કોરોના ઇફેક્ટ:માસ્કમાં મેકઅપ છુપાઈ જવાથી બ્રાઈડલે રૂ. 50 હજાર સુધીના બ્યુટીપાર્લરના પેકેજ કેન્સલ કર્યા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક પહેરવાનું હોવાથી આઈશેડો, આઈલાઈનરથી જ કામ ચલાવી લેવાય છે

માસ્ક ફરજિયાત થવાથી બહેનોની મેકઅપ સ્ટાઈલ બદલાઈ ગઈ છે.પહેલા બહેનો ચહેરા પરની ટ્રીટમેન્ટ માટે રૂ. 1500 થી લઈને રૂ. 5000 સુધી પૈસા ખર્ચી નાખતી હતી, પરંતુ કોરોના બાદ હવે બહેનોએ મોંઘીદાટ ફેસ ટ્રીટમેન્ટ લેવાનું બંધ કરી દીધું છે. તેના બદલે હવે માત્ર નેચરલ મેકઅપ,આઈશેડો, આઈલાઈનર જેવો હળવો મેકઅપ કરીને જ કામ ચલાવી લે છે. માસ્કથી મેકઅપ છુપાઈ જવાનો હોવાથી બ્રાઈડલે રૂ. 50 હજાર સુધીના પેકેજ કેન્સલ કર્યા છે.

બ્યુટીશિયન કૃણાલભાઈ ગોહેલ જણાવે છે કે, અત્યારે બહેનોએ લિપસ્ટિકનો વપરાશ તો સાવ બંધ કરી દીધો છે. કોરોના પહેલા બહેનો કિટીપાર્ટી, ગેટ ટુ ગેધરિંગ કે બીજા કોઇ નાના મોટા ફંક્શન હોય તો પણ હાઈલાઈટસ, સ્મૂધિંગ, ફેસિયલ, ડાર્ક સર્કલ દૂર કરવાની અને સ્કિન ગ્લો કરવાની ટ્રીટમેન્ટ લેવાનું પસંદ કરતી હતી.જેના બદલે હવે પ્રસંગમાં પણ બ્રાઈડલ અને કો બ્રાઈડલ વગેરેએ પોતાના બુક કરાવેલા પેકેજ રદ કરી નાખ્યા છે.માસ્કને કારણે હેર સ્ટાઈલમાં પણ બદલાવ આવશે.જેમાં કલ્સ અને મેસિબન લૂક હેર સ્ટાઈલ વધુ આકર્ષણમાં રહેશેે. હાલ સ્મૂધિંગ, શાઇનિંગ, કેરાટીન ટ્રીટમેન્ટ બંધ છે.

બ્રાઈડલ પેકેજ રદ કરાવનાર ધૃતિ પટેલ જણાવે છે કે, એપ્રિલમાં લગ્ન હતા પરંતુ કોરોનાને કારણે તે થઈ નહીં શકતા તે ડિસેમ્બરમાં નક્કી થયા છે. હાલ તો મર્યાદિત લોકોની હાજરીમાં જ લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. માસ્ક પણ ફરજિયાત છે ત્યારે જો મેકઅપ કર્યો હશે તો  દેખાશે નહીં. તો તેની પાછળ ખોટા ખર્ચા કરવાને બદલે મેં બુક કરાવેલું પેકેજ કેન્સલ કરી નાખ્યું છે, પણ મેચિંગ માસ્ક ખાસ ઓર્ડર દઈને બનાવડાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...