હવામાન વિભાગે 7થી 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે. મિશ્ર વાતાવરણને કારણે અસહ્ય બફારાથી લોકો અકળાયા છે. પરંતુ બપોર બાદ ગોંડલમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા. જસદણના આટકોટમાં પણ વરસાદી ઝાપટુ વરસી જતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગોંડલમાં ધોધમાર વરસાદથી અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. આટકોટમાં પણ ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તેમજ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગઇકાલે જસદણના પાંચવડા, જંગવડ, વિરનગર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ગઇકાલે કોટડાસાંગાણીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો
ગઇકાલે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમા મેઘરાજા મહેરબાન થયા હતા. જેમાં એક કલાકમાં ગાજવીજ સાથે ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે બસ સ્ટેશન રોડ પર ભરાયા પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ખેતીના પાકને જીવનદાન મળ્યું છે. આ ઉપરાંત ગોંડલ તાલુકાના મોવિયા ગામે વીજળી પડી હતી. જેમાં મોવિયાના ગોવિંદનગરમાં મકાન પર પાણીની સોલાર પર વીજળી પડી હતી. પરંતુ તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી
સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની દશા દિન પ્રતિદિન કફોડી બનતી જાય છે. જેમને લઈને શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત પણ કફોડી બની છે, શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને પૂરતો અને યોગ્ય ભાવ ન મળતા પોતાના ખેતરમાં પકવેલા શાકભાજીના પાકને ફેંકી દેવાનો વારો આવ્યો છે.
કારેલાનો એક કિલોનો ભાવ 50 પૈસા
વિરપુરમાં છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજીની ખેતી કરતા રઘુભાઈ મેરે જણાવ્યું હતું કે, પોતે પોતાના ખેતરમાં ચાર વીઘામાં કારેલા અને બે વીઘા જેટલામાં વાલ વાવેવા છે. પરંતુ હાલ કારેલાનો પૂરતો ભાવ તેમને મળતો નથી. પોતે વાવેતર કરેલા કારેલાના ઉતરેલા પાકને યાર્ડમાં વેચવા માટે જાય છે ત્યારે તેમને 10 કિલો કારેલાનો ભાવ માત્ર પચાસ પૈસાનો કિલો જાય છે. જેમને કારણે ક્યારેક તો મજબૂરીમાં ઉતારો કરેલા બધા જ કારેલા ફેંકી દેવાનો વારો પણ આવે છે.
(દેવાંગ ભોજાણી, ગોંડલ/કરસન બામટા, આટકોટ/દિપક મોરબીયા, વિરપુર)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.