વાતાવરણમાં પલ્ટો:ગોંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી

ગોંડલ6 મહિનો પહેલા
  • સુલતાનપુર, ધૂળસીયા, સુખપુર સહિતના ગામોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વાવણીલાયક વરસાદ

છેલ્લા ઘણાં દિવસથી રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાં આજે ફરી મેઘરાજાનું આગમન ગોંડલ પંથકમાં થયું છે. ગોંડલમાં આજે બપોર સુધી ધોમ ધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.

સમગ્ર પંથકમાં વાદળછાયું વાતવરણ જોવા મળ્યું
ગોંડલના સુલતાનપુર, ધૂળસીયા, સુખપુર, સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા.જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સમગ્ર પંથકમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા.

ગઇકાલે રાજકોટમાં વરસાદ ખાબક્યો હતો
ગઇકાલે રાજકોટમાં મેઘરાજાએ ધામા નાખ્યા હતા. શહેરમાં બપોર બાદ વાતાવરણ ગોરભાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું. અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે કરા કરા સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. ભારે બાફરાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે. ગઈકાલે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.મેઘરાજાનું આગમન થતાની સાથે જ વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી જુમી ઉઠ્યા હતા.