મેઘરાજાનાં મંડાણ:રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની ઇનિંગ, 15 મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો, ધોળા દિવસે રાત જેવું અંધારું

રાજકોટ3 મહિનો પહેલા
કાલાવડ રોડ પર ધોધમાર વરસાદ.
  • 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, મવડી, મોટા મવા, નાના મવા, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદ
  • ખરાબ હવામાનના કારણે મુંબઇથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટને અમદાવાદ ડાઇવર્ટ કરાઈ

રાજકોટમાં આજે સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ તડકો નીકળ્યો હતો. પરંતુ ફરી બપોરે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. મિશ્ર વાતાવરણના કારણે અસહ્ય ફારાનું પ્રમાણ વધ્યું હતું. બાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની ઇનિંગ શરુ થઈ હતી. જ્યાં 15 મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો.સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ઘણા વિસ્તારમાં વીજળી ગુલ થવાની ફરિયાદ ઉઠી હતી. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તેમજ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જોકે રાજકોટ આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.ઉલ્લેખનીય છે કે ખરાબ હવામાનના કારણે મુંબઇથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડ થઈ શકી નથી. હાલ આ ફ્લાઇટને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી છે. અને વિઝિબિલિટી ક્લીયર થયા બાદ તેનું લેન્ડિંગ રાજકોટમાં કરવામાં આવશે.

વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની ઇનિંગ શરુ
વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની ઇનિંગ શરુ
રસ્તાઓ પર પાણી ભરાયા
રસ્તાઓ પર પાણી ભરાયા

શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો
શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, મવડી, મોટા મવા, નાના મવા, ઢેબર રોડ, રેસકોર્સ, પારેવડી ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતા વિઝિબિલિટી ઘટી હતી. આથી વાહનચાલકોએ ફરજીયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

રસ્તા પર પાણી વહેતા થયા.
રસ્તા પર પાણી વહેતા થયા.

જસદણ પંથકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો
રાજકોટ જિલ્લામાં આજે ત્રીજા દિવસે સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યાં છે. જસદણ પંથકમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જસદણના આટકોટ, પાંચવડા, ખારચિયા, જંગવડ, જીવાપર, ગુંદાળા, વીરનગર સહિતનાં ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો.

શહેરના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ.
શહેરના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ.

રાજકોટનો આજી-2 ડેમ છલોછલ
રાજકોટની ભાગોળે આવેલો આજી-2 ડેમ છલોછલ ભરાય ગયો છે. ઓવરફ્લો થવાની તૈયારીમાં હવે ગણતરીની કલાકો જ બાકી છે. કુલ 30.10 ફુટનો ડેમ 29.90 ફૂટ સુધી ભરાયો છે. આથી નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરનું સુએજનું પાણી આજી-2 ડેમમાં પહોંચે છે.