વાતાવરણમાં પલટો:ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર ગાઢ ધુમ્મસ, ઠંડો પવન ફૂંકાયો, વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન

રાજકોટ4 મહિનો પહેલા
ગાઢ ધુમ્મસને કારણે ઠંડો પવન ફૂંકાયો હતો.
  • 100 ફૂટ સુધીની જ વિઝિબિલિટી જોવા મળતાં વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ગાઢ ધુમ્મસ છવાતાં વિઝિબિલિટી ઘટતાં હાઈવે પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા અને પોતાનાં વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી તેમજ સવારમાં ઠંડો પવન ફૂંકાતાં લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગોંડલ શહેરમાં ગાઢ ધુમ્મસેને કારણે રસ્તાઓ ભીંજાયા હતા.

ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોને હાલાકી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી. તેમએ મોડે સુધી લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. ધુમ્મસને કારણે રોડ પણ ભીના થઇ ગયા હતાં. ગાઢ ધુમ્મસને કારણે અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. 100 ફૂટ સુધીની જ વિઝિબિલિટી જોવા મળતાં વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

ભેજ રાત્રિના સમયે ઠરીને જામે છે
હાલ ચોમાસાની વિદાય થઈ નથી અને શિયાળાને પણ હજુ વાર છે છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે અને એમાં દિવસ અને રાતમાં તાપમાનમાં તફાવત વધી રહ્યો છે, જેથી ભેજ રાત્રિના સમયે ઠરીને જામે છે, તેથી ધુમ્મસ આવે છે એને મિસ્ટ પણ કહેવાય છે. તાપમાન અને ભેજના પ્રમાણને ધુમ્મસ આવે છે, તેથી એ ક્યારે ક્યા આવે એ કહેવું મુશ્કેલ છે.

આટકોટ પંથકમાં ગાઢ ધુમ્મસ
જસદણ પંથકમાં આજે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. આટકોટ, વીરનગર, હલેન્ડા સહિતનાં ગામડાઓમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. ગાઢ ધુમ્મસને કારણે વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.

(દેવાંગ ભોજાણી,ગોંડલ અને કરસન બામટા, આટકોટ)​​​​​​​