સર્વે:રાજકોટમાં ધોધમાર વરસાદે રસ્તામાંથી ડામર ઉખાડ્યા, 3 કરોડથી વધુનું નુકસાન, શહેર અને જિલ્લામાં અતિવૃષ્ટિ અને નુક્સાની અંગેનો સર્વે શરૂ : મેયર

રાજકોટ3 મહિનો પહેલા
મેયર ડો.પ્રદીપ ડવ
  • મેયર ડો.પ્રદીપ ડવે નુકસાની અંગે રૂ.5 કરોડની રકમ ફાળવવાની જાહેરાત કરી
  • જિલ્લામાં ભારે વરસાદના કારણે નુકસાનને લઈ ગાંધીનગરથી ટીમ સરવે માટે રાજકોટ જિલ્લામાં પહોંચી, સર્વે શરુ
  • નુકસાની અંગે સરકાર જરૂરી સહાય આપશે, CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ખાત્રી આપવામાં આવી છે : જિલ્લા પંચાયત પ્રમુખ

રાજકોટ જિલ્લામાં એક સાથે તૂટી પડેલા વરસાદના પગલે અનેક જગ્યાએ તારાજીના દૃશ્યો સર્જાયા છે. જેથી સૌથી વધુ ખેડૂતોને નુકસાન થયું છે. ખેતરો જાણે દરિયાઇ પટ બની ગયા છે. મકાનો પણ ધરાશાયી થયા છે. અનેક જગ્યાએ પશુ તણાયા છે. ત્યારે નુકસાનીને લઈ સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે,રાજકોટમાં ધોધમાર વરસાદે રસ્તામાંથી ડામર ઉખાડ્યા છે. જેમાં રૂ.3 કરોડથી વધુનું નુકસાન થયું છે. શહેર અને જિલ્લામાં અતિવૃષ્ટિ અને નુક્સાની અંગેનો સર્વે શરૂ કરાશે અને તેના માટે રૂ. 5 કરોડની રકમ ફાળવવા આવશે.

શહેરના રસ્તા પર મોટા ખાડા પડ્યા.
શહેરના રસ્તા પર મોટા ખાડા પડ્યા.

રહેણાંક વિસ્તારમાં સર્વે કરવામાં આવશે
વધુમાં મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે સાથે જોડાયેલા રસ્તાઓ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ને જાણ કરી દેવામાં આવી છે... આગામી સપ્તાહે મીટીંગ કરી રસ્તા તુરંત રીપેર કારવા સૂચના આપી છે. રાજમાર્ગો પર રોડને નુકસાનીનો સર્વે શરૂ થઇ ગયો છે. તે બાદ રહેણાંક વિસ્તારમાં સર્વે કરવામાં આવશે. કુવાડવા રોડ, પેડક રોડ, ચુનારાવાડ, મનહર પ્લોટ, હાથીખાના, ગોંડલ રોડ, મોચી બજાર, શીતલપાર્ક, રૈયાધાર, સાધુ વાસવાણી, વિમલનગર, મવડી સહિતના મેઇન રોડને મોટું નુકસાન થયું છે.

જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર - ફાઈલ તસ્વીર
જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર - ફાઈલ તસ્વીર

CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ખાત્રી પણ આપવામાં આવી
આ મુદ્દે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું કે,ગોંડલ તેમજ જામકંડોરણાના કેટલાક ગામો તેમજ લોધિકાના 20 ગામમાં ખેડૂતોના ખેતરો નદીમાં ફેરવાયા છે. આ નુકસાનીને લઈ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ખેડૂતો, માલધારીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં જે નુકસાનનો આંકડો આવશે. એ સરકારમાં મોકલવામાં આવશે. નુકસાની અંગે સરકાર દ્વારા જરૂરી સહાય આપવામાં આવશે અને આ અંગે CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ખાત્રી પણ આપવામાં આવી છે.

રામનાથપરામાં ઘરની દીવાલો ધરાશાયી.
રામનાથપરામાં ઘરની દીવાલો ધરાશાયી.

ખેડૂતોની તૈયાર મગફળી બગડવાનો ખતરો
સૌરાષ્ટ્રમાં જ્યાં એક સાથે વરસાદ તૂટી પડ્યો છે. ત્યાં ખેતી માટે આ વરસાદ નુકસાનરૂપ સાબિત થશે. જે વિસ્તારોના ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાય રહે છે ત્યાં મગફળીને નુકસાન થશે. પાણી ભરાય રહેવાથી અને હવા ન મળવાથી મગફળીમાં ફુગનું સંકટ છે. ફુગના કારણે મગફળીના ડોડવા બગડવા લાગે છે. જ્યાં ખેડૂતોએ આગોતરું વાવેતર કરેલ છે અને ડોડવા બેસી ગયા છે ત્યાં જ નુકસાન થશે. જે વિસ્તારમાં મગફળીનું પાછોતરું વાવેતર થયું છે અને સૂયા બેઠા છે તેને નુકસાન થવાની શક્યતા ઘણી ઓછી છે. સાથે જ જો નવરાત્રી દરમિયાન પણ આવો વરસાદ ખાબકશે તો ગત વર્ષની જેમ ખેડૂતોની તૈયાર મગફળી બગડવાનો ખતરો છે.

આજી નદી કાંઠાના પાકા રસ્તા ઉખડી ગયા.
આજી નદી કાંઠાના પાકા રસ્તા ઉખડી ગયા.
અન્ય સમાચારો પણ છે...