મેઘમહેર:રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર 1 ઇંચ વરસાદ, આજી ડેમ ઓવરફ્લો થવામાં એક ફૂટ બાકી

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ.
  • રસ્તાઓ પર પાણી ભરાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

મેઘરાજાએ ત્રણ દિવસ પહેલા રાજકોટની ધમરોળી નાખ્યું હતું. ત્યારે આજે ફરી સવારથી જ અસહ્ય બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે બપોર પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોરથી સાંજ સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ, યાજ્ઞીક રોડ, રેસકોર્સ રિંગ રોડ, સોરઠિયાવાડી, ભક્તિનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજી ડેમ ઓવરફ્લો થવામાં એક ફૂટ બાકી છે. ડેમની કુલ સપાટી 29 ફૂટ છે અને હાલ 28 ફૂટ ભરાય ગયો છે.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી 100 કરોડનું નુકસાન
રાજકોટ જિલ્લા અને શહેરમાં 100 કરોડનો પ્રાથમિક નુકસાનનો અંદાજ છે. જિલ્લા કલેક્ટર અને લોધિકા પંથકમાં નુકસાનીની સહાય માટે 10 કરોડની રકમ રાજ્ય સરકાર પાસે માગવામાં આવી છે. 75 કરોડ રૂપિયાની કિંમતના પુલ અને કોઝવે ધોવાઇ ગયા છે. હજુ 537 લોકોનું સ્થળાંતર થયું છે. જિલ્લામાં કુલ 15 મકાનો સંપૂર્ણ તૂટી ગયા છે. 55 પશુઓના સત્તાવાર મૃત્યુ થયા છે. કોર્પોરેશન હેઠળ આવતી મિલકતમાં 3.9 કરોડનું નુકસાન થયું છે. નગરપાલિકાના 6 કરોડના રસ્તાઓ તૂટી ગયા છે. આંકડો આવ્યા પછી સરકારમાં દરખાસ્ત કરાશે.
મનપા કમિશનરે આજીડેમની મુલાકાત કરી
ભારે વરસાદ બાદ આજી ડેમમાં નવા નીર આવ્યા છે. જે રાજકોટની જનતા માટે હર્ષ લાગણી કહેવાય. આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ સાથે આજી ડેમ અને બેડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી હતી. હાલ આજી ડેમમાં 28 ફૂટ પાણી ભરેલું છે. કમિશનરે ડેમની ક્ષમતા, ઉપલબ્ધ જળરાશી, તેમજ હવે આગામી સમયમાં ડેમ ઓવરફ્લો થાય એમ છે ત્યારે નીચાણવાળાં વિસ્તારોને એલર્ટ મોડ પર રાખવા વગેરે બાબતો અંગે ચર્ચા કરી હતી. કમિશનરે બેડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી સમગ્ર પ્લાન્ટ કંઈ રીતે કાર્ય કરે છે તેની વિગતો મેળવી હતી. તેમજ તેમની ઉપસ્થિતિમાં પ્રાપ્ત થયેલા પાણી અને શુદ્ધ થયેલા પાણીની વિગતો મ્યુનિ. કમિશનરે મેળવી હતી.

આજીડેમ પાસે રોડ પર મોટા ખાડા પડ્યા.
આજીડેમ પાસે રોડ પર મોટા ખાડા પડ્યા.

ભારે વરસાદથી રાજકોટના આટલા રસ્તાઓ પર ખાડા પડ્યા, સર્વે કરાયો
ભારે વરસાદનાં કારણે શહેરના મુખ્ય માર્ગો તથા સોસાયટીના અંદરના રસ્તાઓમાં નુકસાન થયું હોય તેનો તમામ વોર્ડમાં સર્વે કરવા મેયરે સૂચના આપતા ઈસ્ટ ઝોનમાં કુવાડવા રોડ, નવો જૂનો મોરબી રોડ, પેડક રોડ, સંતકબીર રોડ, વેકરીયા રોડ, કડવાભનુ રોડ, શ્રીનગર મણીનગર મેઈન રોડ, વ્રજભુમી માલધારી મેઈન રોડ, મંછાનગર, ચુનારાવાડ મેઈન રોડ, કોઠારીયા રોડ, સ્વાતિ 80 ફુટ રોડ તેમજ સેન્ટ્રલઝોનમાં મનહર પ્લોટ-10, હાથીખાના-2, કુંભારવાડા-9, ઘનશ્યામનગર થી નંદાહોલ, ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલ પંપ પાસે મોટા ખાડા પડી ગયા છે.

રાજકોટના મોટાભાગના રોડ પર ખાડા પડ્યા.
રાજકોટના મોટાભાગના રોડ પર ખાડા પડ્યા.

નાના- મોટા ખાડાઓ પડ્યાને રિપોર્ટ
આ ઉપરાંત રૂખડીયાપરા મેઈન રોડ, દાણાપીઠ મેઈન રોડ, મોચીબજાર મેઈન રોડ ઉપરાંત વેસ્ટઝોનમાં રામાપીર ચોકડીથી શીતલ પાર્ક, રૈયાધાર રોડ, નાગેશ્વર મેઈન રોડ, વિદ્યાકુંજ રોડ, રાજનગર સોસાયટી, અનુપમા સોસાયટી, સહકારનગર, સૌરભ બંગલો મેઈન રોડ, રૈયા ગામથી બીજા રીંગ રોડ સુધીનો મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, વિમલનગર મેઈન રોડ, રૈયા ચોકડીથી કે.કે.વી. ચોક, સ્પીડવેલ ચોકથી જેટકો ચોકડીથી વગડ ચોકડી મેઈન રોડ, ગોવિંદરત્ન આવાસવાળો રોડ, માયાણી આવાસયોજનાવાળો રોડ, મવડી રોડ, પુનિતનગર નગર, 80 ફુટ રોડ, ગોકુલધામ મેઈન રોડ, અંકુરનગર મેઈન રોડ વગેરે નાના- મોટા ખાડાઓ પડ્યાને રિપોર્ટ આપ્યો છે.