ક્રાઇમ:હનીટ્રેપમાં ફસાવી ગુપ્તાંગ કાપી લેવાની ધમકી, દંપતીએ 10 લાખની ખંડણી માગી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હનીટ્રેપમાં ખેડૂતને ફસાવનાર આરોપી દંપતી - Divya Bhaskar
હનીટ્રેપમાં ખેડૂતને ફસાવનાર આરોપી દંપતી
  • ભેંસ વેચવાના બહાને બોલાવી બળાત્કારનો આરોપ મૂકી ખેડૂતને ફસાવ્યા’તા
  • શેમળાના ખેડૂતને 10 લાખના લખાણમાં અંગૂઠા મરાવ્યા, અન્ય બેની તલાશ

રાજકોટમાં વધુ એક હનીટ્રેપનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવની વિગત મુજબ ગોંડલ પંથકના ખેડૂતને ભેંસ વેચવાના બહાને બોલાવી બળાત્કારનો ખોટો આરોપ મૂકી રૂ.10 લાખની ખંડણી માગનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. પોલીસે ફરિયાદને પગલે સૂત્રધાર દંપતીને ઝડપી લઇ ધરપકડ કરી છે. અન્ય બે આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગોંડલના શેમળા ગામે ખેતીકામ કરતા મગનભાઇ ધનાભાઇ રાંક નામના આધેડ ખેડૂતે નોંધાવેલી ફરિયાદમાં, તેમને ભેંસની જરૂર હોય મૂળ શેમળાના અને રાજકોટના કોઠારિયા રોડ પર નરશી રામાણીની વાડીમાં રહેતા રણજિત ચના ગુજરાતીનો સંપર્ક કર્યો હતો. રણજિતે થોડા દિવસ બાદ વેચાઉ ભેંસ આવશે એટલે જાણ કરવાની વાત કરી હતી. બાદમાં રણજિતની પત્ની મીરાનો ફોન આવ્યો અને તેને તમે કેમ ન આવ્યા તેમ કહ્યું હતું. ત્યાર બાદ તેને પોતાની જમીન, પરિવારની તેમજ અન્ય મિલકતોની માહિતી મેળવી હતી. દરમિયાન ગત તા.7ની સવારે ફરી મીરાનો ફોન આવ્યો અને વાડીએ આવી જવા વાત કરી હતી. જેથી પોતે બપોરે રણજિત ગુજરાતીની વાડીએ પહોંચ્યા હતા. ત્યાં મીરા હાજર હોય તે વાડીમાં આવેલા એક અવાવરું મકાનમાં લઇ ગઇ હતી. મકાનમાં જતાની સાથે બે શખ્સ અંદર ઘૂસી આવી પોતાને માર મારવા લાગ્યા હતા. પોતે કંઇ સમજે તે પહેલા બંને શખ્સે દોરડાથી બાંધી દીધા હતા. શા માટે મારો છો તેવું પૂછતા તને બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવો છે.

જો રૂ.10 લાખ નહીં આપે તો પોતે મીરાની છેડતી કરી છે તેવી કબૂલાતનો મોબાઇલથી વીડિયો પણ બનાવવા, પોતાને માર મારી હવે તો તારું ગુપ્તાંગ છરીથી કાપી જ નાંખવું છે તેવી ધમકી આપી હતી. જે ધમકીથી ગભરાઇને રૂપિયા આપશેનું કહ્યું હતું. બીજા દિવસે પૈસા આપી દેશેની વાત કરતા મીરાએ પોતે રૂ.10 લાખ માગતી હોય તેવા લખાણવાળા સ્ટેમ્પ પેપર પર હાથના અંગૂઠા મરાવ્યા હતા.

બાદમાં તેને મુક્ત કર્યા હતા. મુક્ત થતાની સાથે આજી ડેમ પોલીસમથકના પીઆઇ વી.જે.ચાવડાને સમગ્ર બનાવની વાત કરી હતી. જેથી તુરંત પીએસઆઇ એમ.એમ.ઝાલા સહિતની ટીમને કોઠારિયા રોડ, નરશી રામાણીની વાડીએ મોકલ્યા હતા. જયાંથી મીરા અને તેના પતિ રણજિતને પકડી પાડ્યા હતા. દંપતીની પૂછપરછ કરતા અન્ય બે શખ્સમાં એક ગોંડલના પાંચિયાવદર ગામનો રણજિત ઉર્ફે રાણો ભીખુ ચાવડા અને બીજો રાજકોટના કોઠારિયા રોડ પર કાળુભાઇની વાડીમાં રહેતો હસમુખ હોવાનું જણાવ્યું છે. આજી ડેમ પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધી મોબાઇલ કબજે કર્યા છે. અને અન્ય બે આરોપીને પકડવા તેના આશ્રય સ્થાનો પર દરોડા પાડવા તજવીજ હાથ ધરી છે. તપાસમાં વધુ વિગતો સામે આવશે તેવી શક્યતા.

અન્ય સમાચારો પણ છે...