પ્રકૃતિ સોળે કળાએ ખીલી:ધોરાજી પંથકમાં અનરાધાર વરસાદથી ફરી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો, નયનરમ્ય દૃશ્યો સર્જાયા

રાજકોટ3 મહિનો પહેલા

રાજકોટ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી મેઘરાજા વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યા છે. અનરાધાર વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. આવું જ કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જોવા મળ્યું છે. ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. આથી અદભૂત દૃશ્યો સર્જાયા છે. તેમજ વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ્મ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે. આ ધોધનો અદભૂત નજારો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે. થોડા દિવસ પહેલા પણ ધોરાજીમાં ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો.

ઓસમ ડુંગર પર આવેલું છે ટપકેશ્વર મહાદેવનું મંદિર
ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.

ડુંગર પરથી પડતા ધોધનો નયનરમ્ય નજારો.
ડુંગર પરથી પડતા ધોધનો નયનરમ્ય નજારો.

ઓસમ ડુંગર પર માત્રી માતાજીનું મંદિર પણ છે
ઓસમ ડુંગર પ્રવાસીઓ માટે પ્રવાસન ક્ષેત્રે પ્રખ્યાત બની રહ્યો છે. આ ઓસમ ડુંગર ઉપર તહેવારોની સીઝનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ઓસમ ડુંગર ધોરાજી હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જોઇને પર્યટકો પ્રફૂલ્લિત બની જાય છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હિડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ, સહિતના જૈન ધર્મની આસ્થાસમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે.

ઓસમ ડુંગર પર ભારે વરસાદથી આહલાદક વાતાવરણ જોવા મળ્યું.
ઓસમ ડુંગર પર ભારે વરસાદથી આહલાદક વાતાવરણ જોવા મળ્યું.

ઓસમ ડુંગરનું નામ કેવી રીતે પડ્યું
ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. ભીમ અને હિડંબા અહીં સાથે રહ્યા હતા. ઓમ આકારનો પર્વત દેખાતાં ઓમ+સમ= ઓસમ પર્વત નામ પડ્યું હતું. ભાદરવી અમાસે આ ડુંગર પર ભવ્ય લોકમેળો ભરાઇ છે. જેમાં સોળેકળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિપ્રેમીઓ મનભરીને માણે છે.

ધોધનો અદભૂત નજારો કેમેરામાં કેદ થયો.
ધોધનો અદભૂત નજારો કેમેરામાં કેદ થયો.