રાજકોટના સમાચાર:વયોવૃદ્ધ મતદાર માટે ઘર બેઠા વ્યવસ્થા, ધોરાજીમાં 106 વર્ષના વૃદ્ધા મતદારનું પોસ્ટલ બેલેટ ફોર્મ ઘરે પહોંચાડાયું

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
106 વર્ષના વયોવૃદ્ધા મહિલા રળિયાતબેન માકડિયા - Divya Bhaskar
106 વર્ષના વયોવૃદ્ધા મહિલા રળિયાતબેન માકડિયા

આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં વયોવૃદ્ધ, અશક્ત, ચાલી ન શકતા કે કોઈ કારણોસર મતદાન મથક સુધી ન પહોંચી શકનાર વ્યક્તિઓ માટે ટપાલ મતપત્રની સુવિધા ચૂંટણી તંત્રે ઉપલબ્ધ કરાવી છે. 75- ધોરાજી વિધાનસભા મતક્ષેત્રમાં ભાયાવદર, તા. ઉપલેટાના રહેવાસી 106 વર્ષના વયોવૃદ્ધા મહિલા રળિયાતબેન નાથાભાઈ માકડિયાના ઘરે બૂથ લેવલ ઓફિસર પી. ડી. ગોસ્વામી પહોંચ્યાં હતાં અને ટપાલ મતપત્રનું જરૂરી ફોર્મ 12-D ભરાવ્યું હતું.

અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ને લઈને એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં 1 ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાનની પ્રક્રિયા સુચારુ રીતે થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલાં એક્સપેન્ડિચર અને જનરલ ઓબ્ઝર્વરઓ માટેની આનુસંગિક વ્યવસ્થાઓને લઈને સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ઓબ્ઝર્વર નોડલ અધિકારી એ.કે.સિંઘ અને અવનીબેન હરણના અધ્યક્ષ સ્થાને લાયઝન અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

લાયઝન અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
લાયઝન અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

લાયઝન અધિકારીએ સંપૂર્ણ માહિતી મેળવી
આ બેઠકમાં એક્સપેન્ડિચર અને જનરલ ઓબ્ઝર્વરના લાયઝન તરીકે નિયુક્ત થયેલાં તેમજ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે સંકળાયેલા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. લાયઝન અધિકારીઓને એક્સપેન્ડિચર અને જનરલ ઓબ્ઝર્વરઓને ફાળવેલી બેઠકના રૂટ, મતદાર વિધાનસભા વિસ્તારની આંકડાકીય માહિતી, ભૌગોલિક પરિસ્થિતિ, ફરજ બજાવનાર અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ કર્મીઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવા સૂચન કર્યું હતું.

90થી વધુ કોલેજોમાં ચૂંટણીલક્ષી સાક્ષરતા ક્લબની સ્થાપના
સ્વીપ નોડલ અધિકારી બી. એસ. કૈલા એ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં “સ્વીપ” અંતર્ગત 1600થી વધુ થી શાળાઓ અને 90થી વધુ કોલેજોમાં ચૂંટણીલક્ષી સાક્ષરતા ક્લબ (ELC)ની સ્થાપના દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો, કોલેજોમાં નવા મતદારોને જાગૃત કરી નોધણી કરાવવી, બાળકો માટે ચિત્ર, રંગોળી, પોસ્ટર સહીતની વિવિધ સ્પર્ધાઓ, બાળકોની મદદથી મોકપોલની પ્રવૃતિ, વાલીઓ દ્વારા મતદાન કરવા માટેના સંકલ્પ પત્રો, સામાજિક સંસ્થાઓની મદદથી મતદાન જાગૃતિ અંતર્ગત રેલીઓ અને સભાઓના આયોજન સહિતની મુખ્યત્વે કામગીરી કરવામાં આવી હતી.