સૌરાષ્ટ્ર વરસાદ:વંથલીમાં 7, મેંદરડામાં 5.5, માળિયાહાટીનામાં 5 અને રાજકોટમાં 6 ઈંચ વરસાદ, ઠેર ઠેર પાણી જ પાણી

રાજકોટ3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટના કોટેચા ચોકમાં નદીની જેમ પાણી ફરી વળ્યા - Divya Bhaskar
રાજકોટના કોટેચા ચોકમાં નદીની જેમ પાણી ફરી વળ્યા
 • બોટાદ અને ભાવનગર જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ
 • રાજકોટનું પોપટપરાનું નાળુ અને કાલાવડ અંડરબ્રિજ પાણીમાં ગરકાવ
 • બાબરાના દરેડ ગામે ચાર કલાકમાં 3 ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા
 • ગોંડલના વાસાવડ ગામે નદી ગાંડીતૂર બનતા વાહનચાલકોમાં મુશ્કેલી
 • ગડુ પંથકમાં સતત બે દિવસના અનરાધાર વરસાદથી જળબંબાકાર સર્જાયો

ભારે વરસાદની આગાહીને લઈને આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. રાજકોટમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે અને જિલ્લામાં 7 ઈંચ સુધી વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ખેતરો પાણી પાણી થતા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ગડુ પંથકમાં સતત બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, આજે બપોર બાદ 150 મી.મી. (6 ઇંચ) વરસાદ નોંધાયો છે. વધારે પડતા વરસાદના હિસાબે શાંતિપરા, જાનુડા, ખોરાસા, સમઢીયાળા ,નાની ધણેજ, મોટી ધણેજ, સીમાર, સુખપુર, ખેરા, ઘુમલી, સહિતના ગામોમાં જળબંબાકાર સર્જાયો .એના હિસાબે ખેતીના પાકને ભારે નુકશાની જોવા મળી રહી છે. જાનુડા સહિતના ગામોના ખેતરોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયા છે.

બીજી તરફ બોટાદ અને ભાવનગરમાં પણ ધોધમાર એકથી 4 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. બાબરાનાં દરેડ ગામે ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.દરેડ ગામે વેહલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગામમાંથી પસાર થતી કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સતત વરસાદ શરૂરેહતા ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. જામનગરમાં 3 અને કાલાવડમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. વંથલીમાં 7 ઈંચ, મેંદરડામાં સાડા પાંચ ઈંચ, માળિયાહાટીનામાં 5 ઈંચ, માંગરોળ-કેશોદમાં 4 ઈંચ, બોટાદ જિલ્લાના બરવાળા-જુનાગઢ જિલ્લાના માણાવદરમાં ૩ ઈંચ અને જોડિયામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ ઉનામાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.ગીર ગઢડાના કણેરી ગામે આભ ફાટ્યું છે. એક કલાકમાં 5 ઈંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં કેડસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ છે.

રાજકોટમાં પોપટપરાનું નાળુ પાણીમાં ગરકાવ
રાજકોટમાં વહેલી સવારથી જ યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ત્રિકોણ બાગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ ભારે વરસાદથી જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટમાં મોડી રાતથી ઝરમર વરસાદ શરૂ થયો હતો. રાજકોટ શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગોંડલ રોડ પર વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. રાજકોટમાં ધોધમાર બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર નદીના પૂરમાં એક પુરૂષનો મૃતદેહ તણાયને આવ્યો છે. ઝાડી-ઝાંખરામાં મૃતદેહ ફસાય ગયો હોય રેવન્યૂ, નગરપાલિકા અને પોલીસ ટીમ તરફથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં કાલાવડ રોડ પર ઘરોમાં પાણી ઘૂસ્યા
રાજકોટમાં કાલાવડ રોડ પર ઘરોમાં પાણી ઘૂસ્યા

ગોંડલનું જૂની મેંગણી ગામમાં પાણી ઘૂસ્યા
ગોંડલ તાલુકામાં પણ ત્રણ ઈંચ વરસાદથી જૂની માંગણી ગામમાં પૂરના પાણી ઘૂસ્યા છે. રાજકોટ શેહરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજી નદી બેકાંઠે વહેતા રામનાથપરા, જંગલેશ્વર, લલૂડી વોંકળી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદથી તંત્રએ પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે. પોપટપરાનું નાળામાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે. લોધિકા તાલુકામાં વહેલી સવારથી વરસાદ ચાલુ હોવાથી ખેતરો પાણી પાણી થયા છે. કપાસ અને મગફળીના પાકને નુકસાન પહોંચી રહ્યું છે.

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ત્રણ ફૂટ સુધી પાણી ભરાયા
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ત્રણ ફૂટ સુધી પાણી ભરાયા

ભારે વરસાદ ડેમોમાં પાણીની આવક, તંત્રની ચેતવણી
રાજકોટ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજી-2 ડેમના 4 દરવાજા 2 ફુટ સુધી, ભાદર- 2 ડેમના 7 દરવાજા 4 ફૂટ સુધી, કર્ણુકી ડેમના 5 દરવાજા 3 ફુટ સુધી, સુરવો ડેમના 3 દરવાજા અઢી ફુટ સુધી અને કરમાળના 3 દરવાજા 2 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. જ્યારે ગોંડલી અને વાછપરી ડેમ 1 ફૂટથી ઓવરફલો થઇ રહ્યો છે. આથી ઉપરોક્ત દર્શાવેલા ડેમના નીચાણવાળા વિસ્તારના લોકોએ નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા તંત્રએ જણાવ્યું છે. વેરાવળ- કોડીનાર નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે. આથી વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. આજી ડેમ 3ના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે.

રાજકોટના રૈયા રોડ પર જળબંબાકાર
રાજકોટના રૈયા રોડ પર જળબંબાકાર

રાજકોટ જિલ્લામાં 24 કલાકના વરસાદી આંકડા ( મીલિમિટરમાં )

 • રાજકોટ શહેર - 134 મીમી
 • કોટડા સાંગાણીમાં - 125 મીમી
 • લોધિકામાં - 78 મીમી
 • ગોંડલમાં - 58 મીમી
 • જસદણમાં - 65 મીમી
 • પડધરીમાં - 47 મીમી
 • ધોરાજીમાં - 15 મીમી
 • જેતપુરમાં - 14 મીમી
 • વીંછીયામાં - 60 મીમી
 • જામકંડોરણામાં - 17 મીમી
 • ઉપલેટામાં - 16 મીમી

ભાવનગરમાં ધોધમાર વરસાદ
ભાવનગર જિલ્લામાં સવારના છ વાગ્યા સુધીમાં 24 કલાકમાં વલ્લભીપુરમાં 42 મિમિ, ઉમરાળામાં 33 મિમિ, ઘોઘામાં 20 મિમિ, ગારીયાધારમાં 10 મિમિ, સિહોર અને મહુવામાં 8 મિમ વરસાદ વરસ્યો છે. છેલ્લા 4 કલાકમાં વલ્લભીપુરમાં 20 મિમિ, ઉમરાળામાં 15 મિમિ વરસાદ વરસ્યો છે. વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત વરસતા વરસાદથી વાડી ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન પહોંચ્યું છે. રંઘોળા ડેમ ઓવરફ્લો થતા 47માંથી 1 દરવાજો ઓટોમેટિક ખુલી ગયો છે. જ્યારે કાળુભાર ડેમ વધુ એકવાર ઓવરફ્લો થયો છે અને 16માંથી 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. રંઘોળા ડેમ અને કાળુભાર ડેમ નીચેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આટકોટથી જસદણ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા
આટકોટથી જસદણ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા

બોટાદ જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ
ગઢડામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ગઢડામાં ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા નદી ગાંડીતૂર બની છે. ઘેલો નદીના પાણી ગઢડાના નીચાણવાળા વિસ્તારો સુધી પહોંચી ગયા છે. ઘેલો નદીએ સ્થાનિક લોકો માટે મુશ્કેલી સર્જી છે. ગઢડા-ઢસા રોડ બંધ થયો છે. ગુંદાળા પુલ પરથી પાણી વહી રહ્યા છે.

વેરાવળની કપિલા નદીના પાણી સોનારીયા ગામમાં ઘૂસ્યા
વેરાવળની કપિલા નદીના પાણી સોનારીયા ગામમાં ઘૂસ્યા

આટકોટમાં ત્રણ ઈંચ વરસાદથી જસદણ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા
આટકોટમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ ખાબકતા આટકોટ-જસદણ રોડ પર ફરી એકવાર પાણી ભરાયા છે. આથી વાહનચાલકો પરેશાન બન્યા છે. તંત્ર દ્વારા પાણીની નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ વરસાદે તેની પોલ ખોલી નાખી છે. માત્ર કહેવા પૂરતો જ પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી પણ આજે આ ભારે વરસાદથી ફરી એકવાર જસદણ-આટકોટ રોડ પર પાણી ભરાયા છે. જેથી ખાસ કરી ટુવ્હીલર ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.

મોટાદડવાની નદીમાં ઘોડાપૂર આવ્યું
મોટાદડવાની નદીમાં ઘોડાપૂર આવ્યું

વેરાવળની કપિલા નદીના પાણી સોનારીયા ગામમાં ઘૂસ્યા
વેરાવળની કપિલા નદી ગાંડીતૂર બનતા નદીના પાણી સોનારીયા ગામમાં ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં 150 જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા છે લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. ગીર સોમાનથમાં સામાજિક વનીકરણની ઓફિસ કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે. કોડીનાર શહેરમાં આવેલી રેન્જ ઓફિસના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે. ગોઠણડૂબ પાણી ભરાયા છે. સુત્રાપાડાનું ઝાલા વડોદરા ગામ પણ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદને લઈને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરવખરી પણ પલળી ગઈ છે. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગામની અને શહેર વચ્ચે અવરજવર બંધ થઈ ગઈ છે.

ગોંડલી નદીમાં ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
ગોંડલી નદીમાં ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

ગોંડલ તાલુકાના લુણીવાવ ગામ પાસે આવેલ છાપરવાડી -1 ડેમ ઓવરફલો
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામ પાસેનો છાપરવાડી-1 ડેમ આજરોજ તેની નિર્ધારિત સપાટીથી વધુ ભરાય ગયો હોવાથી 2.13 ફુટે ઓવરફલો થયો છે. ડેમમાં 20881 ક્યુસેક પાણીની આવક છે અને 20881 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે. આથી છાપરવાડી-1 ડેમના હેઠળવાસમાં આવેલા ગોંડલ તાલુકાના ડૈયા, ચરખડી, કોલીથડ, લુણાવાવ, પડવલા, વેજાગામ અને ગરનલા ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ સિંચાઇ વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેરનીયાદીમાં જણાવાયું છે.

જોડિયાનું હડિયાણા ગામ બેટમાં ફેરવાયું
જોડિયા પંથકનું હડિયાણા ગામ બેટમાં ફેરવાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા કંકાવટી નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા હડિયાણા ગામમાં પાણી ઘૂસ્યા છે. હડિયાણામાં ગોઠણસમા પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.બીજી બાજુ કંકાવટી નદીનું પાણી ખેતરોમાં ભરાતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મૂકાયા છે.

બાબરાના દરેડમાં ત્રણ ઈંચ વરસાદથી નદીમાં ઘોડાપૂર
બાબરાના દરેડમાં ત્રણ ઈંચ વરસાદથી નદીમાં ઘોડાપૂર

ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસે આવેલા ભાદર-1 ડેમના 29 દરવાજા 6.1 ફૂટ ખોલાયા
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસે આવેલા ભાદર-1 ડેમ હાલ તેની નિર્ધારિત સપાટીથી વધુ ભરાય ગયો હોવાથી 29 દરવાજા 6.1 ફુટ ખોલયા છે. ડેમમાં 54691 કયુસેક પાણીની આવક છે અને 54691 કયુસેકનો પ્રવાહ છોડાય રહ્યો છે. આથી ભાદર-1 ડેમના હેઠવાસમાં આવેલા ગોંડલ તાલુકાના નીલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા અને નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા,દેરડી, જેતપુર, નવાગઢ, રબારિકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી અને વાડાસડા, જામકંડોરણા તાલુકાના તરવડ અને ઇશ્વરીયા તથા ધોરાજી તાલુકાના વેગડી, ભૂખી અને ઉમરકોટ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ સિંચાઇ વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

ભાદર-1 ડેમના 29 દરવાજા ખોલવામાં આવ્યા
ભાદર-1 ડેમના 29 દરવાજા ખોલવામાં આવ્યા

સૈયદ રાજપરા ગામે વરસાદી પાણી ઘૂસ્યા
ગીર ગઢડાના સનવાવ ગામે રૂપેણ નદીમાં ઘોડાપૂર આવતા ગામની પ્રથમિક શાળામાં પાણી ઘૂસી ગયા છે. તેમજ બસ સ્ટોપ અને ગોદરામાં પણ પાણી ઘૂસી ગયું છે. પૂરના કારણે ખેતરો ધોવાયા છે. ઉનાના સૈયદ રાજપરા બંદર ગામે ખાણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થયું છે. દરિયામાં ભારે કરંટના કારણે દરિયો વરસાદી પાણી લેતો ન હોય અને સતત વરસાદને સૈયદ રાજપરા ગામના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.