કોરોના બાદ H3N2 વાઇરસનો ખતરો દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે અને તેમાં પણ દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ વાઇરસ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેવામાં રાજકોટની એક ખાનગી લેબોરેટરીનો દાવો છે કે, જાન્યુઆરીથી અત્યાર સુધી તેમના દ્વારા 120 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 20% પોઝિટિવિટી રેશિયો જાહેર થતા અત્યાર સુધીમાં કુલ 25 પોઝિટિવ કેસ જાહેર થયા છે. જોકે, છેલ્લા 15 દિવસમાં ટેસ્ટિંગ પણ ઘટ્યું છે અને 21 જેટલા કેસમાં 2 કેસ પોઝિટિવ જાહેર થયા છે. બીજી તરફ રાજકોટ મનપાના ચોપડે હાલ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
120 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલ ગ્રીનક્રોસ લેબોરેટરીના ડિરેક્ટર મોનીલ ઠકરારે જણાવ્યું હતું કે, અમારી લેબોરેટરી ખાતે ઇન્ફ્લૂએન્ઝા પેનલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ટેસ્ટ 4500 રૂપિયામાં કરવામાં આવે છે જેની અંદર ઇન્ફ્લૂએન્ઝા એ, ઇન્ફ્લૂએન્ઝા બી, H1N1 અને H3N2 ટેસ્ટ કરવામાં આવે છે. જાન્યુઆરી 2023થી 15 માર્ચ 2023 સુધીમાં 120 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 20% પોઝિટિવ રેશિયો જોવા મળ્યો છે એટલે કે, 25 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો કે છેલ્લા 15 દિવસથી આ ફ્લૂના કેસમાં ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું છે અને છેલ્લા 15 દિવસમાં 21 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 કેસ પોઝિટિવ જાહેર થયા છે.
15 દિવસમાં H3N2 કેસ ઘટ્યા છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં છેલ્લા 15 દિવસમાં H3N2 કેસ ઘટ્યા છે જેની સામે કોરોના કેસ વધતા જોવા મળી રહ્યા છે. ટેસ્ટ માટે આવતા દર્દીઓને સોરથ્રોટ, નાકમાંથી પાણી નીકળવા, શરીરમાં તૂટ કળતર થવી, માથું દુખવું અને તાવ આવવો જેવાં લક્ષણો દેખાતાં હોય છે. જ્યારે 1થી 2% દર્દીને શ્વાસ ચડવા જેવાં લક્ષણો જણાતાં હોય છે, તેમને ડોક્ટરની સલાહ મુજબ એડમિટ થવાની જરૂર પડતી હોય છે.
સરકારે પરિપત્ર જાહેર કર્યો
આ સાથે H1N1 અત્યાર સુધી નોટિફાયલ ડિસીઝ હતો જેના કેસ પોઝિટિવ થાય તો તેમનું રિપોર્ટિંગ સરકારને નિયમિત કરવામાં આવતું હતું. જો કે એક સપ્તાહ પૂર્વે H3N2 કેસ અંગે સરકાર દ્વાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર ટેસ્ટનો નિયમિત રિપોર્ટ મનપાને આપવામાં આવશે. જેથી છેલ્લા એક સપ્તાહથી H3N2 કેસ ટેસ્ટિંગનું રિપોર્ટિંગ પણ સરકારને આપવામાં આવી રહ્યું છે.
રાજકોટમાં H3N2નો શૂન્ય કેસ
આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં H3N2નો એક પણ પોઝિટિવ કેસ નથી. લોકો સિવિલ હોસ્પિટલ અને ખાનગી લેબોરેટરીમાં H3N2 વાઇરસનો ટેસ્ટ કરાવી શકે છે. H3N2નો ટેસ્ટ કરતી ખાનગી લેબોરેટરીએ મનપાને રિપોર્ટ આપવો પડશે.
આ પણ વાંચોઃ રાજકોટમાં એક દિવસમાં હોટલમાં ઉતરેલા બે NRI સહિત 8 લોકોનો રિપોર્ટ પોઝિટિવ
C કેટેગરીના દર્દીઓના જ ટેસ્ટ કરવા આદેશ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, H3N2 સામાન્ય ફ્લૂ છે તે કોઈ ગંભીર વાઇરસ નથી. તેનાથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. હાલ H3N2 વાઇરસના કેસમાં સરકારની ગાઈડલાઈન મુજબ C કેટેગરીના દર્દીઓના જ ટેસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેથી રાજકોટમાં જે પણ ખાનગી લેબોરેટરી દ્વારા આ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે તેણે મનપાને સંપૂર્ણ વિગતો આપવી પડશે. જો કોઈ લેબોરેટરી દ્વારા તેની માહિતી આપવામાં નહીં આવે તો તે અંગે મનપા દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.
H3N2 વાઇરસ શું છે?
H3N2 વાઈરસ એક પ્રકારનો ઈન્ફ્લૂએન્ઝા વાઈરસ છે જેને ઈન્ફ્લૂએન્ઝા એ વાઈરસ પણ કહેવામાં આવે છે. આ એક શ્વાસ સંબંધિત વાઇરલ ઇન્ફેક્શન છે જે દર વર્ષે રોગોનું કારણ બને છે. ઈન્ફ્લૂએન્ઝાએ વાઈરસનો પેટા પ્રકાર છે જે 1968માં શોધવામાં આવ્યો હતો.
તાવ કેટલા દિવસ સુધી રહે છે?
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનનું માનવું છે કે ઇન્ફેક્શનનાં લક્ષણો પાંચથી સાત દિવસ સુધી ચાલુ રહી શકે છે. H3N2થી તાવ ત્રણ દિવસ સુધી રહે છે. પરંતુ ઉધરસ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે છે. લક્ષણો જોઈને કન્ફર્મ ન કહી શકાય. બ્લડ સેમ્પલ અને બીજા ટેસ્ટ કર્યા બાદ જ ખબર પડે છે કે, H3N2 કે પછી બીજી કોઈ બીમારી છે.
સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર
H3N2 વાઇરસને લઈ રાજકોટનું સિવિલ તંત્ર પણ તૈયાર હોવાનું સિવિલ અધિક્ષક ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું છે કે, હાઇરિસ્કમાં રહેલા તબીબોને H1N1 ફ્લૂની રસી આપવામાં આવશે. ગત વર્ષની સરખામણી આ વર્ષે ફ્લૂના કેસોમાં 30થી 40%નો વધારો થવા પામ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો તેમજ મોટી ઉંમરના લોકો માટે ખાસ ઓપીડી તેમજ આઇસોલેશન વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે. લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. વાઇરસને લઈ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા 500 જેટલી ટેસ્ટિંગ કિટની પણ માંગણી સરકાર પાસે કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.