વરસાદથી મોઢે આવેલો કોળિયો છિનવાયો:જસદણ યાર્ડમાં જીરૂ અને ધાણાના ઢગલા તણાયા, ખેડૂતોએ કહ્યું- નજર સામે જ આખા વર્ષની મહેનત તણાઇ ગઈ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધોધમાર વરસાદથી ધાણાનો ઢગલો તણાયો હતો. - Divya Bhaskar
ધોધમાર વરસાદથી ધાણાનો ઢગલો તણાયો હતો.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. જેને લઈને ગઈકાલે જસદણમાં મિનિ વાવાઝોડા, કરા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હાલ જીરૂ, ઘઉં, ચણા, ધાણા સહિતના રવિ પાક તૈયાર થઈ ચૂક્યા છે અને ખેડૂતો લલણીમાં વ્યસ્ત છે. ત્યારે અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ જસદણ યાર્ડમાં ભારે વરસાદથી જીરૂ અને ધાણાના ઢગલા વરસાદી પાણીમાં તણાયા હતા. આથી મોઢે આવેલો કોળિયો છિનવાતા ખેડૂતોએ જણાવ્યું હતું કે, નજર સામે જ જીરૂ તણાતું હતું ત્યારે એવું લાગતું કે આખા વર્ષની કમાણી તણાઇ રહી છે.

18 ગુણીમાંથી 11 ગુણી જીરૂ તણાય ગયું
જસદણના ગઢડિયા ગામના ખેડૂત વશરામભાઈ ડેરવાળીયાએ જણાવ્યું હતું કે, યાર્ડ બંધ રાખવાની જાહેરાત જ આપવામાં આવી નથી. સવારના અમે લાઈનમાં ઉભા હતા, આ સમયે અમને ના પાડવી જોઈએ ને. ના પાડી હોત તો લાઈનમાંથી વાહન પાછા લઈ જાત. હું 18 ગુણી જીરૂ લાવ્યો હતો. તેમાંથી 7 ગુણી જ વધ્યું છે. બાકી બધુ પાણીમાં તણાયને વહી ગયું. મારે 4 વીઘાનું જીરૂ હતું અને 40 મણ થવાની સંભાવના હતી. સરકાર પાસે વળતરની માગણી કરીએ છીએ, બીજા કોની પાસે વળતર માગીએ. અમારી નજર સામે જ જીરૂ તણાતું જોઈ દુખ લાગતું હતું.

જીરાના તૈયાર ઢગલા પાણીમાં તણાયા.
જીરાના તૈયાર ઢગલા પાણીમાં તણાયા.

26 ગુણીમાંથી 15થી 18 મણ જીરૂ તણાય ગયું
શિવરાજપુરના નાગજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, હું 26 ગુણી જીરૂ લઈને યાર્ડમાં આવ્યો હતો. જેમાં ઘણું જીરૂ તણાય ગયું છે. આ નુકસાની હવે યાર્ડવાળા તેના માથે લે તો થાય. મેં યાર્ડવાળાને કહ્યું કે, વચ્ચે એક શેડ ખાલી પડ્યો છે તો એમાં જીરૂ મને ઉતારવા દ્યો, પણ ના પાડી. બાદમાં અચાનક ધોધમાર વરસાદ પડ્યો ને મારું 15થી 18 મણ જીરૂ તણાય ગયું છે.

જસદણ યાર્ડમાં ખુલ્લામાં પડેલો રવિ પાક પલળ્યો.
જસદણ યાર્ડમાં ખુલ્લામાં પડેલો રવિ પાક પલળ્યો.

ઘઉંનો પાક આડો પડી ગયો છે
ખેડૂત આગેવાન દિલીપભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં માવઠાની ક્યાંકને ક્યાંક અસર જોવાઇ રહી છે. કરા સાથે ધોધમાર વરસાદ પડવાને કારણે ખેડૂતોને મોટી નુકસાનીનો ભોગ બનવું પડ્યું છે. હાલ રવિ પાકની મોસમ ચાલી રહી છે. ઘઉં, ચણા, જીરૂ, લસણ, ડુંગળી, ધાણા સહિતના પાક ઉપાડેલા ખેતરમાં પડ્યા છે. અત્યારે ભારે પવન સાથે વરસાદ પડતો હોવાથી ઘઉંનો પાક આડો પડી ગયો છે. જેમાં ખેડૂતોને હાર્વેસ્ટિંગનો મોટો ખર્ચ ભોગવવો પડશે.

વરસાદ બાદ બચી ગયેલો જીરાનો પાક એકઠા કરતા ખેડૂતો.
વરસાદ બાદ બચી ગયેલો જીરાનો પાક એકઠા કરતા ખેડૂતો.

સરકાર સરવે કરી ખેડૂતોને સહાય આપે
દિલપભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જસદણ માર્કેટિંગ યાર્ડમાં રવિ પાક પલળી અને તણાય ગયો છે. આ બધું ખેડૂતોનો ભોગવવું પડે છે. આથી સરકારને વિનંતી છે કે, કમોસમી વરસાદમાં ખેડૂતોને જે મોટી નુકસાની આવે છે તેનો સરવે કરી ક્યાંકને ક્યાંક મદદરૂપ થાવ.

યાર્ડ દ્વારા નુકસાનીનો સરવે હાથ ધરાયો
કમોસમી વરસાદના કારણે જસદણ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવેલો જે પાક તણાયો હતો તે નુકસાનીનો સરવે કરવામાં આવી રહ્યો છે. યાર્ડના શેડમાં જગ્યા હોવા છતાં ખેડૂતોને ખુલ્લામાં પાક મૂકવા માટે મજબૂર કર્યા હતા. જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોને કેટલું વળતર મળશે, કેટલું નુકસાન થયું છે તેના ચોક્કસ આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવશે. ખેડૂત આગેવાનોની માગણી છે કે જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ.

(તસવીરોઃ કરસન બામટા, આટકોટ)