અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્ર પર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. ગોંડલ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ભાવનગર જિલ્લામાં આજે સવારે જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તા પર પાણી ભરાયા હતા.
ભાવનગરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા
ભાવનગર શહેર અને જિલ્લામાં તળાજા, મહુવા, પાલિતાણા, ગારીયાધાર, સિહોર, ઉમરાળા, વલ્લભીપુર , ઘોઘા સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી બફારાનું પ્રમાણ વધ્યું છે. પરંતુ આજે વહેલી સવારે અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ભાવનગરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરોમાં તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે. આથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
મગફળી અને કપાસના પાકને નુકસાન
મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. હાલ મગફળી કાઢવાની સિઝન ચાલી રહી છે અને ખેડૂતો થ્રેસરમાં મગફળીનો પાક કાઢી રહ્યાં છે. ત્યારે બીજી તરફ વરસાદથી મગફળીનો તૈયાર પાક પલળી રહ્યો છે. કપાસના પાકમાં પણ ફાલ આવ્યો છે અને વરસાદથી ફાલ ખરી જવાની ખેડૂતોમાં ચિંતા છે. સતત વરસાદને કારણે કપાસનો પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે.
(ભરત વ્યાસ, ભાવનગર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.