• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • High Command Allocating East Seat To OBC Community, First Woman Representative In West, Names Of Minister Raiyani Lakha Sagthiya Dropped

રાજકોટમાં જ્ઞાતિગત સમીકરણ સચવાયુ:પૂર્વની બેઠક OBC સમાજને ફાળવતો હાઇકમાન્ડ, પશ્ચિમમાં પ્રથમ મહિલા પ્રતિનિધિ,મંત્રી રૈયાણી- લાખા સાગઠીયાના નામ કપાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
MLA લાખા સાગઠીયા ( ડાબી તરફ) અને મંત્રી અરવિદ રૈયાણી ( જમણી તરફ) - Divya Bhaskar
MLA લાખા સાગઠીયા ( ડાબી તરફ) અને મંત્રી અરવિદ રૈયાણી ( જમણી તરફ)

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે ઉમદવારોની યાદી જાહેર કરી દીધી છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર અને પૂરા રાજયમાં સંઘ તથા ભાજપના કેન્દ્ર બિંદુ જેવા રાજકોટમાં ઉમેદવારોની પસંદગીમાં ભાજપે મોટો અપસેટ સર્જી દીધો છે. ગઇકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ચૂંટણી નહીં લડવા કરેલી જાહેરાત સાથે જ મોટી નવા જુની થઇ રહ્યાના એંધાણ મળ્યા બાદ ચારે ચાર બેઠક પરના વર્તમાન ધારાસભ્યોને ભાજપે નિવૃત્ત કરીને ચારે નવા ચહેરા ચૂંટણી માટે પસંદ કરી દીધા છે.

મંત્રી અરવિંદ રૈયાણીનું પત્તુ કપાઇ
રાજકોટ પૂર્વમાં વર્તમાન ધારાસભ્ય અને વાહન વ્યવહાર, યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદ રૈયાણીનું પત્તુ કપાઇ ગયું છે. તેમની જગ્યાએ પૂર્વ મેયર અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ પર પાર્ટીએ પસંદગી ઢોળી છે. રાજકોટ-69માં ચૂંટણી ન લડવાની જાહેરાત કરનાર વિજયભાઇ રૂપાણીની જગ્યાએ જૈન સમાજના જ કોર્પોરેટર અને ડે.મેયર ડો.દર્શિતાબેન શાહનું નામ ફાઇનલ થયું છે. આ બેઠક પર પ્રથમ વખત મહિલાને પાર્ટીએ ટીકીટ આપી છે.તો રાજકોટ-70માં ગોવિંદભાઇ પટેલને નિવૃત્ત કરીને પાર્ટીએ ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળાને ઉમેદવાર બનાવ્યા છે. સાથે જ આ બેઠક પરથી ડો.ભરત બોઘરાનું નામ કપાયું છે જયારે રાજકોટ ગ્રામ્યમાં સલામત મનાતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાને પણ પાર્ટીએ બદલાવીને પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને પસંદ કર્યા છે.

પૂર્વમાં રૈયાણીના સ્થાને ઉદય કાનગડને ટિકિટ મળી
પૂર્વમાં રૈયાણીના સ્થાને ઉદય કાનગડને ટિકિટ મળી

રાજકોટ-68
રાજકોટ પૂર્વની આ બેઠક પર વર્તમાન મંત્રી અને પૂર્વ કોર્પોરેટર અરવિંદ રૈયાણીનું પત્તુ કપાયું છે. તેમની સામે જાહેરમાં થયેલા વિરોધ અને ફરિયાદોના પડઘા પડયાનું માનવામાં આવે છે. તેઓની જગ્યાએ પસંદ કરવામાં આવેલા ઉમેદવાર ઉદય કાનગડ રાજકોટના પૂર્વ મેયર, પૂર્વ ડે.મેયર, પૂર્વ સ્ટે.ચેરમેન, પૂર્વ શાસક પક્ષ નેતા, પૂર્વ દંડક રહી ચૂકયા છે. પાર્ટીમાં સૌથી વફાદાર નેતાઓની યાદીમાં આવતા ઉદય કાનગડે છેલ્લા સમયમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પણ પૂરા રાજયમાં નોંધપાત્ર કામગીરી કરી છે. આ કારણે પણ ઓબીસી સમાજમાંથી હાઇકમાન્ડે તેમની નોંધ લીધાનું માનવામાં આવે છે.

પશ્ચિમની બેઠક પર ડો.દર્શિતાબેન શાહની પસંદગી
પશ્ચિમની બેઠક પર ડો.દર્શિતાબેન શાહની પસંદગી

રાજકોટ-69
ભાજપની પરંપરાગત એવી આ પશ્ચિમની બેઠક કોઇ પણ ઉમેદવાર માટે સલામત ગણવામાં આવે છે. ભાજપના ગઢમાં વજુભાઇ વાળા બાદ બે ટર્મથી સતત વિજયભાઇ રૂપાણી અહીં ચૂંટાયા હતા. હવે તેમણે ચૂંટણી નહીં લડવા જાહેરાત કરતા આ બેઠક પર ડે.મેયર ડો.દર્શિતાબેન શાહની પસંદગી કરવામાં આવી છે. દર્શિતાબેન બે વખત નગરસેવક અને બે વખત ડે.મેયર પણ બન્યા છે. સંઘ પરિવાર સાથે તેમનો પરિવાર દાયકાઓથી જોડાયેલો છે. આ બેઠક પર ઉમેદવાર નકકી કરવામાં મોટા લોબીંગ થયા હતા. બાદમાં ગઇકાલે સાંજે પૂરી સ્થિતિ બદલાવા લાગી હતી.

ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળાને દક્ષિણની ટિકિટ મળી
ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળાને દક્ષિણની ટિકિટ મળી

રાજકોટ-70
રાજકોટ દક્ષિણની આ બેઠક પર ગોવિંદભાઇ પટેલ ગત ચૂંટણીમાં મોટી લીડ સાથે ચૂંટાયા હતા. આ બેઠક પર હવે તેઓ ચૂંટણી નહીં લડે તેવી ધારણા વચ્ચે એકાએક તેમણે ચૂંટણી લડવા ઇચ્છા જાહેર કરી દીધી હતી. આ બેઠક માટે પણ લાંબી મથામણ થઇ છે. ડો. ભરત બોઘરા આ બેઠકના મજબૂત દાવેદાર હતા. પરંતુ તેમનું નામ પણ લીસ્ટમાં આવ્યું નથી. આ બેઠક પર ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળાની પાર્ટીએ પસંદગી કરી છે. અગાઉ તેઓ દિલ્હી ખાતે નરેશભાઇ પટેલની હાજરીમાં વડાપ્રધાનને મળ્યા હતા. છેલ્લે અમદાવાદમાં પાર્લામેન્ટ્રી બોર્ડ વખતે પણ તેમણે અમિતભાઇ શાહ સાથે મુલાકાત કરી હતી.

રાજકોટ ગ્રામ્યની અનામત બેઠક પર ભાનુબેન બાબરીયાને ટીકીટ મળી
રાજકોટ ગ્રામ્યની અનામત બેઠક પર ભાનુબેન બાબરીયાને ટીકીટ મળી

રાજકોટ-71
રાજકોટ ગ્રામ્યની આ અનામત બેઠક પર લગભગ દર વખતે ઉમેદવાર બદલતા રહે છે. પ્રમાણમાં સરળ અને બિનવિવાદાસ્પદ ગણાતા લાખાભાઇ સાગઠીયા રીપીટ થશે તેવું અઠવાડિયા અગાઉ લાગતું હતું. પરંતુ બે દિવસમાં સંજોગો બદલાયા અને મહિલા ઉમેદવાર આવશે તે નકકી થયું હતું. આ બેઠક પરથી અગાઉ બે વખત ધારાસભ્ય રહેલા અને હવે કોર્પોરેટર બનેલા ભાનુબેન બાબરીયાને પાર્ટીએ ફરી ટીકીટ આપી છે. તેઓ વોર્ડ નં.1માંથી ચૂંટણી જીત્યા હતા અને બીજી ટર્મમાં મેયર બનશે તેવી ધારણા તે વખત વ્યકત કરાઇ હતી. પાર્ટીએ તેમના પર ફરી ભરોસો મુકયો છે.

અન્ય સમાચારો પણ છે...