હવામાન વિભાગની મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. સવારમાં જ ધીમીધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી ગયા હતા. પાંચ મિનીટ ધોધમાર વરસાદ વરસ્યા બાદ ઝરમર વરસાદ વરસ્યો હતો. જોકે 11 વાગ્યા બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને મુશળધાર વરસાદ શરૂ થયો છે. માત્ર અડધી કલાકમાં જ સવા ઇંચ વરસાદ વરસતા રસ્તા પાણી પાણી બની ગયા છે. બપોર બાદ પણ વધુ પોણો ઇંચ વરસાદ નોંધાતા સવારથી બપોર સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગોંડલમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ
આજે વહેલી સવારથી જ શહેરના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી વહ્યા હતા. બાદમાં 11 વાગ્યા બાદ ફરી મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. શહેરના વિવિધ રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતો હજુ પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યાં છે.
રાજકોટમાં સિઝનનો 28 ઇંચ વરસાદ થયો
રાજકોટમાં આજે સવા ઇંચ વરસાદ નોંધાતા સિઝનનો કુલ વરસાદ 28 ઇંચ થયો છે. ન્યારી અને આજી ડેમમાં નવા નીરની આવક થઇ છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઇ છે.
ગોંડલમાં ધોધમાર વરસાદ
ગોંડલમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પણ પાણી ભરાયા હતા. ગોંડલના બસસ્ટેશન, કોલેજ ચોક, માંડવી ચોક, કપુરીયા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
(દેવાંગ ભોજાણી, ગોંડલ)
જાણો ક્યા દિવસે ક્યા વિસ્તારમાં વરસાદની આગાહી
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી સતત 4 દિવસ સુધી વરસાદ રહેશે. જેમાં આજે 13 સપ્ટેમ્બરના રોજ જામનગર, દ્વારકા અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કાલે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ પોરબંદર, ભાવનગર,કચ્છ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. આ સિવાય 15 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાજકોટમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય જૂનાગઢ, અમરેલીમાં પણ આ દિવસે વરસાદ રહેશે. તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
એકસાથે બે સિસ્ટમ સક્રિય, લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે
હવામાન વિભાગના જણાવ્યાનુસાર હાલ બે લો પ્રેશર છે. જેમાં એક સિસ્ટમ ગુજરાતની બોર્ડરની નજીક છે. જ્યારે બીજુ લો પ્રેશર બંગાળની ખાડીમાં છે. જે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને મજબૂત બનશે. હાલ મોન્સૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશન કરતા સાઉથમાં છે. અને તે આવનારા દિવસોમાં હજુ આ પોઝિશનમાં રહે તેવી સંભાવના છે. આમ, આ ચોમાસા માટે અનુકૂળ સંજોગો ગણી શકાય. જેને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે.
કેસરી પુલ પાસે યુવક તણાયાની અફવાથી ફાયરની ટીમ ધંધે લાગી
ફાયરબ્રિગેડને એક ફરિયાદ મળી હતી કે, કેસરી પુલમાં કોઈ માણસ પાણીમાં તણાઈ ગયો છે. અને તેનો સંપર્ક તૂટી ગયો છે. આ ફરિયાદ મળતા જ ફાયરબ્રિગેડની 6 લોકોની ટીમ ત્યાં પહોંચી હતી. ટીમે સતત ચાર કલાકની જહેમત ઉઠાવી હતી. આમ છતાં તેની કોઇ ભાળ મળી નહોતી. આ સિવાય સંદીપભાઈ રોજાસરા (ઉ.વ.24 રહે જૂનાગઢ) આજી ડેમ મહાદેવ મંદિર પાસે હતા ત્યારે તેના પર ઝાડ પડતા તેમને ઈજા થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.