વારસાનું કૌભાંડ:વારસદારોને સફાઈ કામદારની નોકરી માટે તબીબી પ્રમાણપત્રમાં ચેડાં કર્યા, 50 સામે તોળાતા પગલાં

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબે આપેલા અભિપ્રાય પર ચેકા મારી પોતે નોકરી કરવા સક્ષમ ન હોવાનું જાતે જ લખ્યું

રાજકોટ મહાનગરપાલિકામાં વારસદારોને નોકરી અપાવવા માટે સફાઈ કામદારોના તબીબો પ્રમાણપત્રોમાં ચેડાં કરીને ખોટા દસ્તાવેજ ઊભા કરાયાનું ગંભીર કૌભાંડ સામે આવ્યું જે મામલે 54 સામે પગલાં તોળાઈ રહ્યાં છે, 3ને નોટિસ અપાઈ છે અને તમામની અરજીઓ રદ કરી દેવાઈ છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ જો કોઇ બીમારી સબબ કામ કરી શકે તેમ ન હોય તો તેમના પરિવારમાંથી એક વ્યક્તિને તેમના બદલે નોકરી આપવામાં આવે છે જોકે તેની પ્રક્રિયામાં તબીબી પ્રમાણપત્રો તેમજ બીમારીનો પ્રકાર અને તેનું કારણ જોવામાં આવે છે. તબીબી પ્રમાણપત્ર માત્ર સિવિલ હોસ્પિટલનું જ માન્ય ગણાય છે અને અરજી કર્યા બાદ નિર્ણય લેવાય છે. પણ, રાજકોટ મનપામાં 3 મહિના પહેલા વારસદારોને નોકરી અપાવવા માટેની અરજીઓમાં વધારો થયો હતો અને ખાસ કરીને તબીબ પ્રમાણપત્રોમાં સક્ષમતા લખેલી હોય ત્યાં જ છેકછાક કરાયાનું જોવા મળ્યું હતું. જેને લઈને શંકા જતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ 42 પ્રમાણપત્ર સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા અને આ સુધારા તેમના દ્વારા કરાયેલા છે કે નહિ તે જોવા જણાવ્યું હતું. સિવિલમાંથી રિપોર્ટ આવ્યો હતો કે, ચેકચાક તેમના દ્વારા કરાયા નથી તેથી સ્પષ્ટ થયું હતું કે પ્રમાણપત્રો સાથે ચેડાં કરાયા છે.

આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તબીબી પ્રમાણપત્રમાં જે તે વ્યક્તિ કામ કરવા સક્ષમ છે કે નહિ તે લખવાનું હોય છે. જ્યાં તબીબે કામ કરવા સક્ષમ છે તેમ લખ્યું હોય ત્યાં ચેકીને સક્ષમ નથી તેવો સુધારો કરી દેવાયો હતો એટલે કે કામ કરવા સક્ષમ હોવા છતાં નિવૃત્ત થાય તે પહેલા ખોટા સર્ટિફિકેટના આધારે વારસદારોને નોકરી અપાવવાનું કૌભાંડ આચરાયું હતું.

આ મામલે 3 કર્મચારીને નોટિસ ફટકારાઈ હતી અને 42 પ્રમાણપત્ર બાદ બીજા પણ ચકાસાતા આ આંક 50ને પાર પહોંચ્યો છે. જેને લઈને મ્યુનિસિપલ કમિશનરે આ મામલે ખાસ તપાસ કમિટીની રચના કરી છે જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમાર, સુરક્ષા અધિકારી ડીવાયએસપી આર.બી. ઝાલા અને આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડૂકની નિયુક્તિ કરી તપાસ સોંપી છે.

રાજકોટ શહેરમાં વારસામાં નોકરી અપાવવા માટે છેલ્લા ઘણા સમયથી ગોબાચારીની ફરિયાદો સતત આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં અરજીઓ રદ થાય છે જ્યારે અમુક મંજૂર પણ થઈ જાય છે ત્યારે હવે તો સરકારી પ્રમાણપત્રોમાં ચેડાં કરીને ગુનાહિત બેદરકારી કરાઈ છે તેથી આ મામલે મનપા પોલીસ ફરિયાદ કરાવશે કે પછી સિવિલ હોસ્પિટલને ખો અપાશે તે મહત્ત્વનો મુદ્દો છે.

અન્ય સમાચારો પણ છે...