તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરવે પૂર્ણ:1.44 લાખ બાળકોના આરોગ્ય સરવેમાં 3959ને અપાઈ સારવાર, કોરોનાની ત્રીજી લહેર પહેલા બાળકોનો સરવે પૂર્ણ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ જિલ્લામાંથી 550 કુપોષિત, 430 એનિમિયાગ્રસ્ત મળ્યા

કોરોનાની ત્રીજી લહેર આવે તો સૌથી વધુ બાળકો પર જોખમ છે. ત્યારે રાજકોટ જિલ્લામાં બાળકોના આરોગ્યનો સરવે પૂર્ણ કરવામાં આવ્યો છે. જિલ્લામાંથી કુલ 1.44 લાખ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. જેમાંથી જરૂર જણાય તેવા બાળકોને આરોગ્ય કેન્દ્ર સહિત હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. 260 બાળકોમાં વધુ લક્ષણો દેખાતા આરટીપીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેરમાં સ્થિતિ ગંભીર રીતે વણસી હતી. કોવિડ દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ બની ગયું હતું.

ત્યારે જો ત્રીજી લહેર આવે તો બા‌ળકો પર વધુ જોખમ હોવાથી રાજકોટ જિલ્લામાં તંત્ર અગાઉથી એલર્ટ થયું છે. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના કહેવા મુજબ દરેક ગામોમાં 40 દિવસમાં 1થી 5 વર્ષના 1.44 લાખ બાળકોનો સરવે કરવામાં આવ્યો છે. જેમાંથી જે બાળકોના આરોગ્યને લઈ થોડી સમસ્યા હોય તેવા 3959 બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

જેમાં 2165 બાળકને સ્થળ પર અને 298 બાળકને હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાઈ હતી. સાથે જ સરવેમાં 167 બાળક એવા પણ મળી આવ્યાં છે જેને અલગ-અલગ રોગગ્રસ્ત છે. તો 142 બા‌ળકો એવા છે જેને ખોડખાંપણ છે. જ્યારે 91 બાળક કોઈને કોઈ બીમારીથી પીડિત છે. જોકે તમામના આરોગ્યની તપાસ કરવામાં હતી. ગામમાં જો વેક્સિન ન લીધી હોય તો વહેલાસર લેવા માટે અપીલ કરાઈ છે.

430 એનિમિયાગ્રસ્ત બાળકો
આરોગ્ય તંત્ર દ્વારા દરેક ગામોમાં બાળકોનો સરવે કરવામાં આવ્યો છે. 1 થી 5 વર્ષના બાળકોના આ સરવે દરમિયાન 430 એનિમિયાગ્રસ્ત બાળકો પણ મ‌ળી આવ્યાં છે. સાથે જ જિલ્લામાંથી 550 કુપોષિત બાળકો પણ સરવેમાં સામે આવ્યાં છે. જેથી આવા તમામ બાળકોની વિશેષ સંભાળ રાખવા પરિવારજનોને અપીલ કરાઈ છે. જો ત્રીજી લહેર આવે તો આવા બાળકો પર વધુ જોખમ હોવાથી તેની અલગથી માહિતી પણ એકઠી કરવામાં આવી છે.

260 ના RTPCR ટેસ્ટ
સરવે દરમિયાન કેટલાક બા‌ળકો એવા પણ મળી આવ્યાં છે, જેનામાં તાવ, શરદી સહિતના વધુ લક્ષણો જણાતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જિલ્લામાંથી કુલ 260 બાળકનો આરટીપીસીઆર ટેસ્ટ કરાયો છે. જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...