શહેરમાં બે વર્ષ પહેલા ત્રણ વૃદ્ધ સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવનાર મહિલા અને તેના સાગરીતોને હનીટ્રેપમાં મોટા તોડની મંછા પૂરી નહિ થતા ગેંગરેપની ફરિયાદ નોંધાવાઇ હોવાના ખુદ ભોગ બનનારના પુત્રએ પુરાવાઓ ભેગા કરી પોલીસને સોંપ્યા છે. મહિલા પોલીસે હાલ નાનામવા રોડ, મોકાજી સર્કલ પાસે રહેતા નટવરલાલ ઉર્ફે નટુભાઇ કુરજીભાઇ સોજિત્રાની ફરિયાદ પરથી જેતપુરના ખોડપરાની અનિતા કાંતિ શિંગાળા, જૂનાગઢની નુરમા ઇકબાલ સિપાઇ, નુરમાની ભત્રીજી, ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તુ હબીબ અને રજાક ઇકબાલ સહિતનાઓ સામે આઇપીસી 389, 195, 203, 120 બીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
નટવરલાલની ફરિયાદ મુજબ, 2020માં અનિતાએ ગમે તે રીતે પોતાના નંબર મેળવી ફોન પર મીઠી મીઠી વાતો કરી સેક્સની ઓફર કરી હતી, પરંતુ પોતે વધુ રૂપિયા આપી નહિ શકે તેવી વાત કરતા અનિતાએ આટલા રૂપિયાથી પોતાનું પૂરું થાય તેમ ન હોવાનું અને તમારા કોઇ મિત્ર હોય તો એમને પણ સાથે લઇ આવો મને કોઇ વાંધો નથી તેવું કહ્યું હતું. જેથી પોતે મિત્રો પરસોત્તમભાઇ મોહનભાઇ ઉમરેટિયા અને અશોકભાઇ મોહનભાઇ મોરાણિયા સાથે તા.1-3-2020ના રોજ પરસોત્તમભાઇના રણછોડનગરમાં આવેલા ફ્લેટ પર પહોંચ્યા હતા.
જ્યાં અનિતા માત્ર અડધો કલાક જ રોકાઇ હતી. તેમ છતાં તેને બે હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં અનિતા ત્યાંથી જતી રહી હતી. દરમિયાન સાંજે ફરી અનિતાનો ફોન આવ્યો અને તેણે સિવિલ હોસ્પિટલ આવવા અને તેને રૂપિયાની જરૂર હોવાની વાત કરી હતી.
ત્યારે અનિતાની આવી વાતથી પોતાને શંકા ગઇ હતી. બાદમાં મિત્ર પરસોત્તમભાઇને અને અશોકભાઇને ફોન કરી અનિતાનો ફોન આવે તો ન ઉપાડવા જણાવી દીધું હતું. દરમિયાન અનિતાએ તે જ દિવસે પોતાની તેમજ મિત્ર પરસોત્તમભાઇ, અશોકભાઇ સામે ફ્લેટમાં બોલાવી બળજબરી કરી ગેંગરેપ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.
યોગ્ય ન્યાય નહિ મળતા પુત્ર રાહુલ અને તેના મિત્ર ભાવેશ ઉર્ફે ગોપાલે પોતાની રીતે ખાનગી રીતે તપાસ શરૂ કરી હતી. જે તપાસમાં અનિતાની સાથે નુરમા સિપાઇ સહિતનાઓ હોવાની માહિતી મળી હતી. બાદમાં પુત્રે તેના મિત્ર સાથે મળી નુરમા સિપાઇ સહિતનાઓ સાથે વાતચીત કરતા તેમને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.
અનિતા અને તેની ટોળકી ત્રણેય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂ.60થી 70 લાખનો તોડ કરવાના હતા, પરંતુ તેમની મંછા પૂરી થઇ ન હતી. જેથી અનિતા અને તેની ટોળકીએ વકીલ પાસેથી કાનૂની સલાહ લઇ ગેંગરેપની ફરિયાદ કરવાનું અને તે કેસ ચાલે ત્યારે સમાધાનની વાત કરી મોટો તોડ કરવાનું કાવતરું ઘડ્યું હોવાની પુત્ર રાહુલ અને તેના મિત્રને જાણવા મળ્યું હતું. ત્યાર બાદ પુત્ર રાહુલ અને તેના મિત્રએ નુરમા સહિતનાઓ પાસેથી યેનકેન પ્રકારે તેમની ટોળકીની વાતચીતના રેકોર્ડિંગ પુરાવા રૂપે મેળવી લીધા હતા. જે પુરાવા પોલીસને આપતા પોલીસે ગુનો નોંધ્યો છે.
ત્રણેય વૃદ્ધ બે મહિના જેલમાં રહ્યાં
ગેંગરેપની ફરિયાદ બાદ પોલીસે નટુભાઇ, પરસોત્તમભાઇ અને અશોકભાઇની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. જેલહવાલે થયા બાદ જૂન મહિનામાં નટુભાઇ અને પરસોત્તમભાઇએ જામીન પર છૂટવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે અશોકભાઇએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. બે મહિના જેલવાસ ભોગવ્યા બાદ ત્રણેયના જામીન મંજૂર થયા હતા.
કેટરર્સમાં કામ કરતી અનિતાએ ફરિયાદમાં આટલી હકીકત જણાવી
જાન્યુઆરી-2020માં તે થાણાગાલોળમાં રસોઇકામ પતાવી પરત બસમાં જતી હતી. ત્યારે નટુભાઇ સોજિત્રા બાજુમાં બેઠા હોય પોતે કેટરર્સમાં કામ કરતી હોવાની ખબર પડતા તે પણ કેટરર્સનું કામ કરતા હોવાનું કહી મોબાઇલ નંબર આપ્યા હતા. બાદમાં કેટરર્સમાં કામ બાબતે નટુભાઇને ફોન કરતા તેને તા.1-3ના રોજ રાજકોટ બોલાવી હતી.
જ્યાં નટુભાઇ પોતાને રણછોડનગરમાં આવેલા ફ્લેટમાં લઇ ગયા હતા. ત્યાં અગાઉથી જ તેના બે મિત્રો ફ્લેટે હતા. ત્યાર બાદ ત્રણેયે પોતાની સાથે બળજબરી કરી પોતાની ઇચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્રણેયે વારાફરતી પોતાના પર દુષ્કર્મ આચરતા પ્રતિકાર કર્યો હતો. જેને કારણે પોતાને તમાચા ઝીંકી હાથમાં બચકાં ભરી જાનથી મારી નાંખવાની ધમકી આપી સામૂહિક દુષ્કર્મ આચર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
સમાધાન માટે વકીલે 30 લાખ માગ્યા હતા
નટુભાઇના પુત્ર રાહુલનો મિત્ર ભાવેશે ઇમ્તિયાઝ સાથે ફોન પર વાત કરી હતી. જેમાં કેસની પતાવટ માટે તેમના વકીલ દિવ્યેશ મહેતાને મળવાની વાત કરી હતી. દરમિયાન બ્રાહ્મણિયાપરામાં અગાઉ વકીલની પત્નીની હત્યાના ગુનામાં મદદગારી કરવામાં સંડોવાયેલા કેયૂરે વકીલ દિવ્યેશ મહેતા સાથે સંપર્ક કરાવ્યો હતો. જ્યાં વકીલ દિવ્યેશ મહેતાએ ત્રણેયના દસ-દસ મળી રૂ.30 લાખમાં પતાવટ કરી દેવાની વાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.