વડાપ્રધાન મોદીના માતા હીરાબાની સ્મૃતિમાં રાજકોટમાં ન્યારી નદી ઉપર સરોવર બનાવવામાં આવશે. જેને હીરાબા સરોવરનું નામકરણ કરવામાં આવશે. કાલે બુધવારે ખાતમુહૂર્ત કરવામાં આવશે અને આઠ દિવસમાં આખું સરોવર બનાવી દેવામાં આવશે. બાંધકામ માટે અંદાજિત રૂ.15 લાખનો ખર્ચ થશે.
આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, ભારત દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ સરોવરના નિર્માણ બાદ પાણી બચાવો અભિયાનમાં 75મો ચેકડેમ બનશે. લોકોમાં જાગૃતિ આવે, પાણીની બચત થાય, પશુ-પક્ષીઓ, જીવજંતુને કુદરતી વાતાવરણ મળી રહે, ખેતીમાં વરસાદનું પાણી મળી રહે, ખેત ઉત્પાદન સારું મળે તે હેતુથી આ સરોવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ સરોવર બન્યા બાદ જમીનના તળ ઊંચા આવશે, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. તેમજ પ્રકૃતિનું રક્ષણ થશે. ચેકડેમ બન્યા બાદ જાન્યુઆરી 2023માં ઓવરફ્લો પણ થઈ જાશે. સરોવરની લંબાઇ ચારસો ફૂટ હશે. તાજેતરમાં જ ગાજીપરા પરિવારના પુત્રોએ પોતાના પિતાની યાદમાં 8 ચેકડેમ બનાવ્યા હતા. ચેકડેમ બનવાને કારણે પાણીની બચત થાય છે. તેમજ પાણીના તળ પણ ઊંચા આવે છે. ખેતીમાં પણ ફાયદો થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.