હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લમ્પી વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. લમ્પી વાયરસને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં પશુનાં મોત થયાં છે. ત્યારે રાજકોટના માલિયાસણ ગામ પાસે ગાય, ગૌવંશ અને વાછરડાના મૃતદેહોના ઢગલા જોવા મળત ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ શહેરમાં મૃત્યુ પામતા પશુઓના મૃતદેહ અહીં નાખવામાં આવતા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. અસંખ્ય પશુઓના મોત પાછળ લમ્પી વાયરસ કારણભૂત છે કે અન્ય કોઈ કારણ તે તપાસનો વિષય છે. હાલ તો મ્યુનિ.ની ટીમ માલિયાસણ ગામ પાસે પશુઓના મૃતદેહો પડ્યા છે ત્યાં પહોંચી છે. આ સ્થિતિનો ચિતાર મેળવવા દિવ્ય ભાસ્કરની ટીમ પણ રાતના 10 વાગ્યે ગ્રાઉન્ડ પર પહોંચી હતી. જોકે એક કિલોમીટર દૂરથી જ માથુ ફાટી જાય એવી દુર્ગંધ આવવાની શરૂઆત થઈ ગઈ હતી.
નજર જાય ત્યાં સુધી પશુઓના મૃતદેહો જ પડ્યા હતા
પશુઓના મૃતદેહોના ઢગલાની જાણ થતા જ દિવ્ય ભાસ્કરની ટીમ રાતના 9 વાગ્યે રાજકોટથી 15 કિમી દૂર માલિયાસણ ગામ જવા રવાના થઈ હતી. 9.45 વાગ્યાની આસપાસ માલિયાસણ ગામ નજીક પહોંચતા જ મૃતદેહોમાંથી નીકળતી અસહ્ય દુર્ગંધ આવવા લાગી હતી. સ્થળથી 1 કિમી દૂર આ દુર્ગંધ આવવાની શરૂઆત થઈ હતી. જોકે સ્થળની નજીક આવતા જ મોઢા પર રૂમાલ બાંધ્યો હોવા છતાં દુર્ગંધ એટલી હદે વધી ગઈ કે બે ઘડી પણ ઉભા રહી ન શકાય તેવી સ્થિતિ થઈ ગઈ હતી. જોકે સુગંધી સ્પ્રેની મદદથી જેમ તેમ કરીને સ્થળે ટીમ પહોંચી તો નજર પડે ત્યાં પશુઓના મૃતદેહો જોવા મળ્યા હતા.
માલિયાસણ ગામ અડધો કિમી જ દૂર
સ્થાનિકો લોકોના જણાવ્યા મુજબ લમ્પી વાયરસથી 200 ગાયના મૃતદેહ અહીં આવ્યા છે. રાજકોટ મનપાએ જ આ જગ્યા પશુઓના પશુઓના મૃતદેહો માટે ફાળવી છે. પરંતુ મનપાની ટીમ અને અન્ય લોકો મૃતદેહોની દફનવિધિ કરવાને બદલે એમ ને એમ મૂકીને જતા રહે છે. આજે મનપાની ટીમ સાંજે દોડી આવી અને જેસીબીની મદદથી ઊંડા ખાડા કરી ગાય, ગૌવંશ, વાછરડાના મૃતદેહોને દફનાવી રહ્યા છે. અમારા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. આ જગ્યાથી માલિયાસણ ગામ અડધો કિલોમીટર જ દૂર છે. ગામમાં 12000ની વસ્તી છે.
હાડપિંજરના તો રીતસરના ખડકલા જોવા મળ્યા
પશુના મૃતદેહ પર મૃતદેહ એમ ઢગલાબંધ મૃતદેહો જોવા મળ્યા હતા. પશુઓના મૃતદેહો શ્વાનો ખાતા નજરે પડ્યા હતા. તેમજ હાડપિંજરના તો ઠેર ઠેર રીતસરના ખડકલા જોવા મળ્યા હતા. રાજકોટમાં મૃત્યુ પામતા પશુઓના મૃતદેહો અહીં જ નાખવામાં આવે છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં પશુઓના મૃતદેહો એટલા પ્રમાણમાં વધી ગયા છે કે, માલિયાસણ ગામ અને આજુબાજુના ગામડાના લોકો ત્રાસી ગયા છે. ગ્રામજનોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. હાલ મનપાની ટીમ પણ આ પશુઓના મૃતદેહોની દફનવિધિ કરી રહી છે.
છકડો રિક્ષા અને યુટિલિટીમાં પશુઓના મૃતદેહો આવે છે
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી રોજ મોટી સંખ્યામાં પશુઓના મૃતદેહો આવી રહ્યા છે. છકડો રિક્ષા અને યુટીલીટીમાં પશુઓના મૃતદેહો આવી રહ્યા છે અને દિવસ-રાત અહીં પશુઓના મૃતદેહો ઠલાવાય રહ્યા છે. એક રિક્ષામાં જેટલા મૃતદેહો ભરાય તેટલા ભરાયને આવી રહ્યા છે. આથી પશુઓના મૃતદેહોનો થોડા જ દિવસોમાં ઢગલો થઈ ગયાનું ગ્રામજનો કહી રહ્યા છે.
કોર્પોરેટરને જાણ થતાં અધિકારીઓને દોડાવ્યા
રાજકોટના ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરને આ અંગે જાણ થતા તેઓએ મ્યુનિ.ના અધિકારીઓને દોડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. માલિયાસણ ગામ પાસે પશુઓના મૃતદેહોની દફનવિધિ કરાવવા અધિકારીઓને મોકલ્યા હોવાનું પણ સામે આવ્યું છે. માલિયાસણ અને આજુબાજુના ગામડામાં રોગચાળો ફાટી નીકળે નહીં તે માટે કોર્પોરેટર ગ્રામજનોની વ્હારે આવ્યા છે. પશુઓના મૃતદેહોના ઢગલાથી વિસ્તાર ગંદકી અને દુર્ગંધમય બન્યો છે.
રાજકોટમાં ગૌવંશના મૃત્યુમાં જુલાઈમાં 300 ટકાનો વધારો
રાજકોટમાં જુલાઈ મહિનામાં ગૌવંશ સહિત પ્રાણીના મૃત્યુનું પ્રમાણ સત્તાવાર આંકડા મુજબ 300 ટકા વધી ગયું છે. મનપાના સુત્રોએ આ મૃત્યુ પ્રમાણ વધવા માટે આ મહિનામાં જ ભારે વરસાદના પગલે બીમારીનું કારણ આપ્યું છે. બીજી તરફ માલધારીઓએ 100થી વધુ પશુના મૃત્યુ લમ્પી વાયરસથી થયાનું જણાવી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં પશુના મૃત્યુનું પ્રમાણ વધતુ હોય છે. પરંતુ આ વખતે મોટા પ્રમાણમાં પશુઓ મોતને ભેટી રહ્યા છે. જુલાઈ મહિનામાં પશુના મૃત્યુમાં 300 ટકાનો વધારો નોંધાયો છે.
રાજકોટ મનપામાં 7 મહિનામાં થયેલાં પશુનાં મોત
મહિનો | મૃત્યુ |
જાન્યુઆરી | 126 |
ફેબ્રુઆરી | 101 |
માર્ચ | 86 |
એપ્રિલ | 80 |
મે | 76 |
જૂન | 100 |
જુલાઈ | 278 |
રાજકોટ જિલ્લામાં લમ્પી વાઇરસથી સત્તાવાર 22 પશુનાં મોત
રાજકોટ જિલ્લામાં અત્યારસુધીમાં 1678 પશુ સંક્રમિત થયાનું સામે આવ્યું છે. જ્યારે પડધરી, લોધીકા, જસદણ, ગોંડલ સહિત 276 ગામોમાં લમ્પી વાઇરસનું સંક્રમણ ફેલાઇ ગયું છે અને રાજકોટ જિલ્લામાં આજની સ્થિતિએ લમ્પીથી 22 ગાયનાં મોત થયાંની સામે આવ્યું છે.
85,228 પશુઓમાં વેક્સિનેશન થયું
હાલ રાજકોટ જિલ્લામાં પડધરી, લોધીકા, જસદણ, ગોંડલ તેમજ રાજકોટ તાલુકા વિસ્તારમાં કેસ વધુ જોવા મળતા મળે છે. આ વિસ્તારોમાં 49 ટીમો દ્વારા વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં અત્યારસુધીમાં 85,228 પશુઓનું વેક્સિનેશન કરાયું છે. રાજકોટ શહેરમાં પણ પશુઓનું રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે મીડિયાને જણાવ્યું હતું કે હાલ રાજકોટમાં આ સપ્તાહ દરમિયાન સવારે 8:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા દરમિયાન પશુપાલકો અમારા નંબર 9925423975 પર અમારો સંપર્ક કરી શકે છે. મનપા દ્વારા વેક્સિનેશન માટે 20 ટીમ બનાવાઈ છે. અમારો એવો લક્ષ્યાંક છે કે આ એક સપ્તાહમાં અમે સમગ્ર રાજકોટમાં 100% પશુઓનું રસીકરણ પૂર્ણ કરીશું.
અમારા ગામની 500 ગાયોમાં રોગ ફેલાવવાનો ભય છેઃ ગ્રામજન
માલિયાસણ ગામમાં રહેતા કિશન મુંઢવા જણાવે છે કે, ત્યાં 100થી 200 ગાયોના મૃતદેહ પડ્યાં છે. ગામ વચ્ચેથી નીકળો તો પણ દુર્ગંધ આવે છે. તેટલું જ નહીં, રોગચાળો ફેલાવવાનો ભય છે. ઘર સુધી દુર્ગંધ આવે છે. મારી અધિકારીને અપીલ છે કે, તેઓ મૃતદેહનો કાયદેસર નિકાલ કરે.’ અન્ય ગામવાસી લાલજીભાઈ જણાવે છે કે, અવાવરું જગ્યામાં લોકો મૃતદેહ નાખી જાય છે. આ ઉપરાંત અમારા ગામમાં રોગચાળો ના ફેલાય તે માટે પગલાં લેવા માટે માગ છે. અન્ય એક ગ્રામજન મચ્છો ભરવાડ કહે છે કે, ‘જામનગર બાયપાસ પાસે લમ્પીથી મૃત્યુ પામેલી ગાયો નાખી જાય છે. અમારી માગ છે કે, આ રોગથી મૃત્યુ પામેલી ગાયોને શહેરના વિસ્તારથી દૂર રાખે. અમારા ગામમાં 500થી 600 ગાય છે તેથી તે ગાયોમાં પણ આ રોગ ફેલાવવાનો ભય છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.