રાજકોટના સમાચાર:સિટી બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો જીવના જોખમે કરે છે મુસાફરી, વીડિયો વાયરલ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકો જીવના જોખમે સિટી બસની સવારી કરવા મજબૂર - Divya Bhaskar
લોકો જીવના જોખમે સિટી બસની સવારી કરવા મજબૂર

રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં સિટી બસ ફરતી કરવામાં આવી છે. ત્યારે મોટાભાગે વિદ્યાર્થીઓ અને નોકરીયાત લોકો પોતાના સ્થળે પહોંચવા માટે સિટી બસનો ઉપયોગ કરતા હોય છે. એકબાજુ CNG ગેસના ભાવ વધતા રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરતા લોકો સિટી બસનો વધુ ઉપયોગ કરતા થયા છે. સિટી બસમાં ઓછા પૈસાથી મુસાફરી કરવા મળે છે. જેથી લોકો મોટાપ્રમાણમાં સિટી બસનો ઉપયોગ કરે છે. ત્યારે રાજકોટમાં લોકો થોડા પૈસા બચાવવા જીવના જોખમે મુસાફરી કરતા નજરે ચડ્યા છે. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

..તો તેની જવાબદારી કોની ?
મહત્વનું છે કે, બસમાં ક્ષમતા કરતા મુસાફરો જીવના જોખમે મુસાફરી કરતા ક્યાંકને ક્યાંક બસ સંચાલની બેદરકારી પણ સામે આવી રહી છે. બસ સંચાલન દ્વારા ઓછી બસો ફાળવતા લોકો બસમાં ઉભા-ઉભા કે પછી પગથિયે લટકીને મુસાફરી કરી રહ્યા છે. ત્યારે જીવનના જોખમે મુસાફરી કરનારા લોકો સાથે કોઈ અનિશ્વનિય બનાવ બને તો તેની જવાબદારી કોની ? જેવા અનેક સવાલો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

હેરીટેજ બેડીનાકા-રૈયાનાકા ટાવરની વર્ષોથી બંધ પડેલી ઘડિયાળ પુન: શરૂ
રાજકોટના ડે. મેયર ડો.દર્શિતા શાહ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રાજકોટ શહેરના હેરીટેજ જેવા બેડીનાકા ટાવર તથા રૈયા નાકા ટાવરના પ્રશ્નો સંદર્ભ અગાઉ રજૂઆત કરેલ રાજકોટમાં હેરીટેજ એવા બેડી નાકા ટાવર તથા રૈયા નાકા ટાવર આવેલ છે. જે આપણી સંસ્કૃતિની વિરાસત છે. તેની જાણવણી પણ જરૂરી છે. રજૂઆતમાં મુખ્યત્વે બંને ટાવરોની ઘડિયાળો પુન: ચાલુ કરવા. તેમજ ટાવરમાં ઉપર જવા માટેના મુખ્ય દરવાજા તથા બારીઓમાં લોખંડની જાળી નાખવા. જેથી રાત્રીના સમયે અસામાજિક તત્વો ઉપર જઈ ના શકે. તેમજ ટાવરના અંદરના ભાગમાં તથા બહારના ભાગમાં લાઈટો વધારવા. તેમજ હેરીટેજ વિરાસત સમા આ ટાવરમાં નાનું મોટું રીપેરીંગ કરવા જરૂૂર જણાયેલ ટાવરને ક્ષતિ ન થાય તે રીતે પથ્થરોમાં પાલીશ કલર કરવા.તેમજ અંદરના ભાગમાં કલર કામ કરવા ડે.મેયરની રજૂઆત અન્વયે સત્વરે કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં બંને ટાવરોની સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી.તેમજ વર્ષોથી બંધ રહેલ બંન્ને ટાવરોની ઘડીયાલોનું રીપેરીંગ કામ હાથ ધરી પુન: શરૂ કરવામાં આવેલ છે.

ચૂંટણી અધિકારીની વિડીયો કોન્ફરન્સ યોજાઈ
આગામી વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લાની ચૂંટણીલક્ષી કામગીરી અંગે પ્રેઝન્ટેશન દ્વારા મતદાર નોંધણી, મતદાર સુધારણા યાદીની કામગીરી, ઈ.વી.એમ. સ્ટોક, સ્વીપ દ્વારા જનજાગૃતિ અર્થે કરવામાં આવતી કામગીરી વગેરે બાબતોની રજૂઆત કરી હતી.

સ્ટાફની ડેટા એન્ટ્રીની કામગીરી શરુ
યુવા મતદારોની વધુમાં વધુ નોંધણી અર્થે શાળા કોલેજમાં કેમ્પ, દિવ્યાંગો માટે બ્રાન્ડ એમ્બેસેડર સહિતની કામગીરી, 80 થી વધુ ઉંમરના વૃદ્ધ મતદારો, થર્ડ જેન્ડર સહિતના મતદાતાઓ માટેની કામગીરી વગેરે અંગેની માહિતી કલેકટરશ્રી દ્વારા પુરી પાડવામા આવી હતી.કલેકટરે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, મતદાન સંદર્ભે ચૂંટણી સ્ટાફની ડેટા એન્ટ્રીની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. રાજકોટના તમામ મતદાન મથકોનું પુનઃગઠન થઈ ચૂક્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલા લોકમેળા દરમ્યાન મેળાની મુલાકાતે આવતા નાગરિકો દ્વારા સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ સ્ટોલની મુલાકાત લઈ મતદાન અંગે મેળવેલ માહિતીની ગાંધીનગર કચેરી દ્વારા સરાહના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...