મારામારીના LIVE દ્રશ્યો:રાજકોટમાં હોમગાર્ડ જવાન અને રાત્રિ કર્ફ્યૂનો ભંગ કરનારા સ્થાનિકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ, ચારની ધરપકડ

રાજકોટ3 મહિનો પહેલા
  • દુર્ગાશકિત ટીમ સમયસર આવી જતા મારામારી અટકી

રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગઇકાલે રાત્રિના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર હોમગાર્ડ જવાન અને રાત્રિ કર્ફ્યૂનો ભંગ કરનારા સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં સ્થાનિકના પરિવારજનો આવી પહોંચતા બન્ને વચ્ચે જામી પડી હતી. તેમાં સામ સામે ગાળા ગાળી કરી હાથાપાય કરવામાં આવી હતી. જોકે આ બાદ હોમગાર્ડ દ્વારા પોલીસને બોલાવી લેવામાં આવી હતી અને પોલીસે આવી ચાર લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દુર્ગાશકિત ટીમ સમયસર આવી જતા મારામારી અટકી
રાજકોટના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર હોમગાર્ડ જવાન અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીનો વીડીયો સામે આવ્યો છે. જેમાં હકીકત એ મુજબ છે કે ગત રાત્રિના સમયે રાત્રિ કર્ફ્યુનો ભંગ કરી ઘરની બહાર નીકળતા વ્યક્તિને હોમગાર્ડ દ્વારા અટકાવતા તેને પરિવારજનો સાથે મળી હોમગાર્ડ પર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો. જોકે આ બાદ દરમિયાન દુર્ગાશકિત ટીમના કોન્સ્ટેબલ આવી જતા તેમણે મારામારી અટકવાઇ ચારેયની અટકાયત કરી હતી.

યુવક ગંગોત્રી પાર્ક મેઇન રોડ તરફ ભાગ્યો હતો
આ અંગે હોમગાર્ડ સોૈરવ ડાભીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી નોકરી રાતના દસથી સવારના છ સુધીની હતી. આ સમય દરમિયાન કર્ફયુ હોઇ અને જાહેર જનતાને અવર-જવર કરવા પર પ્રતિબંધ હોઇ રાતે સાડા દસેક વાગ્યે એક શખ્સ બાઇક લઇને નીકળતાં તેને અટકાવી કર્ફયુમાં નીકળવાનું કારણ પુછતાં તે ત્યાંથી ભાગવા માંડ્યો હતો. તેને ઉભા રહેવાનું કહેવા છતાં ઉભો ન રહેતાં અમે પકડવા માટે પાછળ જતાં તે ગંગોત્રી પાર્ક મેઇન રોડ તરફ ભાગ્યો હતો. રસ્તામાં તેણે ફોન કરી પોતાના સગાને પોતે આ રસ્તેથી આવી રહ્યાની અને પોલીસ પાછળ હોવાની જાણ પણ કરી દીધી હશે.દરમિયાન એ શખ્સ શિલ્પન ઓનેક્ષ બીલ્ડીંગ પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં તેને પીછો કરી પકડી લીધો હતો અને તેનું નામ પુછતાં તેણે સાગર મનજીભાઇ રાઠોડ જણાવ્યું હતું.

મોઢા તથા શરીરે ગડદાપાટુ માર્યાનો આક્ષેપ
વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્યાં સાગરના પરિવારજનો આવી ગયા હતાં અને બોલાચાલી કરવા માંડ્યા હતાં. મેં તેઓને કર્ફયુ ભંગ કર્યો હોઇ કાર્યવાહી બાદ તેને જવા દેવામાં આવશે, તેને પોલીસ સ્ટેશને લઇ જવો પડશે તેમ કહેતાં સાગર અને તેના પરિવારજનો ઉશ્કેરાઇ ગયા હતાં અને ગાળાગાળી ઝપાઝપી કરવા માંડ્યા હતાં. મને આ લોકોએ મોઢા તથા શરીરે ગડદાપાટુ માર્યા હતાં.

પોલીસ સ્ટેશને લાવી ગુનો નોંધાયો
એ દરમિયાન દુર્ગાશકિત ટીમના કોન્સ. મોનાબેન અને શિલ્પાબેન આવી જતાં સાગર અને તેના કુટુંબીજનોને પકડી લીધા હતાં અને મને છોડાવ્યો હતો. મારી સાથે માથાકુટ કરનારાઓમાં સાગર સાથે તેના પિતા મનજીભાઇ, તેના સસરા મનસુખભાઇ અને પત્નિ જાસ્મીન હતાં. આ લોકોને પોલીસ સ્ટેશને લાવી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

4 લોકોએ સાથે મળી હોમગાર્ડની ફરજમાં રુકાવટ કરી
રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એસ.ચાવડાએ જણાવ્યું હતું કે, ગત રાત્રિના હોમગાર્ડ જવાન પોતાની ફરજ પર હતો એ સમયે ડાંગર રાઠોડ નામના યુવાને રાત્રિ કર્ફ્યૂનો ભંગ કરતા તેને પૂછપરછ કરતા યુવાને અન્ય 3 લોકોની મદદ લઇ કુલ 4 લોકોએ સાથે મળી હોમગાર્ડની ફરજમાં રુકાવટ કરી ગાળો આપી માર માર્યો હતો. જેના આધારે યુવાન સહિત 4 લોકોની ધરપકડ કરી તેની સામે IPC કલમ 188, 186, 332, 504 અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.