કુદરતી સૌંદર્ય ખીલ્યું:ધોરાજીના પાટણવાવમાં ધોધમાર વરસાદ, ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો, અદભૂત દૃશ્યો કેમેરામાં કેદ

રાજકોટ3 મહિનો પહેલા

રાજકોટ જિલ્લામાં આજે મેઘરાજા વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યા છે. ધોધમાર વરસાદથી કુદરતી સૌંદર્ય સર્જાતા હોય છે. આવું જ કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જોવા મળ્યું છે. ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. આથી અદભૂત દૃશ્યો સર્જાયા છે. તેમજ વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ્મ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે. આ ધોધનો અદભૂત નજારો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે.

ઓસમ ડુંગર પર આવેલું છે ટપકેશ્વર મહાદેવનું મંદિર
ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.

ઓસમ ડુંગર પર વહેતા ધોધનો નજારો કોઇએ મોબાઈલમાં કેદ કર્યો.
ઓસમ ડુંગર પર વહેતા ધોધનો નજારો કોઇએ મોબાઈલમાં કેદ કર્યો.

ઓસમ ડુંગર પર માત્રી માતાજીનું મંદિર પણ છે
ઓસમ ડુંગર પ્રવાસીઓ માટે પ્રવાસન ક્ષેત્રે પ્રખ્યાત બની રહ્યો છે. આ ઓસમ ડુંગર ઉપર તહેવારોની સીઝનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ઓસમ ડુંગર ધોરાજી હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જોઇને પર્યટકો પ્રફૂલ્લિત બની જાય છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હિડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ, સહિતના જૈન ધર્મની આસ્થાસમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે.

ઓસમ ડુંગર પર વરસાદથી હરિયાળી ખીલી.
ઓસમ ડુંગર પર વરસાદથી હરિયાળી ખીલી.

ઓસમ ડુંગરનું નામ કેવી રીતે પડ્યું
ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. ભીમ અને હિડંબા અહીં સાથે રહ્યા હતા. ઓમ આકારનો પર્વત દેખાતાં ઓમ+સમ= ઓસમ પર્વત નામ પડ્યું હતું. ભાદરવી અમાસે આ ડુંગર પર ભવ્ય લોકમેળો ભરાઇ છે. જેમાં સોળેકળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિપ્રેમીઓ મનભરીને માણે છે.

(ભરત બગડા, ધોરાજી)