ચેકીંગ:યુનિવર્સિટી રોડ, કુવાડવા રોડ અને મોરબી બાયપાસ રોડ પર આવેલી 17 રેંકડીમાં આરોગ્યના દરોડા, 24 કિલો ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેશનને દિવાળી દેખાણી, ડ્રાયફૂટના પણ નમુના લેવાયા
  • શુધ્ધ ઘીના વધુ બે નમુના, લાઇટ ફેટનું સેમ્પલીંગ

શહેરની ખાણીપીણી બજારોમાં મહાપાલિકાની ફૂડ શાખાએ ચાલુ રાખેલા દરોડાના દૌરમાં દુકાનો, ધાબા અને રાત્રી બજારોમાંથી રોજ મોટા પાયે વાસી માલ મળતો હોય, લોકોને સંપૂર્ણ આરોગ્યપ્રદ ભોજન અને નાસ્તો કયાં મળશે તે સવાલ થઇ ગયો છે. ત્યારે આજે ફરી યુનિવર્સિટી રોડ, કુવાડવા રોડ અને મોરબી બાયપાસ રોડ પર આવેલી 17 રેંકડી તથા દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં વાસી ખરાબ તીખુ પાણી, ચટણી, બ્રેડ અને બટેટા સહિત 24 કિલો ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

ગોપાલ પ્યોર ઘીના સેમ્પલ પણ લેવામાં આવ્યા
આજે શહેરમાં આરટીઓ પાસે જૂના માર્કેટીંગ યાર્ડમાં ભાગ્ય લક્ષ્મી સેલ્સ એજન્સીમાંથી લુઝ ડ્રાયફૂટ કાજુ અને ફૂડ સ્ટુડીયો રોસ્ટેડ એન્ડ સોલ્ટેડ પિસ્તાના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. દિવાનપરામાં મોન્ટુ બિપીનભાઈ જોબનપુત્રાને ત્યાંથી અમુલ પ્યોર ઘી અને ગોપાલ પ્યોર ઘીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

આ સ્થળો પર ચકાસણી કરવામાં આવી
આ ઉપરાંત યુનિવર્સિટી રોડ, કુવાડવા રોડ અને મોરબી બાયપાસ રોડ પર GJ05 એગવીલામાં 5 પેકેટ વાસી બ્રેડ, રાજખોડલ લાઈવ પફ એન્ડ બેકરીમાં 1 કિલો વાસી સોસ, રામદેવ ભેળ એન્ડ આઈસ્ક્રીમ 1 કિલો વાસી ચટણી, બજરંગ પાણીપુરીમાં 4 લીટર વાસી ખરાબ તીખુ પાણી,ન્યુ બજરંગ પાણીપુરી કુવાડવા રોડ 2 લીટર વાસી ખરાબ તીખુ પાણી,જય માતાજી દાળ પકવાનમાં 1 કિલો વાસી ચટણી, ગોકુલ ગાંઠીયામાં 1 કિલો વાસી ચટણી, શ્રીરામ પાણીપુરીમાં વાસી ખરાબ બટેટા 3 કિ.ગ્રા., ચામુંડા ટી સ્ટોલ, કેજીએન એગ્ઝ, ક્રિષ્ટલ એગ્ઝ, શ્રીરામ મદ્રાસ કાફે અને રૂસી ઢોસામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં બ્રેડ, સોસ, ચટણી, પાણીપુરીનું વાસી પાણી, વાસી બટેટા સહિત 24 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.