સરવેની કામગીરી પૂર્ણ:બાળકોમાં નાની-મોટી બીમારી અંગે ત્રીજી લહેર પહેલાં આરોગ્યનો સરવે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગામડાંઓમાં સરવે માટે 50થી વધુ ટીમ કામે લાગી’તી
  • રાજકોટ જિલ્લામાં 80 હજાર બાળકોને તાવ-શરદી-ઉધરસની સારવાર અપાઇ

કોરોનાની સંભવત ત્રીજી લહેર આવે તે પહેલા રાજકોટ જિલ્લામાં તંત્ર એલર્ટ થયું છે. જિલ્લાના તમામ ગામડાંઓમાં બાળકોના આરોગ્યનો સરવે શરૂ કરાયો છે. જિલ્લા વિકાસ અધિકારીના કહેવા મુજબ 1.50 લાખ બાળકોના ઘરે ઘરે જઈને સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં સ્થિતિ ગંભીર રીતે વણસી હતી. કોવિડ દર્દીઓની સંખ્યા વધતાં હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ બની ગયા હતા. ત્યારે જો ત્રીજી લહેર આવે તો બા‌ળકો પર વધુ જોખમ હોવાથી રાજકોટ જિલ્લામાં તંત્ર અગાઉથી એલર્ટ થયું છે.

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના કહેવા મુજબ દરેક ગામોમાં 1થી 5 વર્ષના 1.50 લાખ બાળકોના આરોગ્યનો સરવે કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાંથી 80 હજાર જેટલા બાળકોના સરવેની કામગીરી પૂર્ણ પણ થઈ ચૂકી છે. સાથે જ ત્રીજી લહેર આવે તો બાળકોની ખાસ કાળજી રાખવા પણ લોકોને સલાહ આપવામાં આવી રહી છે. ત્રીજી લહેરનો સૌથી વધુ ખતરો બાળકો પર છે. તેમાં પણ કુપોષિત બાળકો પર જોખમ વધુ હોવાથી સરવે દરમિયાન કુપોષિત બાળકો મળી આવ્યા છે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

આવા બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ કુપોષિત બાળકના પરિવારને પણ તેની વધુ તકેદારી રાખવા સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ બાળકને વધુ સારવારની જરૂર હશે તો જિલ્લાની હોસ્પિટલ ખાતે વ્યવસ્થા કરવામાં આવશે.

લોકોને જાગૃત રહેવા અનુરોધ
સરવે દરમિયાન લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અંગે જાગૃત રહેવા સૂચના આપવામાં આવી હતી. બાળકોને કોઈ નાની-મોટી બીમારી હોય તો તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે. શરદી કે નાની બીમારી હોય તેવા બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. વધુ જરૂર જણાય તો કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ સારવાર અપાશે.

10 દી’માં સરવે પૂર્ણ કરાશે
બાળકોના આરોગ્યના સરવે માટે જિલ્લામાં 50થી વધુ ટીમો કામે લાગી છે. જિલ્લામાં 50 ટકા જેટલા બાળકોનો સરવે પૂર્ણ થયો છે. આગામી 10 દિવસમાં એટલે કે 25મી જુલાઈ જુધીમાં 1થી 5 વર્ષના તમામ બાળકોના આરોગ્યની તપાસ પૂર્ણ થઈ જશે. આ માટે હાલ આશાવર્કર બહેનો સહિતનો સ્ટાફ કામે લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...