‘માતા-પિતાની લાડલી અને દુલારી, જે વસ્તુ માગુ એ હાજર કરી દે. લાડથી મને ભણાવીને મોટી કરી... અમેરિકામાં વેલસેટલ્ડ ગુજરાતી પરિવારમાં ધામધૂમથી લગ્ન થયા. સાસરિયામાં ઘરથી પણ વિશેષ પ્રેમ મળ્યો. મને પતિ, સાસુ-સસરા પણ હથેળીમાં રાખતા. 2018માં પ્રેગનન્ટ થઈ તો પરિવારમાં ખુશીનો કોઈ પાર નહોતો. ઘરમાં નવા મહેમાનના આગમનની તૈયારીઓ થવા લાગી. કોણ જાણે કુદરત મારા પર એવી રૂઠી કે એક જ દિવસમાં બધુ હતું ન હતું થઈ ગયું.’
બ્લિડિંગને કારણે ડિલિવરી મોતના દરવાજે લઈ ગઈ
કોઈ વેબસિરીઝના પ્લોટને પણ મોળો પાડે તેવી પોતાની જિંદગી સામેના સંઘર્ષની વાત કહેતા ધરા શાહે ઉમેર્યું, "મારી ડિલિવરીમાં બ્લિડિંગ એટલું વધી ગયું કે, 90 મિનિટ હાર્ટ બંધ થઈ ગયું. ડોક્ટરે સતત CPR આપી હૃદય ફરી ધબકતું કર્યું તો હું કોમામાં જતી રહી. બાદમાં ગેંગરીન થતા બે પગ, એક અડધો હાથ અને બીજા હાથની પાંચેય આંગળી કાઢી નાખવી પડી. મારા ગર્ભાશયની કોથળી કાઢવી પડી."
દીકરાનો એકમાત્ર સહારો પણ છીનવાઈ ગયો
"સાડા ચાર મહિને હોસ્પિટલમાંથી ઘરે પહોંચી તો મારા પુત્રને જોઇ મારું બધું દુઃખ ભૂલી ગઈ. પરંતુ મારો પુત્ર માહેર જેનેટિક ડિસઓર્ડરનો શિકાર હોવાથી 10 મહિને તે પણ રમતા રમતા આંખો મીંચીને જતો રહ્યો. મને લાગ્યું મારી જિંદગી પૂરી થઈ ગઈ.. છતાં હિંમત ન હારી અને કૃત્રિમ પગ લગાડી દોડવાનું શરૂ કર્યું. એક સમયે 5 ડગલા માંડી શકતી નહોતી પણ આજે હું 5 કિમી દોડી શકું છું.’ આટલું કહી ધરા ભાવુક થઈ જાય છે.
કોઈ પણ પરિસ્થિતિ આવે, તેનો સામનો કરો
ધરાએ જણાવ્યું હતું કે, મારા બન્ને પગ ગોઠણથી નીચે, જમણો હાથ કોણીથી નીચે અને ડાબા હાથની બંધી આંગળીઓ કાઢવી પડી. હું લગભગ સાડા ચાર મહિના હોસ્પિટલમાં રહી. છેલ્લે એટલું જ કહીશ કે, કોઈ પણ પરિસ્થિતિ આવે તો તેનો સામનો કરો, હિંમતથી લડો. કારણ કે, ડરવાથી કે ભાગવાથી તેનું કોઈ સોલ્યુશન નથી. તમે જો લડશો તો જ તમે પરિસ્થિતિમાંથી નીકળી શકશો. હું જ્યારે આટલું બધું ગુમાવીને ફરી ઉભી થઈ તો તમે તો બધા કરી જ શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.