ભાસ્કર વિશેષ:વધુ વરસાદથી શિયાળુ શાકભાજી 15 દિવસ મોડા સસ્તા થયા, હવે 80 ટકા આવક લોકલ શરૂ થતાં વધુ સમય તાજું રહેશે

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર માસ શિયાળુ શાકભાજીની આવક ચાલુ રહેશે, ટમેટાં બેંગ્લોર, મહારાષ્ટ્રથી આવે છે

વરસાદને કારણે આ વખતે શિયાળુ શાકભાજી દિવાળી પછી શરૂ થયા છે. શિયાળુ શાકભાજી શરૂ થતા તેના ભાવ ઓછા હોય છે, પરંતુ શિયાળુ શાકભાજીની આવક મોડી શરૂ થવાને કારણે આ વખતે 15 દિવસ મોડા સસ્તા શાકભાજી શરૂ થયા છે. અત્યારે 80 ટકા આવક લોકલ થઈ રહી છે. માત્ર ટમેટાં છે એ બેંગ્લોર, મહારાષ્ટ્રથી આવી રહ્યાં છે. લોકલ શાકભાજી હોવાને કારણે એ પહેલા કરતા લાંબો સમય તાજું રહી શકે છે.

વેપારીઓના જણાવ્યાનુસાર અત્યારે જે લીલા શાકભાજી આવે છે તે તમામ લોકલ જ આવક છે. બીજા રાજ્યમાંથી જ્યારે શાકભાજી આવતા હોય છે તે અહીં બીજા-ત્રીજા દિવસે મળતા હોય છે. તેના બદલે સ્થાનિક આવક શરૂ થાય તો સવારે ઉતારેલું શાકભાજી બપોર સુધીમાં મળી જાય અને તેની હરાજી તે જ દિવસે થઈ જાય છે. સ્થાનિક શાકભાજી આવતા હોવાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછો આવતો હોય છે તેથી ભાવમાં સસ્તા પડતા હોય છે. જેથી સસ્તા પડે છે.

ડુંગળીની ગુણવત્તા સારી રહેશે, જૂના સ્ટોકનો નિકાલ થયા બાદ ભાવ નક્કી થશે
આ વખતે ડુંગળીની ગુણવત્તા સારી રહેશે. સામાન્ય રીતે ડુંગળીનો ભાવ નક્કી નથી હોતો. ક્યારેક એકદમ ઉંચા ભાવ મળે છે ત્યારે ખેડૂતોને હસાવે છે તો ક્યારેક પાણીના ભાવે ખેડૂતોને કાઢવી પડે છે ત્યારે રડાવે છે. આથી ખેડૂતોએ મગફળી, કપાસ બાદ ત્રીજા નંબરે ડુંગળીના ઉત્પાદન માટે પસંદગી ઉતારી છે. જોકે ભાવનો અંદાજો અત્યારે લગાવવો મુશ્કેલ છે. હાલ જૂનો સ્ટોક બજારમાં આવી રહ્યો છે. જૂના સ્ટોકનો નિકાલ થયા બાદ ભાવ કેટલા રહેશે તેનો અંદાજો લગાવી શકાય છે. માવઠાની અસર સૌરાષ્ટ્રમાં ડુંગળીના ઉત્પાદન પર પડી નથી. કર્ણાટકમાં વરસાદ હોવાને કારણે આ વખતે ગુજરાતની ડુંગળીની ડિમાન્ડ વધારે રહે અને ખેડૂતોને ભાવ પણ સારા મળે તેવી આશા સેવાઇ રહી છે. તેમ ડુંગળીના વેપારીઓ જણાવી રહ્યાં છે.

શાકભાજીના ભાવ
લીંબુ20થી 30
કોથમીર10થી 20
ટમેટાં15થી 30
મુળા10થી 20
રીંગણા5થી 15
ફ્લાવર5થી 25
સરગવો60થી 80
ગાજર10થી 20
બીટ10થી 20
મરચાં5થી 25
(નોંધ : શાકભાજીના ભાવ યાર્ડના કિલો લેખેના છે)
અન્ય સમાચારો પણ છે...