તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસુ:રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, ગોંડલમાં સાંબેલાધાર વરસાદ, ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા, તસવીરો

ગીર સોમનાથ, રાજકોટએક વર્ષ પહેલા
વેરાવળમાં નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા
  • વેરાવળમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા
  • રાજકોટમાં અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા
  • ઉપલેટમાં એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
  • ધારીમાં એક અને ઉના પંથકમાં એક ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં આજે બુધવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આ તરફ ગોંડલમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. મોડી રાતે સાંબેલાધાર વરસાદને કારણે શહેરીજનોને ભારે ઉકળાટમાંથી છૂટકારો મળ્યો હતો. એક કલાકમાં રાજકોટમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.રાજકોટમાં વરસાદ પડતા સદર બજાર ધોબી શેરીમાં આવેલ એક મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો હતો. જોકે તેમાં કોઇ જાનહાની થઇ નથી.

ગોંડલમાં સાંબેલાધાર વરસાદ
ગોંડલમાં સાંબેલાધાર વરસાદ

ઉપલેટમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો
ઉપલેટામાં આજે બપોર બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને 1 કલાકમાં લગભગ 2 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ત્યારે તાલુકાના કોલકી શાંતિનગરમાં ઓઇલ મીલ મંડળીની દિવાલ પાસે ઉભું કરેલું નવું બે માળનું મકાનનાં બે ફાડીયા થઈ ગયા હતા. જો કે, મકાન માલિક રાજકોટ રહેતા હોવાથી કોઈ જાનહાનિની થઈ નથી.

ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા
ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા

રાજકોટમાં મોડી સાંજે વરસાદ ખાબક્યો
મોડી સાંજે રાજકોટમાં વરસાદી માહોલ સર્જાયો છે. શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ શહેરના અનેક વિસ્તારમાં ભારે પવનને કારણે વીજળી ગૂલ થઈ ગઈ છે. જેને કારણે શહેરીજનો મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે. આ ઉપરાંત ભારે પવન સાથે વરસાદ હોવાથી વિઝિબિલિટી ઓછી થઈ જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગઢડામાં છેલ્લા 2 કલાકમાં 1.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના અનેક વિસ્તામાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની છે. જ્યારે ઠેરઠેર રસ્તાઓ પર પાણી ભરાયા હોવાની ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે.

રાજકોટમાં મોડી સાંજે વરસાદી વાતાવરણ સર્જાયું છે.
રાજકોટમાં મોડી સાંજે વરસાદી વાતાવરણ સર્જાયું છે.

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો
ગઈકાલે સૌરાષ્ટ્રમાં 1 ઈંચથી 10 ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ફરી વેરાવળમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. વેરાવળમાં બપોરના 12થી 2 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગઈકાલના વરસાદી પાણી ઓસર્યા નથી ત્યારે ફરી આજે 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. આથી રસ્તાઓ પર પણ ગોઠણડૂબ પાણી ભરાયા છે. ભાવનગરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લામાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

રસ્તાઓ પર પાણી વહેતા થયા
રસ્તાઓ પર પાણી વહેતા થયા

ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ
ભાવનગરમાં બપોર બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ગરમીથી ત્રસ્ત થયેલા નગરજનો ખુશખુશાલ થયા છે. ભારે વરસાદ વરસતો હોય લોકો બાઈક અને સ્કૂટર લઈને ન્હાવા નીકળી ગયા હતા. બાળકો પણ વરસાદની મોજ માણી હતી. ધોધમાર વરસાદથી રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે ચિત્રા વિસ્તારમાં આવેલી અમુક વસાહતમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે.

રાજકોટમાં વરસાદ પડતા સદર બજાર ધોબી શેરીમાં આવેલ એક મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો હતો.
રાજકોટમાં વરસાદ પડતા સદર બજાર ધોબી શેરીમાં આવેલ એક મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો હતો.

ભાવનગર જિલ્લામાં સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો વરસાદ (MMમાં)
ભાવનગરમા- 51
મહુવા- 50
વલ્લભીપુર- 17
ઉમરાળા - 17
સિહોર- 7

જુનાગઢ અને પોરબંદરમાં આજે નોંધાયેલો વરસાદ (MMમાં)
માંગરોળ- 56
માણાવદર-57
કુતિયાણા-27
રાણાવાવ-24

ઠેર-ઠેર પાણી ભરાયા
ઠેર-ઠેર પાણી ભરાયા

બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ
બોટાદ જિલ્લામા લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ધોળા દિવસે રાત જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા સહિત ગઢડા, બરવાળા સહિત પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ગઢડા, રણીયાળા, માંડવધાર, ગોરડકા, બરવાળા, રોજીદ, રામપરા, ભીમનાથ, પોલારપુર, બેલા, કુંડળ, ટીંબલા સહિતનાઆસપાસના તમામ ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ આવતાની સાથે પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.મહુવામાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો. કડકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ગીર સોમનાથના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉનાના ચિખલી ગામે એક ઈચ વરસાદ નોંધાયો છે. રાવલ ડેમ ઉપર સારો વરસાદ પડતા ડેમના બે દરવાજા એક એક ફૂટ સુધી ખોલાયા છે. આથી નિચાણવાળા ગામોને એલર્ટ પર કહેવા સૂચના અપાઈ છે. ખાંભા-ઉના હાઇવે બંધ થતા વાહનોની લાંબી લાઈન લાગી છે.

કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ પડ્યો
કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ પડ્યો

ધારીમાં અડધો કલાકમાં એક ઇંચ
ધારી પંથકમાં આજે બપોર બાદ જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. અડધો કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ધારી પંથકના ગીરકાંઠાના ગામોમાં જોરદાર વરસાદ પડ્યો હતો. જેમાં ગોવિંદપુર અનરાધાર વરસાદ પડ્યો હતો તેમજ દલખાણીયા,ચાચય, પાણીયા, જીરા ,ખીચા, દેવળા સહિતના ગામોમાં આજે પણ હળવો-ભારે વરસાદ પડ્યો હતો.
ઉનાના ગીરકાંઠાના ધોકડવા, પડાપાદર, મહોબતપરા, મોટા સમઢીયાળા સહિતના ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરમાં વરસાદને કારણે રાવલ ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા છે.

અમરેલી જિલ્લામાં સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીમાં પડેલો વરસાદ (MMમાં)
અમરેલી- 41
ખાંભા- 14
જાફરાબાદ- 75
ધારી- 15
બગસરા-14
બાબરા- 00
રાજુલા- 40
લાઠી- 12
લીલીયા- 08
સાવરકુંડલા-44

સારા વરસાદથી કપાસ અને મગફળીના પાકને ફાયદો ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલથી મેઘમહેર યથાવત રહી છે. આજે પણ સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે કપાસ અને મગફળીના પાકને ફાયદો થતા ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં સર્વત્ર વરસાદથી ગરમીમાંથી પણ લોકોને થોડી રાહત મળી છે.

સર્વત્ર વરસાદથી ગરમીમાંથી રાહત મળી
સર્વત્ર વરસાદથી ગરમીમાંથી રાહત મળી

સૌરાષ્ટ્રમાં ગઈકાલે 1થી 10 ઈંચ વરસાદ પડ્યો હતો
સૌરાષ્ટ્રમાં ગઈકાલે ચારે તરફ ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજકોટમાં 1 ઈંચ, અમરેલીના ચલાલામાં 5 ઈંચ, વેરાવળમાં 5 ઈંચ, ગીર સોમનાથમાં 4 ઈંચ, વેરાવળમાં 2 ઈંચ, કોડીનારમાં 2 ઈંચ, ધારીમાં 3 ઈંચ, બાબરામાં 3 ઈંચ, ઉપલેટામાં 2 ઈંચ, જુનાગઢમાં 3 ઈંચ, માંગરોળમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજકોટમાં વૃક્ષો ધરાશાયી.
રાજકોટમાં વૃક્ષો ધરાશાયી.
ભારે વરસાદથી રાજકોટમાં ટ્રાફિકજામ.
ભારે વરસાદથી રાજકોટમાં ટ્રાફિકજામ.
રાજકોટમાં ધોધમાર વરસાદ.
રાજકોટમાં ધોધમાર વરસાદ.
રાજકોટ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા.
રાજકોટ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા.
રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન.
રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન.
રાજકોટમાં વરસાદનું પાણી.
રાજકોટમાં વરસાદનું પાણી.
રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન.
રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન.

(જયેશ ગોંધિયા, ઉના/ભરત વ્યાસ, ભાવનગર/અરૂણ વેગડા, ધારી/જયેશ ગોંધિયા, ઉના/ હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)