મેઘમહેર:ગોંડલમાં ગાજવીજ સાથે ધોધમાર, રસ્તા પર નદીની જેમ પાણી વહ્યું, જસદણ પંથકમાં ધીમીધારે વરસાદ, રાજકોટમાં ઝરમર

ગોંડલ2 મહિનો પહેલા
વરસાદનું ધસમસતા પાણીનો પ્રવાહ રસ્તા પર વહ્યો.
  • ગોંડલનાં દેરડી કુંભાજી, મોટી ખિલોરી, પાટ ખિલોરી, ધરાળા, રાવણા, વાસાવડ, શિવરાજગઢમાં ધોધમાર વરસાદ

ગોંડલ પંથકમાં કૃષ્ણજન્મની ઉજવણી સાથે જ મેઘરાજાએ પધરામણી કરી હતી. ગોંડલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર નદીની જેમ પાણી વહ્યું હતું. આથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ જસદણ પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં હાલ ઝરમર વરસાદ શરૂ થયો છે.

રસ્તા વચ્ચે બાઇક બંધ થયા.
રસ્તા વચ્ચે બાઇક બંધ થયા.

ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
વરસાદને કારણે કપાસ, મગફળી, મગ, અડદ સહિતના પાકોને જીવનદાન મળતાં જગતનો તાત ખુશહાલ થયો છે. ગોંડલ પંથકનાં દેરડી કુંભાજી, મોટી ખિલોરી, પાટ ખિલોરી, ધરાળા, રાવણા, વાસાવડ, શિવરાજગઢ સહિતના ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ગોંડલ શહેરમાં મેઘાડંબર સાથે ભારે હળવાં ઝાપટાં વરસ્યા હતા.

રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓમાં મુશ્કેલી.
રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓમાં મુશ્કેલી.

આગામી ચાર દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. એટલે કે 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

ધોધમાર વરસાદથી બાળકો ન્હાવાનો આનંદ માણ્યો.
ધોધમાર વરસાદથી બાળકો ન્હાવાનો આનંદ માણ્યો.

ગઇકાલે જેતપુરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો
ગઈકાલે જેતપુરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. જેતપુરમાં બપોર બાદ ધીમીધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસતા કપાસ, મગફળી, મગ, મકાઇ, અડદ, એરંડા સહિતના પાકને નવું જીવનદાન મળ્યું હતું. હાલ હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોમાં પણ સારા વરસાદની આશા બંધાણી છે.

(હિમાંશુ પુરોહિત/દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...