તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પડ્યા પર પાટા સમાન સ્થિતિ:એક તરફ કોરોના અને બીજી તરફ ડીઝલમાં તોતિંગ ભાવ વધારો, રાજકોટમાં 700 ટ્રાન્સપોર્ટરમાંથી 60%ની હાલત કફોડી, ટેક્સમાંથી રાહત આપવા માગ

રાજકોટ22 દિવસ પહેલા
કોરોના અને ડિઝલના ભાવ વધારાની અસર ટ્રાન્સપોર્ટરો પર પડી.
  • રાજકોટમાં 5 હજાર જેટલા વાહનો ટ્રાન્સપોર્ટરના વ્યવસાય સાથે જોડાયેલા છે

એક તરફ કોરોના અને બીજી તરફ સતત વધતા ડીઝલના ભાવને કારણે ટ્રાન્સપોર્ટરોને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા 1 વર્ષમાં ડીઝલના ભાવમાં 30 રૂપિયા જેટલો જંગી ભાવ વધારો થતાં રાજકોટના 700 ટ્રાન્સપોટરો પૈકી 60 ટકા ટ્રાન્સપોર્ટરોને તેની સીધી અસર જોવા મળી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર ટેક્સમાંથી રાહત આપે તેવી માગ ટ્રાન્સપોર્ટરો દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા એક વર્ષથી ધંધા-રોજગારને અસર પહોંચી
કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી અને વેપાર-ધંધાને સીધી રીતે અસર જોવા મળી છે. આ વેપાર-ધંધા સાથે સાથે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા ધંધાર્થીઓની હાલત વધુ કફોડી બની છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ હસુભાઇ ભગદેવે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ધંધા-રોજગારને અસર પહોંચી છે. પરંતુ એની સાથે સાથે ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને વધુ અસર પહોંચી છે.

રાજકોટમાં કુલ 700 જેટલી નાની-મોટી ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે
રાજકોટમાં કુલ 700 જેટલી નાની-મોટી ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે

છેલ્લા 20 દિવસમાં ડિઝલમાં 5 રૂપિયા ભાવ વધ્યો
છેલ્લા 20 દિવસમાં 5 રૂપિયા અને છેલ્લા એક વર્ષમાં 30 રૂપિયા જેટલો ડિઝલમાં ભાવ વધારો થતાં રાજકોટના 60 ટકા ટ્રાન્સપોર્ટરોને મોટી નુકસાની થઇ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં કુલ 700 જેટલી નાની-મોટી ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે. જે પૈકી 150 ફૂલ લોડ, 200થી 250 સૌરાષ્ટ્ર ગુજરાત અને બાકીના તમામ ગુજરાત બહાર રાજ્યોમાં કામ કરી રહ્યાં છે. જેમાં કુલ 5000 જેટલા વાહનોનો સમાવેશ થાય છે.

રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ હસુભાઇ ભગદેવ.
રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ હસુભાઇ ભગદેવ.

ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓમાં અસંમજસ
ગત વર્ષે જે રીતે સરકાર દ્વારા ટેક્સની રકમમાં રાહત આપવામાં આવી હતી તે મુજબ આ વર્ષે ટેક્સની રકમમાં રાહત આપવામાં આવે તેવી માગ ટ્રાન્સપોર્ટરો દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓમાં અસંમજસ જોવા મળી રહી છે. ટ્રાન્સપોર્ટરો વેપારીઓ સાથે ક્યાં ભાવથી કોન્ટ્રાક્ટ કરવો તે મોટી મૂંઝવણમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...