મેઘરાજાની જમાવટ:રાજકોટમાં ભારે પવન સાથે ધોધમાર 1 ઇંચ વરસાદ, માધાપર અને રામાપીર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયા

રાજકોટ3 મહિનો પહેલા
રામાપીર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયા. - Divya Bhaskar
રામાપીર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયા.

રાજકોટમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો. બાદમાં બપોર પછી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, રેસકોર્સ, યાજ્ઞીક રોડ, નાણાવટી ચોક, શીતલ પાર્ક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થયા છે. આજે રવિવારની રજામાં લોકો વરસાદમાં ન્હાવા માટે નીકળ્યા છે. માધાપર અને રામાપીર ચોકડીએ તો ગોઠણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે. સાંજના 5 વાગ્યા સુધીમાં રાજકોટમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

શીતલ પાર્ક પાસે રસ્તા નદી બન્યા.
શીતલ પાર્ક પાસે રસ્તા નદી બન્યા.

લોધિકા તાલુકામાં ધોધમાર વરસાદ
લોધિકા તાલુકામાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. લોધિકાના ખીરસરા, મોટાવડા, દેવળા, વડ વાજડી, રાતૈયા, વાગુદડ, બાલસર, મેટોડા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી આ વિસ્તારોના ખેતરો પાણી પાણી થયા છે. સારા વરસાદથી કપાસ, મગફળી, મકાઇ, મગ સહિતના પાકને ફાયદો થશે, આથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયા.
માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયા.

જસદણ પંથકમાં ધોધમાર વરસાદ
જસદણ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જસદણના આટકોટ, વીરનગર, પાંચવડા, જીવાપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી હાઇવે પર વાહનચાલકો થોડાવાર ઉભા રહી ગયા હતા.

રેસકોર્સ રિંગ રોડ પર પાણી ભરાયા.
રેસકોર્સ રિંગ રોડ પર પાણી ભરાયા.

રાજકોટમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
અષાઢી બીજથી રાજકોટમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું. ત્યારથી શુક્રવાર સુધી રોજ એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જોકે શનિવારે માત્ર ઝાપટાં જ વરસ્યા હતા. દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહ્યું હતું પણ મેઘરાજા મન મુકીને વરસ્યા નહોતા. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંય નોંધપાત્ર વરસાદ વરસ્યો નહોતો. બીજીબાજુ હવામાન વિભાગે હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

ભારે વરસાદથી વાહનો બંધ પડતા લોકો પરેશાન.
ભારે વરસાદથી વાહનો બંધ પડતા લોકો પરેશાન.

વડોદરાથી NDRFની વધુ ત્રણ ટીમ સૌરાષ્ટ્રમાં આવવા રવાના
વડોદરા સ્થિત NDRFની બટાલિયન-6 દ્વારા ચોમાસું આફતો માટે આગોતરી વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. તેની સાથે રાજ્યના આપદા પ્રબંધન વિભાગ સાથે પણ સુચારું સંકલન કરવામાં આવ્યું છે. હાલમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ છે. તેને અનુલક્ષીને રાજ્યના તંત્ર અને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રો સાથે મસલતોના પગલે વડોદરાથી બચાવ અને રાહતની જરૂરી સાધન સામગ્રી સાથે ત્રણ ટીમો આજે અમરેલી, જૂનાગઢ અને દ્વારકા માટે ચોમાસું તૈનાતીના ભાગરૂપે રવાના કરવામાં આવી છે.

બહુમાળી ભવન પાસે રસ્તા પર પાણી ભરાયા.
બહુમાળી ભવન પાસે રસ્તા પર પાણી ભરાયા.

વરસાદથી પડેલા ખાડામાં ટ્રેક્ટરની ટ્રોલ પલ્ટી
રાજકોટ શહેરમાં વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. રાજકોટ શહેરમાં આજે વોર્ડ નંબર 18માં આવેલ ગોંડલ ચોક નજીક વરસાદના કારણે રોડ-રસ્તા પર પડેલા ખાડા અને કાદવ કીચડના કારણે રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમાં આજે સવારના સમયે ટ્રોલીમાં સામાન ભરી જતા ટ્રેક્ટરની ટ્રોલી પલ્ટી જતા મોટી દુર્ઘટના થતા સહેજથી અટકી ગઇ હતી.

લોધિકા પંથકમાં ખેતરો પાણી પાણી.
લોધિકા પંથકમાં ખેતરો પાણી પાણી.

અનેકવખત રજૂઆત છતાં રસ્તાનું રિપેરિંગ થયું નથી
રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે મોસમનો 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદના પગલે ઠેર ઠેર ખાડા અને કાદવ કીચડનું સામ્રાજ્ય શહેરમાં જોવા મળી રહ્યું છે. ખાડા ખબડા અને કાદવ કીચડના કારણે રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર 18માં ગોંડલ ચોક નજીક પુલ નીચે રિધ્ધી સિધ્ધિ સોસાયટી નજીક સામાન ભરીને જતા ટ્રેક્ટરનું ટાયર ખાડામાં પટકાતા ટ્રોલીનો ભાગ પડી ગયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ મામલે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી અને આજે આ ટ્રોલી પટકાતા મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી છે.

ગોંડલ ચોક નજીક રસ્તા પર ખાડાને કારણે ટ્રેક્ટરની ટ્રોલી પલ્ટી મારી ગઈ.
ગોંડલ ચોક નજીક રસ્તા પર ખાડાને કારણે ટ્રેક્ટરની ટ્રોલી પલ્ટી મારી ગઈ.

શહેરમાં ઠેર ઠેર રસ્તા પર ખાડા પડતા વાહનચાલકો પરેશાન
ઉલ્લેખનીય છે કે, ટ્રોલી પટકાતા સમયે સદનસીબે બાજુમાંથી કોઈ વાહન પસાર થતું નહોતું. જો આ સમયે કોઈ વાહન પસાર થતું હોત તો કદાચ વાહન અને વાહનચાલકને મોટુ નુકસાન અને દુર્ઘટના સર્જાઇ હોત. ત્યારે ન માત્ર રિદ્ધિ સિદ્ધિ સોસાયટી પરંતુ આ પ્રકારે શહેરના અનેક વિસ્તારમાં વરસાદના કારણે રસ્તા પર ખાડા પડી ગયા છે અને કાદવ કીચડથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...