મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:લાંબા વિરામ બાદ જસદણ-વીંછિયા પંથકમાં ધોધમાર વરસાદ, આટકોટમાં એક કલાકમાં એક ઇંચ, ગોંડલના દેરડીમાં નદીમાં પૂર આવ્યું

આટકોટ3 મહિનો પહેલા
ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી નદીમાં પૂર.
  • કપાસ, મગફળી, અડદ, મકાઇ, એરંડા સહિતના પાકને જીવનદાન મળશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે બપોર બાદ જસદણ-વીંછિયામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સાંજના સમયે અચાનક કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. પહેલા ધીમીધારે અને બાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આટકોટમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી દેરડીકુંભાજી ગામમાં નદીમાં પૂર આવ્યું હતું.

આટકોટમાં રસ્તા પર પાણી ભરાયા.
આટકોટમાં રસ્તા પર પાણી ભરાયા.

ગોંડલ પંથકમાં પણ ધોધમાર વરસાદ
જસદણ-વીંછિયા બાદ સાંજના સમયે ગોંડલ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના દેરડીકુંભાજી, સુલતાનપુર, કમઢીયા, સાજડિયાળી, ખીલોરી, મેતા ખંભાળિયા, કેસવાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. દેરડીકુંભાજીમાં ધોધમાર વરસાદથી નદીમાં પૂર આવ્યું હતું.

ગોંડલના ગામડામાં શેરીમાં નદીની જેમ પાણી વહ્યાં.
ગોંડલના ગામડામાં શેરીમાં નદીની જેમ પાણી વહ્યાં.
જસદણ પંથકમાં ધોધમાર વરસાદ.
જસદણ પંથકમાં ધોધમાર વરસાદ.

વીંછિયાના બંધાળી ગામે ધીમીધારે વરસાદ
વીંછિયાના બંધાળી ગામમાં બપોર બાદ વરસાદના ઝાપટાં વરસવાનું શરૂ થયું હતું. આથી ખેડૂતોમા આનંદની લાગણી જોવા મળી રહી છે. પાકને હાલમાં સારા વરસાદની જરૂર છે ત્યારે હાલમાં ઝાપટું પણ આશીર્વાદ સમાન છે તેમ ખેડૂતો માની રહ્યાં છે. રાજકોટ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વીંછિયા તાલુકામાં નોંધાતા ચેકડેમો અને ડેમો ખાલીખમ્મ છે. આજે ધીમીધારે વરસાદ આવતા ખેડૂતોમાં ધોધમાર વરસાદની આશા જાગી છે.

વીંછિયાના બંધાળી ગામમાં વરસાદી ઝાપટા.
વીંછિયાના બંધાળી ગામમાં વરસાદી ઝાપટા.

વાતાવરણમાં ઠંડક પ્રસરી
જસદણ અને વીંછિયા પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી વરસાદ ન પડવાને કારણે અસહ્ય બફારાથી કંટાળેલા લોકોએ આજે ગરમીમાંથી રાહત મેળવી છે. થોડા વરસાદથી પણ કપાસ, મગફળી, અડદ, મકાઇ, એરંડા સહિતના પાકના જીવમાં જીવ આવશે.

(કરસન બામટા, આટકોટ/દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...