કોરોનાની બીજી લહેર બાદ જાણે સંક્રમણ દૂર થયુ હોય તેમ લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ફરી રહ્યા છે. તેમાં પણ દિવાળી નજીક આવતાની સાથે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તહેવારોમાં વતનની વાટે જવાના ઉન્માદમાં કોરોના ભૂલાઈ ગયો હોય તેમ એસટી અને રેલવે સ્ટેશન પર મુસાફરો માસ્ક વિના જોવા મળ્યાના દૃશ્યો સામે આવ્યા છે. પરંતુ ભીડ દૂર ન કરી શકતું તંત્ર મૂકપ્રેક્ષક સાબિત થઇ રહ્યું હોય તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે.
ST વિભાગ દ્વારા 100 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે
રાજકોટ એસટી વિભાગ દ્વારા દિવાળીને લઇ 100 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે. વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું હતું કે, તહેવારોને લઇ એસટીમાં ટ્રાફિક વધ્યો છે. દૈનિક આવક રૂ.40 લાખમાંથી વધી રૂ.45 લાખે પહોંચી છે. 50 વ્યક્તિના ગ્રુપ માટે એસટી બસ મળશેની યોજનાનો પંચમહાલના બે ગ્રૂપે લાભ લીધો છે.
રેલવે વિભાગે 3 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ કરી
બીજી તરફ રેલવે વિભાગ દ્વારા ઓખા-દિલ્હી અને ઓખા-બાંદ્રાની બે એમ કુલ 3 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જેને કારણે એસટી બસપોર્ટ અને રેલવે સ્ટેશન પર જાણે માનવ કીડીયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. કેટલાક મુસાફરોએ માસ્ક નહોતું પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સના તો રીતસરના ધજીયા ઉડી રહ્યા છે. ભીડને અટકાવવા માટે તંત્રએ દરકાર સુદ્ધા દાખવી નહોતી.
રેલવે અને બસસ્ટેશને લોકોનું સ્ક્રિનિંગ શરૂ કરાયું
ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એસટી, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર કોરોનાને લઇ આજથી સ્ક્રિનિંગ શરુ કરવામાં આવ્યું છે. જોકે તે પહેલા એટલે કે ગઇકાલે રવિવારે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. સ્ક્રિનિંગ દરમિયાન કોઇને શંકાસ્પક લક્ષણો જણાય તો તેનો કોરોના ટેસ્ટ પણ કરવાવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.