મંગળવર્ષા / રાજકોટમાં ધોધમાર વરસાદ, બે ઘર પર વીજળી પડતાં છતમાં બાકોરું પડી ગયું

X

  • શહેરીજનો મન મૂકીને નહાયા પણ વીજળીએ ભય ફેલાવ્યો
  • બપોરના સમયે વાદળો ઘેરાયા અને વરસાદ તૂટી પડ્યો, એક કલાકમાં 38.8 મીમી

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 12:15 AM IST

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી મંગળવારે બપોરે 11 કલાકે વાદળો ઘેરાયા હતા અને એક ઝાપટું પડ્યા બાદ બપોરે 12 કલાકે ધોધમાર વરસાદ શરૂ થયો હતો .ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. માત્ર એક જ કલાકમાં 38.8 મીમી વરસાદ જ્યારે ફાયર સ્ટેશનો પર મુકાયેલા વરસાદ માપવાના યંત્રોમાં થોડો ઓછો વરસાદ નોંધાયો હતો. આ સાથે જ શહેરની ભાગોળે ઘનઘોર વાદળો વચ્ચે વીજળી પડી હતી. વીજળીના ચમકારાનો LIVE વીડિયો કેમેરામં કેદ થઈ ગયો હતો.આ વીડિયો મવડી ગામમાં આવેલ શાંતિનિકેતન કોલેજની સામેનો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

આ સાર્વત્રિક વરસાદ નથીઃ હવામાન વિભાગ
હવામાનના નિષ્ણાતના જણાવ્યા અનુસાર આ વરસાદ સીબી ક્લાઉડને કારણે પડ્યો હતો અને આગામી દિવસોમાં પણ આ રીતે છૂટોછવાયો વરસાદ પડતો રહેશે અને જ્યારે અરબી સમુદ્રમાં કોઇ સિસ્ટમ સક્રિય થશે ત્યારે સાર્વત્રિક વરસાદ થશે. મંગળવારે વરસાદ પડવાથી શહેરીજનો નહાવા નીકળી પડ્યા હતા. જો કે વીજળીના ચમકારા અને કડાકા ભડાકાને કારણે થોડો ભય ફેલાયો હતો. રેલનગરમાં નાથદ્વારા પાર્કમાં બે બાજુ બાજુના મકાનો પર વીજળી પડતા છત પર બાકોરું પડી ગયું હતું તેમજ સોલાર વોટર હીટર તેમજ ઈલેક્ટ્રિક સાધનો બળી ગયા હતા સદનસીબે જાનહાનિ થઈ ન હતી. ભારે વરસાદને કારણે મુખ્ય પોસ્ટ ઓફિસ કચેરી પાસેનું વૃક્ષ ધરાશાયી થઈને વાહનો પર પડ્યુ હતું. 

રાજકોટ જિલ્લાના શહેરોમાં થઈ મેઘમહેર
રાજકોટ જિલ્લાના મોટાભાગના શહેરોમાં આજે મેઘમહેર થઇ હતી અને મંગળવાર સાચા અર્થમાં મંગળ બની ગયો હતો. ગોંડલમાં આજે અમીછાંટણા થયા હતા, જ્યારે કોટડા સાંગાણીમાં સવા ઇંચ, આટકોટના ગ્રામ્ય વિસ્તારમાં અઢી ઇંચ, સાણથલીમાં એક ઇંચ પાણી વરસી ગયું હતું. ધોરાજીમાં ભારે બફારા અને ઉકળાટના વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડયા હતા.  ગોંડલ તાલુકાના દેરડી, સાણથલી, વાસાવડ, મોવિયા, શ્રીનાથગઢ, બિલિયાળા સહિતના આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.વીજળી પડવાને લીધે અનેક જગ્યાએ ટીસી બળી ગયાના બનાવ બન્યા હતા. તેમજ બે સ્થળે વીજળી પડતાં પશુના મોત થયા હતા.

રેલનગર અંડરબ્રિજમાં મનપાએ પમ્પ મુક્યા છતાં પાણીનો ભરાવો
રાજકોટ મનપાએ રેલનગર અંડરબ્રિજનું લોકાર્પણ કર્યું ત્યારથી પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન તેમજ ત્યાર બાદ ત્રણથી ચાર માસ એટલે કે વર્ષમાં 7થી 8 મહિના રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાયેલું હોય છે, પરંતુ મનપાના જનરલ બોર્ડમાં પાણીના નિકાલ માટે શું વ્યવસ્થા છે તેવા પ્રશ્નના જવાબમાં મનપાએ કહ્યું કે, ત્યાં પમ્પ મૂકવામાં આવ્યા છે. પમ્પ મુક્યા હોવા છતાં પાણીનો ભરાવો થાય છે. પોપટપરા નાળામાં વરસાદ આવે ત્યારે પાણી ભરાશે તેવો તંત્રે સ્વીકાર કરી લીધો છે અને આ સમસ્યા હલ થઇ શકે તેમ નથી. 

જસદણના ડોડીયાળા ગામે વીજળી પડી
આ સાથે જ જસદણ તાલુકાના ડોડીયાળા ગામે વીજળી પડી હતી. જેનો LIVE વીડિયો સામે આવ્યો છે. ડોડીયાળા ગામમાં ખેતરમાં કામ કરતા મજૂર પર વીજળી પડતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

એક ઇંચ વરસાદથી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
સૌરાષ્ટ્રમાં કાળા ડિબાંગ વાદળો સાથે સવારથી જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. રાજકોટ સહિત જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. રાજકોટના શાપર-વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે ભારે વરસાદથી વાહનચાલકોએ વાહનો થંભાવી દીધા હતા. તો કેટલાક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. આમ શહેરમાં એક ઇંચ વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

જામનગર-દ્વારકા જિલ્લામાં પોણાથી ત્રણ ઇંચ વરસાદ
જામનગર અને દ્વારકા જિલ્લામાં મંગળવારે સવારે શરૂ થયેલા વરસાદે સાંજ સુધી મુકામ કરતા સાત તાલુકામાં સાર્વત્રિક પોણોથી ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.જેમાં કાલાવડમાં સૌથી વધુ 73 મીમી,ધ્રોલમાં 48 મીમી, જામનગરમાં 24 મીમી,જોડીયામાં 19 મીમી અને લાલપુરમાં 09 મીમી અને જામજોધપુરમાં 01 મીમી વરસાદ પડયો હતો. જયારે ખંભાળિયામાં 22 મીમી, કલ્યાણપુરમાં 21 મીમી,દ્વારકામાં 18 મીમી અને ભાણવડમાં 04 મીમી વરસાદ થયો હતો.

ગીરગઢડામાં 2 ઈંચ, જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં બે ઈંચ
ગિર સોમનાથ જિલ્લાના વેરાવળમાં અડધો ઇંચ, ઊના અને ગિરગઢડામાં અડધાથી 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે જૂનાગઢના માળિયા હાટીનામાં સવા ઇંચ, મેંદરડામાં 2 ઇંચ, માંગરોળમાં 1 ઇંચ અને જૂનાગઢમાં પા ઇંચ વરસાદ થયો હતો. અમરેલી જિલ્લાના અમરેલીમાં 1, ખાંભામાં સવા ઇંચ, લીલિયામાં સવા ઇંચ, લાઠીમાં 1 ઇંચ, બગસરામાં દોઢ ઇંચ, વડિયામાં 2 ઇંચ,સાવરકુંડલા, જાફરાબાદ અને રાજુલામાં પોણો ઇંચ, જ્યારે પોરબંદરમાં અડધો ઇંચ પાણી પડી ગયું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી