જાહેરનામુ:સાંઢિયા પુલ પર આજથી ભારે વાહનોની અવરજવર બંધ થશે, એંગલ ફિટ કરાશે

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારે વાહનો માટે મનાઈ ફરમાવાઈ પણ એસટી સહિતના સરકારી વાહનો જ કરે છે ભંગ
  • બ્રિજ નવો ન બને ત્યાં સુધી પણ જોખમ લેવા નથી માગતી મનપા, જાહેરનામાનો અમલ કરાશે

રાજકોટ શહેરમાં એક પછી એક રસ્તાઓ બ્રિજના કારણે બંધ થયા હતા જોકે હવે તેમાં રાહત મળી છે તેવામાં વધુ એક વખત ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અમલ કરવા હવે એંગલ ફિટ કરવાની જરૂર પડી છે. બ્રિજ નવો ન બને અથવા તો બ્રિજનું કામ ચાલુ ન થાય ત્યાં સુધી પણ હવે મનપા જોખમ લેવા તૈયાર નથી.

જામનગર રોડ પર સાંઢિયા પુલ પોતાની વયમર્યાદા વટાવી ચૂક્યો છે અને હવે ત્યાંથી ભારે વાહનો પસાર થાય તે જોખમી છે. જેને લઈને અવારનવાર ભારે વાહનોને લઇને જાહેરનામા અને પ્રતિબંધના બોર્ડ લાગ્યા છે આમ છતાં અન્ય વાહનો તો ઠીક એસટી બસ સહિતના સરકારી વાહનો જ ત્યાંથી અવરજવર કરી રહ્યા છે.

જેને લઈને મહાનગરપાલિકાએ જાહેરનામાનો અમલ કરાવવાના ભાગ રૂપે પુલના બંને છેડે એંગલ ફિટ કરવાની કામગીરી શરૂ કરી છે. ત્યારબાદ 2.5 મિટર કે તેથી વધુ ઊંચાઈ વાળા એક પણ ભારે વાહન જેવા કે કોમર્સિયલ વાહનો, મલ્ટિ એક્સલ વાહનો, એસટી બસ, ખાનગી બસ સહિતના વાહનો ત્યાંથી પસાર થઈ શકશે નહીં.

ભારે વાહનોએ આ રૂટનો ઉપયોગ કરવાનો રહેશે

  • સિવિલ હોસ્પિટલ તરફથી જામનગર જતા ભારે વાહનોએ હોસ્પિટલ ચોકના બ્રિજથી કસ્તુરબા રોડ અને ત્યાંથી રેસકોર્સ અને એરપોર્ટ રોડનો ઉપયોગ કરી 150 ફૂટ રિગ રોડ પહોંચી ત્યાંથી માધાપર ચોકડી સુધી પહોંચી શકશે
  • માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક સુધી જતા વાહનો સંજયનગર મેઈન રોડ અથવા બજરંગવાડી મેઈન રોડનો ઉપયોગ કરીને હોસ્પિટલ ચોક જઈ શકશે

ભવિષ્યમાં ડાયવર્ઝન ક્યાંથી કાઢવું અે જાણી શકાશે
હાલ લોખંડની એંગલ ફિટ કરી દેતા ભારે વાહનોની અવરજવર બંધ થશે જ્યારે ટુ વ્હિલર, થ્રી વ્હિલર અને ફોર વ્હિલર ત્યાંથી નીકળી શકશે. સાંઢિયા પુલ પર ફોર લેન બ્રિજ બનાવવાનું કામ ચાલુ થશે એટલે બ્રિજ પરથી વાહન વ્યવહાર સદંતર બંધ કરાશે. આ કારણે અન્ય વાહનોને ભોમેશ્વર સર્કલથી જવું પડશે. હાલ ભારે વાહનોનું ડાયવર્ઝન અપાયું છે તેને કારણે કોઇ સમસ્યા થાય છે કે નહિ તે અત્યારથી જ ખ્યાલ આવશે આથી સદંતર વાહન વ્યવહાર બંધ કરાય ત્યારે ક્યો રૂટ આદર્શ રહેશે તેનો અણસાર આવી શકશે.

અન્ય સમાચારો પણ છે...