સાયબર ક્રાઇમ:હાય, હેલ્લો, તમારી બાજુમાં કોઇ છે નહિ ને, કહી મેસેજથી પજવણી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્નીના ફેસબુક એકાઉન્ટથી મહિલાઓને બીભત્સ મેસેજ કરનાર પકડાયો

શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પજવણીના વધુ એક બનાવમાં વિકૃત માનસ ધરાવતા શખ્સે તેની પત્નીના ફેસબુક એકાઉન્ટથી પાડોશમાં રહેતી ત્રણ મહિલાઓને બીભત્સ મેસેજ કરી પજવણી કરતા મામલો સાયબર ક્રાઇમ સેલમાં પહોંચ્યો છે. પોલીસે વિકૃત માનસવાળા શખ્સની ધરપકડ કરી શાન ઠેકાણે લાવી છે.

શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતા રાકેશ ઉર્ફે મનોજ કેશુ ભાલાણીનું નામ આપ્યું છે. ફરિયાદ મુજબ, તે મોબાઇલ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હોય તા.19-4ની રાતે ફેસબુક પર ઓનલાઇન થઇ હતી. ત્યારે પાડોશમાં રહેતી રેખા ભાલાણીના એકાઉન્ટ પરથી વીડિયો કોલ આવ્યો હતો. બાદમાં ફેસબુક ફ્રેન્ડ રેખાના એકાઉન્ટથી મેસેન્જરમાંથી મેસેજ આવ્યો કે, હાય, હેલ્લો, તમારી બાજુમાં કોઇ છે નહિ ને. જેથી તેને ના પાડી રિપ્લાય આપ્યો હતો. નાનો જવાબ આપતાની સાથે જ બીભત્સ શબ્દોવાળા મેસેજ મોકલતા તમે કોણ તેવું પૂછતા હું રાકેશ છુંનું કહ્યું હતું.

બીભત્સ મેસેજ અંગે પતિને વાત કરતા રાકેશને અમે ફરિયાદ કરવાના છીએ તેવું કહેતા મેસેજ બંધ થઇ ગયા હતા. દરમિયાન બીજે દિવસે તપાસ કરતા પોતાની દેરાણી અને એક અન્ય મહિલાને પણ આવા જ મેસેજ તેમજ વીડિયો કોલ રેખા ભાલાણીના એકાઉન્ટમાંથી આવ્યાની જાણ થઇ હતી. જેથી પાડોશમાં રહેતી રેખા અને તેના પતિ રાકેશને તમે કેમ આવા મેસેજ કરો છો તેમ કહેતા અમારું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની વાત કરી હતી. અંતે સાયબર સેલમાં આ મુદ્દે અરજી કરી હતી.

અરજીને પગલે સાયબર સેલના પીઆઇ વી.જે.ફર્નાન્ડિઝ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરતા રાકેશ ઉર્ફે મનોજના મોબાઇલ નંબર પરથી જ ત્રણેય મહિલાને મેસેન્જરના માધ્યમથી બીભત્સ મેસેજ કરી પજવણી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તુરંત સોપારી કટિંગ કરવાનું કામ કરતા રાકેશ ઉર્ફે મનોજને દબોચી લઇ ધરપકડ કરી શાન ઠેકાણે લાવી છે.

અન્ય સમાચારો પણ છે...