મેઘમહેર યથાવત:ગોંડલના દેરડીકુંભાજી ગામે એક કલાકમાં સાડા ત્રણ ઈંચ, કોલપરી નદીમાં પૂર આવ્યું, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા - Divya Bhaskar
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
  • રાજકોટમાં યલો એલર્ટ જાહેર, વરસાદી ઝાપટા અડધો ઇંચ વરસાદ વરસ્યો
  • ઉપલેટાના સાજડીયારી ગામે પુલનું એક તરફથી ધોવાણ થયું

ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. મંગળવારે રાજકોટમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.આજે પણ હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં હાલ ગોંડલમાં દેરડીકુંભાજી ગામે એક કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. અને ધોધમાર વરસાદને પગલે ગામના રોડ રસ્તાઓ પાણી પાણી થયા છે. ગામની વચ્ચ્ચેથી પસાર થતી લીંડી વોંકળીમાં ઘોડાપુર આવ્યું છે.આ ઉપરાંત કોલપરી નદીમાં પૂર આવ્યું છે, જેથી ગામના ​​​​​​​નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

કોલપરી નદીમાં પૂર આવ્યું
કોલપરી નદીમાં પૂર આવ્યું
રોડ રસ્તાઓ પાણી પાણી થયા
રોડ રસ્તાઓ પાણી પાણી થયા

વીરપુર અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ
આ ઉપરાંત વીરપુર અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. હાલ જસદણ અને આટકોટમાં સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે. તેમજ ખેતરો પણ પાણી પાણી થયા છે. જયારે રાજકોટ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં વરસાદી ઝાપટા અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.હાલ વીરપુર સહિત પીઠડીયા,મેવાસા,જેપુર, હરિપર,ઉમરાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ
જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ
વીરપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
વીરપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

નવા ખાડાઓ પ્રગટ થયા છે
રાજકોટ મહાનગરમાં ગઇકાલે મૌસમનો સૌથી વધુ સાડા દસ ઇંચ વરસાદ ખાબકતા સવાર સુધીમાં તો શહેર જળબંબાકાર થઇ ગયું હતું. મહાનગરના સદનસીબે બપોર બાદ વરસાદ ન પડતા અને આજે પણ વિરામ લેતા જનજીવનને તકલીફ પડે તે રીતના પાણી કયાંય ભરાયા નથી પરંતુ પાણી ઓસરતા જ નવા રોડ પર નવા ખાડાઓ પ્રગટ થયા છે. શહેરમાં દર વર્ષે જેટલા રસ્તા બનતા હશે અને રીપેર થતા હશે તેટલા ખાડા ચોમાસામાં પડી જતા હશે. નવા નવા કામ સાથે રસ્તાઓ પર ખાડાનો પણ વિકાસ થતો હોય,હાર્દ સમાં કાલાવડ રોડ સહિત અનેક માર્ગો પર વાહન ચાલકોએ જોખમ વચ્ચેથી પસાર થવું પડે તેવી હાલત છે.

વાહન ચાલકોએ જોખમ વચ્ચેથી પસાર થવું પડે તેવી હાલત છે
વાહન ચાલકોએ જોખમ વચ્ચેથી પસાર થવું પડે તેવી હાલત છે

..તો દુર્ઘટના સર્જાય શકે છે
રાજકોટના ઉપલેટા તાલુકાના સાજડીયારી ગામ પાસેથી પસાર થતા પૂલની એક સાઈડમાં ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે સ્થાનિક વિપુલ સખીયાએ જણાવ્યું હતું કે, વોકળામાં પાણીની પુષ્કળ આવકને લઈ અને પૂલના એક સાઈડનું ધોવાણ થયું છે. જેને કારણે પૂલનો અમુક ભાગ ધરાશાયી થયો છે. હાલ સાજડીયારીથી ટીબડી જવા માટેના વાહન ચાલકો હેરાન થયા છે. ગત વર્ષે પણ આ પુલના ભાગનું થયું હતું ધોવાણ તેવી પણ વિગતો સામે આવી છે. એ સમયે RNB વિભાગ દ્વારા માત્ર માટી નાખીને કામચલાઉ રીપેરીંગ કરવામાં આવ્યું હતું. હાલ વરસાદી વાતાવરણ છે. જો ધોધમાર વરસાદ પડશે તો દુર્ઘટના સર્જાય શકે છે.

ઉપલેટાના સાજડીયારી ગામે પુલનું એક તરફથી ધોવાણ થયું
ઉપલેટાના સાજડીયારી ગામે પુલનું એક તરફથી ધોવાણ થયું
હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી

મંગળવારે 24.9 ઈંચ વરસાદ પડ્યો
હાલ વરસાદને પગલે શહેરના માંડાડુંગર વિસ્તારમાંથી એક અજગર મળી આવ્યો હતો. જેનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.રાજકોટ જિલ્લામાં મંગળાવરે પડેલા ભારે વરસાદને પગલે 4 રસ્તા આજે બંધ થયા છે. જેમાં પડધરી તાલુકાના ખોડાપીપર અને રંગપુરથી સરપદડનો રસ્તો, રાજકોટ તાલુકામાં ગૌરીદડ રતનપરનો રસ્તો અને જેતપુર તાલુકાના લુણાગિરીમાં દૂધીવદરનો રસ્તો બંધ થયો છે.સૌથી વધુ વરસાદ મંગળવારે રાત્રે 2થી સવારે 8 કલાક સુધી પડ્યો હતો. આ અંગે મનપાએ જાહેર કરેલ સત્તાવાર યાદી અનુસાર મંગળવારે રાત્રિના 12થી લઇને સાંજના 4 સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 12 ઈંચ, ઈસ્ટ ઝોનમાં 9.24 ઈંચ,વેસ્ટ ઝોનમાં 6.92 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સિઝનનો વરસાદ અનુક્રમે સેન્ટ્રલ ઝોનમાં 24.9, ઈસ્ટ ઝોનમાં 20.4 ઈંચ અને વેસ્ટ ઝોનમાં 22 ઈંચ પડ્યો છે. બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડના 250 લોકોની ટીમ કામે લાગી હતી.

કોંગી કાર્યકરોએ મ્યુનિ.કમિશનર અમિત અરોરાને આવેદન પત્ર પાઠવ્યું
કોંગી કાર્યકરોએ મ્યુનિ.કમિશનર અમિત અરોરાને આવેદન પત્ર પાઠવ્યું

વરસાદમાં મહાનગરપાલિકાના તંત્ર નિષ્ફ્ળ : કોંગ્રસ
મંગળવારે પડેલા ધોધમાર વરસાદમાં નાગરિકોને સુવિધાઓ આપવા રાજકોટ મહાનગરપાલિકાના તંત્રની ઘોર નિષ્ફળતા સામે આવી હોવાનો આક્ષેપ કોંગ્રસ દ્વારા કરવામાં આવ્યો હતો. અને આ અંગે કોંગી કાર્યકરોએ મ્યુનિ.કમિશનર અમિત અરોરાને આવેદન પત્ર પાઠવ્યું હતું અને શહેર પાણીમાં ગરકાવ થયું હોય જેથી યુદ્ધના ધોરણે કામગીરી કરવા માંગ કરી હતી.

(( દેવાંગ ભોજાણી અને હિમાંશુ પુરોહિત ગોંડલ, કરસન બામટા, આટકોટ અને​​​​​​​ દિપક મોરબીયા, વીરપુર)