તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:સૌરાષ્ટ્રમાં 1થી 5 ઈંચ વરસાદઃ ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં ઘોડાપૂર, એક ગાય તણાઈ, તાલાલાની સરસ્વતી નદીમાં જીવના જોખમે યુવાનોના કૂદકા

રાજકોટએક વર્ષ પહેલા
અમરેલી પંથકમાં ભેરે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા બાળકને માથા પર બેસાડી રસ્તો પસાર કરતો પરિવાર
  • મહુવાની ખારી, બગદાણાની બગડ અને સાવરકુંડલાની નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું
  • જાફરાબાદના નાગેશ્રી ગામ નજીક રાયડી નદીમાં પૂર આવ્યું છે, બે ભેંસો તણાઈ, એકનો બચાવ
  • ખાંભા-ઉના સ્ટેટ હાઇવે પર આવેલા ચતુરી ગામના પાટીયા પાસે વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો ફસાયા

હવામાન વિભાગની આગાહીના પગલે આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ બન્યા છે. આજે વહેલી સવારથી ગીરસોમનાથ અને જુનાગઢ જિલ્લામાં એકથી 5 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. સારા વરસાદથી જગતનો તાત પણ ખુશખુશાલ બન્યો છે. વરસાદથી ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. માંગરોળમાં કામનાથ મહાદેવ મંદિર નજીક ઓળી નદીમાં પૂર આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. તાલાલાના માધુપુર ગામ નજીક આવેલી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના ધસમસતા પાણીમાં સિદી બાદશાહ યુવાનોએ જીવના જોખમે નદીમાં કૂદકા લગાવ્યા હતા. તેમજ રાજુલાની એક નદીમાં ગાય તણાઈ છે.

મહુવાની ખારી ગામની નદી બેકાંઠે

મહુવાના ખારી, ગલથર, બેલમપર, કંટાસર, મોણપર સહિતના ગામોમાં સવારથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા છે. ઉપરવાસમાં વરસાદના પગલે ખારી નદી બેકાંઠે વહી રહી છે. આસપાસના વેળાવદર, પીપરલા, સાખડાસર, ગોરખી, વેળાવદર, લીલીવાવ સહિતના ગામડાઓમાં પણ સવારથી વરસાદના હળવાથી ભારે ઝાપટા વરસી રહ્યા છે. તળાજામાં સવારે વરસાદનું ધોધમાર ઝાપટું વરસ્યા બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. એકથી દોઢ ઈંચ વરસાદ વરસતા કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થયો છે. વરસાદ ઓછો હોવાના કારણે હજુ ભૂગર્ભ તળ ઉંચા આવ્યા નથી. ગીરમાં અનરાધાર વરસાદ પડતા સાસણ નજીક આવેલા ભોજદે ગામની કપુરીયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો તળાજામાં 37 મિમિ, મહુવામાં 33 મિમિ, જેસરમાં 21 મિમિ અને ગારીયાધારમાં 11 મિમિ વરસાદ નોંધાયો છે.

ધાતરવડી ડેમ 1ઓવરફ્લો
ધાતરવડી ડેમ 1ઓવરફ્લો

બગદાણા નજીક નદીમાં ઘોડાપૂર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા સહિતના ગામોમાં સવારથી જ ભારે વરસાદ તૂટી પડતાં નદીમાં ઘોડાપૂર આવ્યા છે. નદી-નાળા છલકાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ગામલોકોએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન પ્રથમ વખત ધોધમાર વરસાદ તૂટી પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શ્રમિકો ખેતરોના કામેથી ઘર તરફ આવવા નીકળી ગયા હતા. વાહનચાલકો નદીના પાણીનો પ્રવાહ ધીમો પડે તેની રાહ જોઈ રહ્યા છે.

સાવકુંડલાની નાવલી નદીમાં પૂર આવ્યું
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સાવરકુંડલા પંથકમાં ભારે વરસાદથી નાવલી નદીમાં પૂર આવ્યું છે. સાવરકુંડલા અને રાજુલામાં અંદાજીત 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જાફરાબાદ પંથકમાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદના નાગેશ્રી ગામ નજીક રાયડી નદીમાં પૂર આવ્યું છે. પૂરના પાણીમાં બે ભેંસો તણાઈ હતી. જેમાં એકનો બચાવ થયો છે અને એક ભેંસ પૂરના પાણીમાં તણાઈ છે.

ધાતરવડી ડેમ-1 બીજી વખત ઓવરફ્લો
રાજુલા પંથકમાં સાંબેલાધાર વરસાદથી ધાતરવડી ડેમ-1 સતત બીજી વખત ઓવરફ્લો થયો છે. ધાતરવડી ડેમમાં ઘોડાપૂર આવ્યું છે. ધારીના ચલાલામાં મુશળધાર વરસાદ પડ્યો છે. ચલાલાથી સાવરકુંડલાના માર્ગ પર આવેલા ચલાલાના ખારામાં ઘોડાપૂર આવ્યું છે. પાણીની સતત આવક શરૂ છે. વાહન વ્યહાર ખોરવાય તેવી સંભાવના છે. સાવરકુંડલાના આદસંગ ગામમાં અનરાધાર વરસાદ શરૂ થયો છે. મૂશળધાર વરસાદથી પાણીના ધોધ શરૂ થયા છે.

જાફરાબાદના ચોત્રા ગામની નદીમાં પૂર
રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પ્રવાહમાં ગાય તણાઈ હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જાફરાબાદ તાલુકાના ચોત્રા ગામની રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગામના પુલ પર ધસમસતા પ્રવાહથી વાહનચાલકો ફસાયા હતા. આથી ગામની અવર જવર બંધ થઈ છે. પ્રવેશ માર્ગ પર ધસમસતો પ્રવાહ વહી રહ્યો હોવાથી લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.

અમરેલી જિલ્લામાં સવારે 7થી સાંજે 5 સુધીના વરસાદી આંકડા (મિમિમાં)
અમરેલી- 67
ખાંભા- 120
જાફરાબાદ- 94
ધારી- 63
બગસરા- 119
બાબરા- 47
લાઠી- 35
રાજુલા- 73
લીલીયા- 12
સાવરકુંડલા- 97

જુનાગઢમાં સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા (મિમિમાં)
​​​​​​​જુનાગઢ શહેર અને ગ્રામ્ય-40
કેશોદ-19
ભેસાણ- 31
મેંદરડા- 07
માંગરોળ-128
માણાવદર-52
માળિયાહાટીના-44
વંથલી-50
વિસાવદર-49

બાબરા પંથકમાં એકથી સાડા ત્રણ ઈંચ વરસાદ
બાબરા શહેર અને પંથકના મોટાભાગના ગામડાઓમાં એક ઇંચથી લઈને સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. શહેરમાં એક ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. પંથકના ધરાઈ ગામે બે કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. પંથકના વાવડી, જીવાપર, ચમારડી, ઘુઘરાળા, મોટા દેવળીયા, દરેડ, જામબરવાળા, નીલવડા, ચરખા, વલારડી, કુવરગઢ, વાલપુર, ઇંગોરાળા, ખાખરીયા, કરિયાણા સહિતના ગામડાઓમાં અડધા ઈંચથી લઈને સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ધરાઈ ગામે તાલુકાનો સૌથી વધુ વરસાદ પડી ગયો છે અને ત્યાંની સ્થાનિક નદીમાં પાંચવાર સારા પૂર પણ આવી ગયા છે.

સૌરાષ્ટ્રમાં ધોધમાર 1થી 5 ઈંચ વરસાદ પડ્યો
સૌરાષ્ટ્રમાં આજે ચારે તરફ ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટમાં 1 ઈંચ, અમરેલીના ચલાલામાં 5 ઈંચ, વેરાવળમાં 5 ઈંચ, ગીર સોમનાથમાં 4 ઈંચ, વેરાવળમાં 2 ઈંચ, કોડીનારમાં 2 ઈંચ, ધારીમાં 3 ઈંચ, બાબરામાં 3 ઈંચ, ઉપલેટામાં 2 ઈંચ, જુનાગઢમાં 3 ઈંચ, માંગરોળમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.

(જયેદવ વરૂ અમરેલી/જયેશ ગોંધિયા, ઉના/રાજુ બસીયા, બાબરા, અરૂણ વેગડા, ધારી, વિશાલ ડોડિયા, લાઠી, ભરત વ્યાસ, ભાવનગર)