સતત બીજા દિવસે ભારે વરસાદ:રાજકોટમાં ભારે પવન સાથે દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ, મવડી બ્રિજ નીચે ગોઠણસમા પાણી ભરાયા

રાજકોટ5 મહિનો પહેલા
  • સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 72, ઇસ્ટ ઝોનમાં 51, વેસ્ટ ઝોનમાં 46 મી.મી. વરસાદ નોંધાયો, નીચાણવાળા વિસ્તારોમાં વાહનો ફસાયા
  • કાલાવાડ​​​​​​​ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સતત બીજા દિવસે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારે વાદળછાયા વાતાવરણ બાદ બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટ શહેરમાં આજે બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. શહેરના રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે મવડી બ્રિજ નીચે ગોઠણસમા પાણી ભરાયા છે. 150 ફૂટ રિંગ રોડ પર ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે. દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડતા શહેર પાણી પાણી થઈ ગયું છે.

શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા
ગોંડલ રોડ, ઢેબર રોડ, જિલ્લા પંચાયત ચોક, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પાણી પાણી થયા છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજકોટમાં દોઢ ઇંચ વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું હતું. હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

150 ફૂટ રિંગ રોડ પર ગોઠણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન.
150 ફૂટ રિંગ રોડ પર ગોઠણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન.

જસદણ પંથકમાં પણ ધોધમાર વરસાદ
જસદણ પંથકમાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ચાલુ થયો છે. આથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. આટકોટ, જંગવડ, પાચવડા, હનુમાન ખારચીયા, વીરનગર, બળધોઇ સહિતના ગામડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થયા છે. ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના ભરૂડી ગામમાં ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગામના મુખ્ય માર્ગ નદી બન્યા છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

મવડી બ્રિજ હેઠળના રસ્તે ગોઠણસમા પાણી ભરાયું.
મવડી બ્રિજ હેઠળના રસ્તે ગોઠણસમા પાણી ભરાયું.
મોચીનગરમાં ગોઠણસમા પાણી ભરાયા.
મોચીનગરમાં ગોઠણસમા પાણી ભરાયા.

પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
રાજકોટમાં ગઈકાલે બપોરે વરસેલા અનરાધાર વરસાદમાં જામનગર રોડ પર માસુમ સાથે ફસાયેલા દંપતીને ડ્યુટી પૂરી કરી જતી ટ્રાફિક પોલીસે જીપમાં બેસાડી ગાંધીગ્રામમાં પોતાના ઘેર હેમખેમ પહોચાડી માનવતાની મહેક ફેલાવી છે. શહેરના જામનગર રોડ પર એરપોર્ટ બગીચા પાસે દંપતી વરસાદથી બચવા પોતાના દોઢ માસના બાળક સાથે છત્રી નીચે આશરો લઇ ઉભું હતું. દરમિયાન ટ્રાફિક સેક્ટર 4ના PSI કે. જે. જલવાણી સહિતનો સ્ટાફ ડ્યુટી પૂરી કરી પરત ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે આ દંપતીને વરસાદમાં ફસાયેલું જોઇ પોલીસ જીપ પરત તેમના તરફ ફેરવી પૂછતાં લાખના બંગલા પાસે રહેતા હોવાનું જણાવતા ઘરે જવાનું ટાળી દોઢ માસના માસુમ બાળક અને તેની માતા બંન્નેને ચાલુ વરસાદે પોલીસ વેનમાં બેસાડી હેમખેમ તેમના ઘરે પહોચાડ્યા હતા.

150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્કમાં પાણી ભરાયા.
150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્કમાં પાણી ભરાયા.
જામનગર રોડ પર પાણી ભરાયા.
જામનગર રોડ પર પાણી ભરાયા.
રેસકોર્સ રિંગ રોડ પર ભરાયેલા પાણી.
રેસકોર્સ રિંગ રોડ પર ભરાયેલા પાણી.
યાજ્ઞીક રોડ પર પાણી ભરાયા.
યાજ્ઞીક રોડ પર પાણી ભરાયા.
જસદણ પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી.
જસદણ પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી.
માધાપર ચોકડીએ ગઇકાલે પોલીસે ફસાયેલા દંપતીને જીપમાં બેસાડી ઘરે પહોંચાડ્યું હતું.
માધાપર ચોકડીએ ગઇકાલે પોલીસે ફસાયેલા દંપતીને જીપમાં બેસાડી ઘરે પહોંચાડ્યું હતું.

NDRFની બે ટીમના 50 જવાન રેસ્ક્યૂ કિટ સાથે સ્ટેન્ડ ટુ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે ત્યારે રાજકોટમાં એનડીઆરએફની 25-25 જવાનની ત્રણ બટાલિયનનું આગમન થયું છે. શહેરમાં સોમવારે એનડીઆરએફની ત્રણ ટુકડીનું આગમન થયું હતું, જેમાંથી હાલ 6G બટાલિયનને બોટ-રેસ્ક્યૂ કિટ સહિતના સાધન સરંજામ સાથે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે તો ત્યારે જ 6E ટુકડીને સ્ટેન્ડબાયમાં રાખવામાં આવી છે.

દરમિયાન ત્રીજી ટુકડીને ત્વરિત ભાવનગર ખાતે મોકલી દેવામાં આવી છે. એનડીઆરએફના બન્ને ટુકડીના ઇન્સ્પેક્ટરે ગમે તેટલો વરસાદ આવે, ગમે તેવું પૂર આવે અમારા જવાનો લોકોને બચાવવા સજ્જ છે તેવો દાવો કર્યો હતો. ખાસ કરીને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ત્યારે કઈ રીતે પહોંચવું તે અંગે ટીમને માર્ગદર્શન અપાયું હતું.