ચોમાસાનું આગમન:જસદણ અને લોધિકામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, માર્કેટ યાર્ડમાં તલ, મગ, બાજરી પલળતા વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ

જસદણ5 મહિનો પહેલા
  • વાદળછાયા વાતાવરણ વચ્ચે વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી

છેલ્લા ઘણાં દિવસથી રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ત્યાં આજે ફરી મેઘરાજાનું આગમન જસદણ પંથકમાં થયું છે. જસદણમાં વીજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અચાનક મેઘમહેર થતા માર્કેટ યાર્ડમાં રહેલા તલ, મગ, બાજરી પલળતા વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ મચી હતી. બીજી તરફ લોધિકાના છાપરા શિવમ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે.

સમગ્ર પંથકમાં વાદળછાયું વાતવરણ જોવા મળ્યું
જસદણમાં આજે બપોર સુધી ધોમ ધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.

વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી જુમી ઉઠ્યા
જસદણમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સમગ્ર પંથકમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા. મેઘરાજાનું આગમન થતાની સાથે જ વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.