રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હેલ્થ પરમિટની તબીબી તપાસ માટે અને રોગી કલ્યાણ સમિતિમાં જમા કરવામાં આવતી ડીડીની રકમમાં સિવિલ અધિક્ષકે એક સુવ્યવસ્થિત કૌભાંડ આચર્યાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂતે કર્યા છે. ભ્રષ્ટચાર છુપાવવા માટે RTIમાં માંગેલી 5 મુદ્દાની વિગતોમાં સિવિલ અધિક્ષક દ્વારા યેનકેનન પ્રકારે માહિતી છુપાવી પોતે 2 મુદ્દામાં જવાબ આપી જવાબદારીમાથી હાથ ખંખેરી લીધાના પણ આક્ષેપો કર્યા છે.
5 મુદ્દા અંગે RTIમાં માહિતી માંગી હતી
મહામંત્રી મહેશ રાજપૂત દ્વારા ગત તા.09 માર્ચના રોજ સિવિલ હોસ્પિટલના અધિક્ષકને સંબોધીને 5 મુદ્દા અંગે RTIમાં માહિતી માંગી હતી. જે RTIમાં પણ 10 દિવસ સુધી યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો.બાદમાં મહેશ રાજપૂતે યોગ્ય સમય મર્યાદામાં માહિતી ન મળતા RTI એક્ટની કલમ 19 (1) મુજબ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારયા બાદ ગત તા.25ના રોજ રજીસ્ટર આઈ.ડીથી જવાબદાર અધિકારી દ્વારા માહિતી આપી દેવામાં આવી હતી.
ઘણી બધી માહિતી છુપાવવામાં આવી છે
જ્યાં RTIમાં માંગેલા પ્રશ્નોના જવાબોમાં સિવિલ અધિક્ષકની ટીમે કોંગ્રેસને ગોળગોળ જવાબ આપ્યા હોવાંની વાત મહેશ રાજપૂતે મીડિયા સમક્ષ કહી હતી અને RTIના જવાબો અંગે પત્રકાર પરિષદ સંબોધતા મહામંત્રી મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, હેલ્થ પરમિટના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે અમે RTI કરી હતી. 5 મુદ્દાની RTI માં મને સંતોષકારક જવાબ મળ્યો નથી. ઘણી બધી માહિતી છુપાવવામાં આવી છે.
ભ્રષ્ટાચાર ઉપર ઢાંક પીછોડો લગાવી રહ્યા છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હેલ્થ પરમિટ મેળવવા માટે સરકારના પરિપત્ર મુજબ રોગી કલ્યાણ સમિતિમાં રૂ.5 હજાર યુનિટ દીઠ લેવાનો બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. જે ઠરાવ માત્ર મોખિક સૂચનાથી કરવામાં આવ્યો છે. તેવું ઠરાવ બુકમાં લખવામાં આવ્યું છે, તેવું લેખિતમાં માહિતી અધિકારી જણાવે છે તો સરકારનો આવો કોઈ પરિપત્ર ન હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે. જેમાં તબીબી અધિકારી અને માહિતી અધિકારી માહિતી છુપાવી રહ્યા છે અને ભ્રષ્ટાચાર ઉપર ઢાંક પીછોડો લગાવી રહ્યા છે.
માહિતી છુપાવવી આર્થિક કોભાંડ આચર્યું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું માહિતી અધિકારી અને તબીબી અધિકારીને પૂછવા માંગું છું કે તે આપની શાખાને રોગી કલ્યાણ સમિતિ લાગુ ન પડતી હોય તો તમે કયા અધિકારથી રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં બેસો છો ? રોગી કલ્યાણ સમિતિમાં અમોએ માંગેલ માહિતી નં.01 અને 02 તમે એટલા માટે છુપાવવા માંગો છો તમે ઘણી હેલ્થ પરમિટમાં નાણાંકીય રકમ વસૂલી નથી તમે રોગી કલ્યાણ સમિતિમાં માહિતી છુપાવવી આર્થિક કોભાંડ આચર્યું છે? અહીં સ્પષ્ટ થાય છે કે હેલ્થ પરમિટની ભલામણોમાં ફી વસૂલયા વગર જ ઇશ્યૂ થઈ, અમૂક અરજીના નાણાં ચાઉં કરી સુવ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.