલ
રાજકોટ શહેરમાં ગત રાત્રિથી વરસી રહેલા ભારે વરસાદ આજે પણ યથાવત્ રહ્યો છે. ત્યારે નાગરિકો આવશ્યક અને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળે એવી મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ખાસ અપીલ કરી છે.રાજકોટ શહેરમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા અને અન્ય અધિકારીઓ દ્વાર નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ 1090 જેટલા લોકોને સલામત સ્થળે શિફ્ટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સ્થળાંતરીત લોકો માટે બોલબાલા ટ્રસ્ટનાં સાથ સહકાર સાથે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

રાજકોટમાં NDRFની ટીમ તૈનાતઃ કલેક્ટર
રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધોરાજીમાં નોંધાયો છે. જિલ્લામાં બે જગ્યાએ રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે. આઇ20 કારમાં 3 લોકો ફસાયા હતા જેમાંથી 1નું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના 2 વ્યક્તિનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. રાજકોટથી એક NDRFની ટીમ જામનગર રવાના કરી છે. વડોદરાથી NDRFની એક ટીમ રાજકોટ આવવા રવાના થઇ ચૂકી છે. SDRFની ટીમ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. જળાશયોમાં પણ પાણીની સપાટી ઉંચી આવી રહી છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટી ભાદર ડેમમાં સૌથી વધુ આવક થઇ છે.